જિયોપૉલિટિકલ ટેન્શન ઘટતાં વિશ્વબજારની રાહે મુંબઈમાં સોના અને ચાંદી સતત ત્રીજે દિવસે ઘટ્યાં

24 April, 2024 06:27 AM IST  |  Mumbai | Mayur Mehta

મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસમાં સોનાનો ભાવ ૧૮૭૯ રૂપિયા અને ચાંદીનો ભાવ ૩૩૨૦ રૂપિયા ઘટ્યો

પ્રતીકાત્મક તસવીર

મિડલ ઈસ્ટમાં જિયોપૉલિટિકલ ટેન્શન ઘટતાં સોનું અને ચાંદી સડસડાટ ઘટી રહ્યાં છે. વર્લ્ડ માર્કેટમાં સોનાએ છેલ્લા પાંચ દિવસમાં પહેલા ૨૪૦૦ ડૉલરની સપાટી તોડ્યા બાદ મંગળવારે ૨૩૦૦ ડૉલરની સપાટી તોડીને સોનું ૨૨૯૦.૭૦ ડૉલરે પહોંચ્યા બાદ સાંજે ૨૩૦૨થી ૨૩૦૩ ડૉલરની રેન્જમાં હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૨૭૭ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૫૪૭ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં સોના-ચાંદીનો ભાવ સતત ત્રીજે દિવસે ઘટ્યો હતો. સોનાનો ભાવ છેલ્લા ત્રણ દિવસમાં ૧૮૭૯ રૂપિયા અને ચાંદીનો ભાવ છેલ્લા ત્રણ દિવસમાં ૩૩૨૦ રૂપિયા ઘટ્યો હતો. 

વિદેશ પ્રવાહ
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ મંગળવારે વધીને ૧૦૬.૦૭ પૉઇન્ટે પહોંચ્યો હતો. જૅપનીઝ યેન ડૉલર સામે નવી ૩૪ વર્ષની નીચી સપાટીએ અને યુરો પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં ડૉલરને મજબૂતી મળી હતી. ઉપરાંત કેટલાંક ફેડ ઑફિશ્યલ્સ ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થવાની શક્યતાને સ્પષ્ટ શબ્દોમાં નકારી રહ્યા હોવાથી ડૉલર ઇન્ડેક્સને મજબૂતી મળી રહી છે. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ૦.૦૧ ટકા વધીને ૪.૬૬ ટકાની પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યાં હતાં. યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ પ્રિલિમિનરી ગ્રોથ એપ્રિલમાં ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૪૫.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૪૬.૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૬.૫ પૉઇન્ટની હતી. યુરો એરિયાના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ એપ્રિલમાં વધીને ૧૧ મહિનાની ઊંચી સપાટીએ ૫૨.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૫૧.૫ પૉઇન્ટની હતી. યુરો એરિયાની ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનું વેઇટેડ ૬૭.૭ ટકા હોવાથી અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધ્યો હોવાથી પ્રાઇવેટ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ એપ્રિલમાં વધીને ૧૧ મહિનાની ઊંચી સપાટીએ ૫૧.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૫૦.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૮ પૉઇન્ટની હતી. 
ચીને ઇકૉનૉમિક રિકવરી માટે ૨૦૨૪માં ૧૨૦ લાખ નવી નોકરીઓ ઊભી કરવાનો લક્ષ્યાંક મૂક્યો હતો એ અંતર્ગત જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન ૩૦.૩ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી અને અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ૦.૩ ટકા ઘટીને ૫.૨ ટકાએ પહોંચ્યો હતો. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
જિયોપૉલિટિકલ ટેન્શન ઘટતાં સોનાએ ૨૩૦૦ ડૉલરની સપાટી તોડી હતી. અગાઉ પણ અહીં લખ્યું હતું એમ સોનાની તેજીને માત્ર જિયોપૉલિટિકલ ટેન્શનનો જ સપોર્ટ હતો અન્ય તમામ કારણો સોનાની તેજી માટે નેગેટિવ હોવાથી જિયોપૉલિટિકલ ટેન્શન ઘટતાં સોનું ઝડપથી ઘટી રહ્યું છે. સોનું બે સપ્તાહ અગાઉ ૨૪૩૧ ડૉલરની ઑલટાઇમ હાઈ સપાટીથી ઘટીને ૨૨૯૭ ડૉલર સુધી ઘટ્યું છે. જો આગામી દિવસોમાં જિયોપૉલિટિકલ ટેન્શન ઘટશે તો ઓછામાં ઓછા ૧૦૦ ડૉલર અને વધુમાં વધુ ૩૦૦ ડૉલર સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. સોનું ૧૦૦ ડૉલર ઘટતાં વેચવાલી સતત વધી  રહી છે જેનાથી સોનું વધુ ઝડપથી ઘટી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ ઝડપથી ઘટશે.

business news share market stock market sensex nifty gold silver price