અમેરિકન પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ૧૩ મહિનાની ટોચે પહોંચતાં સોના-ચાંદીમાં નવો ઘટાડો જોવાયો

25 May, 2023 03:56 PM IST  |  Mumbai | Mayur Mehta

ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ ડૉલર અને બ્રિટિશ પાઉન્ડ ગગડતાં ડૉલરને વધારાનો સપોર્ટ મળતાં સોનામાં વેચવાલી વધી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં રિસેશનની શક્યતાની વાતો વચ્ચે પ્રાઇવેટ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ ૧૩ મહિનાની ઊંચાઈએ પહોંચતાં ડૉલરની મજબૂતીને કારણે સોના-ચાંદીમાં નવો ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૩૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૪૧૧ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 

અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ડેટા નબળા આવ્યા હતા, પણ સર્વિસ સેક્ટરનો ગ્રોથ પ્રિલિમિનરી રિપોર્ટમાં સ્ટ્રૉન્ગ રહ્યો હોવાથી પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ૧૩ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જેને પગલે અમેરિકન ડૉલર મજબૂત બન્યો હતો. વળી બ્રિટનના બિઝનેસ ઍક્ટિવિટીના ડેટા નબળા આવતાં પાઉન્ડ ગગડી જતાં ડૉલરની મજબૂતીને સપોર્ટ મળ્યો હતો. ઑસ્ટ્રેલિયન ડૉલર અઢી મહિનાની અને ન્યુ ઝીલૅન્ડ ડૉલર ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોચતાં પણ ડૉલરની મજબૂતીને સપોર્ટ મળ્યો હતો. આમ, ડૉલર સ્ટ્રૉન્ગ થતાં સોનું, ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ તમામ પ્રેસિયસ મેટલ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ મે મહિનામાં ઘટીને ૪૮.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે એપ્રિલમાં ૫૦.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં મે મહિનામાં છેલ્લા ત્રણ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ઑપરેટિંગ કન્ડિશન નબળી પડતાં ડિમાન્ડમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ઇન્પુટ કૉસ્ટમાં બે વર્ષ પછી પ્રથમ વખત ઘટાડો જોવા મળ્યો હતો. 

અમેરિકાના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ મે મહિનામાં વધીને ૧૩ મહિનાની ઊંચાઈએ ૫૫.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે એપ્રિલમાં ૫૩.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૨.૬ પૉઇન્ટની હતી. નવા ઑર્ડર વધીને ૧૩ મહિનાની ઊંચાઈએ અને નવા તથા એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટની ડિમાન્ડ નોંધપાત્ર વધી હતી. સર્વિસ સેક્ટરમાં જૉબ ક્રીએશન ૧૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ઇન્પુટ પ્રાઇસ અને આઉટપુટ ચાર્જિસ ઍવરેજથી ઘણા વધુ વધ્યા હતા. 

અમેરિકન જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં સર્વિસ સેક્ટરનું વેઇટેજ ૭૭.૬ ટકા છે અને મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનું વેઇટેજ ૧૭.૮૮ ટકા છે. મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટ્યો છે, પણ સર્વિસ સેક્ટરનો ગ્રોથ રોબેસ્ટ રહ્યો હોવાથી પ્રાઇવેટ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ મે મહિનામાં વધીને ૧૩ મહિનાની ઊંચાઈએ ૫૩.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે એપ્રિલમાં ૫૩.૪ પૉઇન્ટ હતો. પ્રાઇવેટ સેક્ટરમાં નવા ઑર્ડર સતત ત્રીજે મહિને વધ્યા હતા. જોકે એક્સપોર્ટ સતત ૧૨મા મહિને ઘટી હતી અને એમ્પ્લૉઇમેન્ટ લેવલ ૧૦ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. 

અમેરિકી ડૉલર ઇન્ડેક્સ બે મહિનાની ઊંચાઈએ ૧૦૩.૫ના લેવલે સ્ટેડી હતો. અમેરિકન પ્રેસિડન્ટ બાઇડન અને હાઉસ સ્પીકર કેવી મેકક્રેથી વચ્ચેની મંત્રણાનું પરિણામ હજી આવ્યું નથી, પણ મંગળવારે થયેલી મંત્રણામાં પ્રગતિ થઈ હોવાના અહેવાલથી ડૉલર ઇન્ડેક્સ સ્ટેડી રહ્યો હતો. ઉપરાંત ફેડના મોટા ભાગના ઑફિશ્યલ્સ સતત ઇન્ટરેસ્ટ રેટ વધારવાની તરફેણ કરી રહ્યા હોવાથી જૂન મહિનામાં ફેડ ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારે એવી શક્યતાઓ વધી રહી હોવાથી ડૉલરને મજબૂતી મળી રહી છે.

અમેરિકામાં નવા રહેણાક મકાનોનું વેચાણ એપ્રિલમાં ૪.૧ ટકા વધીને ૧૩ મહિનાની ઊંચાઈએ ૬.૮૩ લાખે પહોંચ્યું હતું, જેના વિશે માર્કેટની ધારણા ૬.૬૫ લાખની હતી અને માર્ચમાં નવા રહેણાક મકાનોનું વેચાણ ૬.૫૬ લાખ રહ્યું હતું. નવા મકાનોના મૉડલ ભાવ ૪.૨૦ લાખ ડૉલર રહ્યા હતા જે એક વર્ષ અગાઉ ૪.૫૮ લાખ ડૉલર હતા. ઍવરેજ ભાવ ૫.૦૧ લાખ ડૉલર હતા, જે એક વર્ષ અગાઉ ૫.૬૨ લાખ ડૉલર હતા. 

બ્રિટનનું ઇન્ફ્લેશન એપ્રિલમાં ઘટીને ૧૩ મહિનાની નીચી સપાટીએ ૮.૭ ટકાએ પહોંચ્યું હતું, જેના વિશે માર્કેટની ધારણા ૮.૨ ટકાની હતી. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડનો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બે ટકાનો છે, જેનાથી હજી ઇન્ફ્લેશન પોણાપાંચ ગણું વધારે છે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ડિસેમ્બર ૨૦૨૧થી ઇન્ફ્લેશનને કાબૂમાં લેવા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનું ચાલુ કર્યું હતું, જે હજી સુધી ચાલુ છે. ખાસ કરીને હાઉસિંગ અને યુટિલિટીનું ઇન્ફ્લેશન એપ્રિલમાં ૧૨.૩ ટકા વધ્યું હતું, જે માર્ચમાં ૨૬.૧ ટકા વધ્યું હતું. ઇલેક્ટ્રિસિટી, ગૅસ અને અન્ય ફ્યુઅલના ભાવ એપ્રિલમાં ૨૪.૩ ટકા વધ્યા હતા, જે માર્ચમાં ૮૫.૬ ટકા વધ્યા હતા. રેસ્ટોરાં અને હોટેલના ભાવ પણ એપ્રિલમાં ૧૦.૨ ટકા વધ્યા હતા જે માર્ચમાં ૧૧.૩ ટકા વધ્યા હતા. ફૂડ અને નૉન-આલ્કોહૉલિક ચીજોનું ઇન્ફ્લેશન એપ્રિલમાં ૧૯ ટકા વધ્યું હતું, જે માર્ચમાં ૧૯.૧ ટકા વધ્યું હતું. 

ન્યુ ઝીલૅન્ડની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૫.૫ ટકાએ પહોંચાડ્યા હતા. ન્યુ ઝીલૅન્ડની સેન્ટ્રલ બૅન્ક દ્વારા સતત ૧૨મી વખત ઇન્ટરેસ્ટ રેટ વધારાયો છે અને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ હાલ ૧૫ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો છે. ન્યુ ઝીલૅન્ડનું ઇન્ફ્લેશન ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૬.૭ ટકા રહ્યું હતું, જે ઘણું ઊંચું હોવાથી ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. બૅન્ક ઑફ ન્યુ ઝીલૅન્ડે ગ્રોથ રેટનું પ્રોજેક્શન ઘટાડતાં હવે બીજા અને ત્રીજા ક્વૉર્ટરમાં રિસેશનની શક્યતાઓ બતાવાઈ રહી છે. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ 

અમેરિકાના ઇકૉનૉમિક ગ્રોથ ડેટા હવે ધીમે-ધીમે ધારણા કરતાં સારા આવી રહ્યા હોવાથી અને બૅન્કિંગ ક્રાઇસિસ વિશે નવા કોઈ સમાચાર આવી રહ્યા ન હોવાથી ફેડના દરેક ઑફિશ્યલ્સ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવા દબાણ વધારી રહ્યા છે. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના ડેટા ૧૩ મહિનાની ઊંચાઈએ આવતાં હવે ફેડ પાસે જૂન મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ ન વધારવાનું કોઈ ઠોસ કારણ નથી. આ સંજોગોમાં જૂનમાં ઇન્ટેરસ્ટ રેટ વધારવાની શક્યતા દિવસે ને દિવસે વધી રહી છે. જો ફેડ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો સોનામાં ફરી દબાણ આવશે અને શૉર્ટ ટર્મ સોનું ૧૯૫૦ ડૉલરની સપાટી તોડીને અંદર જઈ શકે છે. અમેરિકાનું ઇન્ફ્લેશન ઘટી ગયું છે. ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવી રહ્યા
છે, આથી જો અમેરિકાના નવા ઇકૉનૉમિક ડેટા પણ સ્ટ્રૉન્ગ આવશે અને અન્ય કરન્સી સામે ડૉલર વધુ મજબૂત બનશે તો સોનું શૉર્ટ ટર્મ ઘટીને ૧૯૦૦ ડૉલરના લેવલે પણ પહોંચી શકે છે. આ લેવલ સોનામાં ખરીદી કરવાનું બેસ્ટ લેવલ હશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૦,૬૮૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૪૩૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૦,૧૨૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

commodity market business news