સેન્સેક્સ સહિત વૈશ્વિક બજારોમાં વિક્રમી તેજી, રૂપિયામાં નરમાઈ

11 November, 2019 04:00 PM IST  |  Mumbai | Biren Vakil

સેન્સેક્સ સહિત વૈશ્વિક બજારોમાં વિક્રમી તેજી, રૂપિયામાં નરમાઈ

ગ્લોબલ માર્કેટ

અમેરિકા અને ચીન એકબીજા પર લાગતી વેપારી ટૅરિફ દૂર કરશે અને કામચલાઉ વેપારી સમજૂતી થશે એવી આશાએ ડૉલર અને અમેરિકી તેમ જ યુરોપિયન શૅરબજારોમાં તેજી જળવાઈ હતી. યુઆનમાં તેજી આગળ વધી હતી. ભારતીય સેન્સેક્સ ૪૦૬૦૦ની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. જોકે રૂપિયામાં થોડી નરમાઈ હતી. આર્થિક સુધારાનો દોર જળવાઈ રહેતાં શૅરબજારમાં સેન્ટિમેન્ટ સુધારાનું છે. જોકે રૂપિયાના મામલે રાજકોષીય ખાધની ચિંતા અને ફુગાવો રિઝર્વ બૅન્કના લક્ષાંક કરતાં વધ્યો હોવાથી રૂપિયો નરમ છે. સરકાર રોકાણ અને વપરાશની સાઇકલને બૂસ્ટ આપવા ખર્ચ વધારશે, આવક ઓછી છે એટલે ખાધ વધશે.


વૈશ્વિક બજારો અમેરિકા અને ચીન વચ્ચે પ્રથમ તબક્કાનું ડીલ કેવી રીતે થાય છે, થાય છે કે કેમ એના પર અટકળોમાં વ્યસ્ત છે. બેઉ પક્ષોનું સમાધાન પરત્વેનું કમિટમેન્ટ કમજોર હોઈ અને રાષ્ટ્રવાદી વલણમાં બેઉ દેશો હાર્ડલાઇનર હોઈ ટ્રેડ-વોર અંગે વાતો ઝાઝી અને કામ ઓછું થાય છે. અમેરિકામાં આગામી વરસે ચૂંટણી છે એ પહેલાં ડીલ થઈ જાય એ માટે ટ્રમ્પને ઉતાવળ હોય પણ ચીનની મુરાદ ચૂંટણી પછી ડીલ થાય એવી હશે. ડીલનું માઇલેજ ટ્રમ્પને મળે એ ચીનને ગમે જ નહીં. ચીનને એવી આશા પણ હોય કે ચૂંટણી પછી ડેમોક્રેટિક પ્રમુખ આવે તો ચીન માટે બેટર ડીલ થઈ શકે. જો કે અનેક પ્રતિકૂળ સંજોગો હોવા છતાં ટ્રમ્પ માટે ફરી પ્રમુખ બનવું અઘરું દેખાતું નથી. ડેમોક્રેટિક પક્ષ પાસે સબળ અપિલિંગ ઉમેદવારો નથી. આંતરિક ખેંચતાણો ઘણી છે.


રૂપિયાની વાત કરીએ તો ડૉલર ૭૦.૩૬ સુધી ગયા પછી ફરી રૂપિયો ૭૧ વટાવી ૭૧.૨૮ પર બંધ રહ્યો છે.  એકંદરે રેન્જ ૭૦.૬૨ - ૭૧.૨૭ હતી એ હવે ૭૦.૯૭ - ૭૧.૪૮ અને જો ૭૧.૪૮ ઉપર બંધ આવે તો ફરી ૭૧.૧૭ - ૭૨.૨૮ની રેન્જમાં રૂપિયો આવી જશે. શૅરબજારની તેજી સ્થાનિક સંસ્થાકીય લેવાલી, લાર્જ કૅપ શૅરોમાં લેવાલી અને સરકાર દ્વારા સતત સુધારાઓની જાહેરાત રૂપે વર્બલ ઇન્ટરવેન્શનની કમાલ છે. મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅરો હજી ઘણા નબળા રહ્યા છે. જીડીપીની તુલનાએ રાજકોષીય ખાધનો સરકારી અંદાજ ૭ ટકા છે, પણ એફસીઆઇ અને એલએઆઇના દેવાંને ખાધમાં ઉમેરીએ તો ખાધ ૧૦ ટકા જેવી થાય અને આ આંકડો મોટો કહેવાય એમ ભૂતપૂર્વ ગવર્નર ડૉ. રાજનનું કહેવું છે.


ટેક્નિકલી રૂપિયો બાયપોલર માર્કેટ છે. મેક્રો ફંડામેન્ટલ જોતાં રૂપિયામાં વધઘટે ૭૨.૫૦ - ૭૪ સુધીની સંભાનવા છે. જો રાજકોષીય ખાધ વધે અને વૈશ્વિક બજારોમાં કમજોરી આવે, રિસેશન આવે તો રૂપિયો ૭૪.૪૦નું આગલું બૉટમ તોડી શકે. ઇલિયટ વૅવ મુજબ રૂપિયામાં પાંચમા વૅવનું ટાર્ગેટ ૭૩.૫૦ - ૭૪ સુધીનું છે.  આ માટે સમયગાળો ચારથી છ માસનો ગણાય. સેન્સેક્સમાં પાંચમો વૅવ ૪૨૦૦૦ સુધી ટાર્ગેટ આપે છે. વિકસિત શૅરબજારોમાં યુરોપિયન બજારો સ્ટાર પરફોર્મર હતા. આર્થિક મંદી વચ્ચે પણ યુરોપમાં કવૉલિટી સ્ટૉકમાં તેજી છે. જર્મન શૅરબજાર સર્વોચ્ચ સપાટીથી થોડું જ દૂર છે. અમેરિકી શૅરબજારોમાં પણ વિક્રમી તેજી છે.

આ પણ જુઓ : અંબાણીના આંગણે અવસરઃ જુઓ સિતારાઓથી સજ્જ પાર્ટીની તસવીરો

સસ્તાં નાણાં અને અઢળક લિક્વિડીટીને કારણે મેઇન સ્ટ્રીટ અને વૉલસ્ટ્રીટ વચ્ચેનું અતંર વધી રહ્યું છે. બેસુમાર નાણાંને કારણે સટ્ટાકીય તેજી થઈ રહી છે. કરન્સી બજારોમાં વીતેલા સપ્તાહમાં યુઆનમાં સુધારો નક્કર બન્યો હતો. યુઆન ૭નું લેવલ તોડી ૬.૯૮ બંધ રહ્યો હતો. પાછલા ત્રણ વરસમાં યુઆન ૬.૩૬થી ઘટીને ૭.૨૦ થઈ હવે ૬.૯૮ થયો છે. કોરિયન વોનમાં પણ જબ્બરદસ્ત તેજી છે. વોન ૧૨૨૨થી ઊછળી ૧૧૫૮ થયો છે. એશિયામાં એક્સટર્નલ ટ્રેડના સંદર્ભમાં યુઆન અને વોન, ખાસ કરીને વોનને બેસ્ટ બેન્ચમાર્ક ગણી શકાય. વોનની તેજી જોતાં હવે ટ્રેડ ડીલ નજીકમાં છે એમ માની શકાય. જપાની યેન પણ ઘટતો અટક્યો છે.


ઘરઆંગણે શનિવારે બંધ બજારે રામમંદિર ચુકાદા પર જ દેશનું ધ્યાન કેન્દ્રિત હતું. જનતાએ શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખ્યો છે અને સામાજિક પરિપકવતાનું પ્રમાણ આપ્યું છે.


vakilbiren@gmail.com

business news