લોકલ પરિબળો બજારને ઘટવા નહીં દે અને ગ્લોબલ પરિબળો વધવા નહીં દે

26 September, 2022 04:17 PM IST  |  Mumbai | Jayesh Chitalia

પરંતુ વીતેલા સપ્તાહમાં યુએસ, યુરોપ, ચીન અને અન્ય માર્કેટ્સના નેગેટિવ તેમ જ અનિશ્ચિતતાના સંજોગોની વચ્ચે ભારતીય બજારમાં ત્રણ જ દિવસમાં જોરદાર કડાકા બોલાયા હતા.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ગ્લોબલ મોરચે સમસ્યાઓને લીધે રોકાણ કરવા બાબતે વિદેશી રોકાણકારોમાં જાએ તો જાએ કહાંની ફીલિંગ્સ કામ કરી રહી હોવાથી ભારતીય શૅરબજાર તેજીના ટ્રેન્ડ સાથે આગળ વધી રહ્યું હતું; પરંતુ વીતેલા સપ્તાહમાં યુએસ, યુરોપ, ચીન અને અન્ય માર્કેટ્સના નેગેટિવ તેમ જ અનિશ્ચિતતાના સંજોગોની વચ્ચે ભારતીય બજારમાં ત્રણ જ દિવસમાં જોરદાર કડાકા બોલાયા હતા. જોકે એણે ખરીદી માટે ફરી તકો ઊભી કરી ગણાય. સ્થાનિકમાં સુધારાતરફી માહોલ વચ્ચે અત્યારે તો ભારતીય બજારને ગ્લોબલ ગ્રહો નડતા હોવાનું જોવાય છે

આગલા સપ્તાહમાં ગંભીર ગ્લોબલ અસરોને પરિણામે કડાકા સાથે નેગેટિવ બંધ રહેનાર બજાર ગયા સપ્તાહમાં પ્રથમ દિવસે-સોમવારે પૉઝિટિવ શરૂઆત કરી હતી. ગ્લોબલ સંજોગોની નબળાઈ વચ્ચે ભારતીય માર્કેટ પ્લસ રહેતાં સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૯૧ પૉઇન્ટ રિકવરી સાથે બંધ રહ્યા હતા. યુએસ ફેડરલ રિઝર્વ બીજા દિવસે વ્યાજ વધારો કરવાનું પાકું હોવાના સંજોગોમાં પણ મંગળવારે ભારતીય માર્કેટમાં મજેદાર ઉછાળાથી શરૂઆત થઈ હતી, યુએસ અને એસિયન માર્કેટ પણ પૉઝિટિવ હતાં. સ્થાનિક સંસ્થાઓની વેચવાલી વચ્ચે પણ એફઆઇઆઇની ખરીદી ચાલુ રહી હતી. વર્તમાન સંજોગોમાં ભારતીય ઇક્વિટીના આકર્ષણને કારણે વધ-ઘટ સાથે સેન્સેક્સ ૯૦૦ પૉઇન્ટ ઉપર પહોંચ્યા બાદ આખરમાં ૫૭૮ અને નિફ્ટી ૧૯૪ પ્લસ બંધ રહ્યા હતા. અર્થાત રિકવરી ચાલુ રહીને પ્રૉફિટ બુકિંગ પણ થયું હતું. બુધવારે પણ માર્કેટમાં વૉલેટિલિટીનું શાસન હતું. રશિયન પ્રેસિડન્ટ પુતિનના નિવેદને થોડી રાહત અને ઘણો ગભરાટ પણ આપ્યો હતો. અંતમાં માર્કેટે કરેક્શનનો આશરો લીધો હતો. બીજા દિવસે ફેડની જાહેરાત આવી ગઈ એટલે કે ફેડરલ રિઝર્વે ૭૫ બેસિસ પૉઇન્ટના વ્યાજ વધારાની જાહેરાત કરતાં જ માર્કેટે કરેક્શન આગળ વધાર્યું. જોકે અહીં એ નોંધવું જોઈશે કે આ વધારો અપેક્ષિત જ હતો. તમામ ઇન્ડેક્સ લાલ રંગમાં રંગાઈ ગયા હતા. આ સાથે એ પણ યાદ રાખો કે ફેડરલ તરફથી આ વરસના અંત સુધીમાં હજી વ્યાજ વધારો શક્ય છે. યુએસમાં ફુગાવો હદ બહાર વધી રહ્યો હોવાથી ફેડરલ રિઝર્વે ઇન્ટરેસ્ટ રેટના વધારાની ફરજ પડી છે. યુએસ ફુગાવાના દરને બે ટકા સુધી લાવવાનું લક્ષ્ય રાખે છે. આમ એક તરફ રશિયાની સમસ્યા હજી ઊભી છે અને બીજી તરફ યુએસની સમસ્યા વધી રહી છે અને ત્રીજી તરફ યુરોપ પણ મોંઘવારીના સકંજામાં આવી ગયું હોવાથી વિવિધ સેન્ટ્રલ બૅન્કો તરફથી વ્યાજ વધારાની જાહેરાત કતારમાં છે. આવા સંજોગોમાં શૅરબજારનો ટ્રેન્ડ તેજીમાં રહેવાનું કઠિન જણાય છે. બજાર વધશે તો કરેક્શન આવતા વાર નહીં લાગે. ઇન શૉર્ટ, ભારતીય બજારે પોતાના અર્થતંત્રના દમ પર ચાલવાનું છે અને ગ્લોબલ અનિશ્ચિતતાઓનો સામનો પણ કરવાનો છે.

શુક્રવારે કડાકાનાં કારણો

ગુરુવારે પણ માર્કેટમાં કરેક્શનની ગાડી આગળ ચાલી હતી. જોકે કરેક્શન આક્રમક બન્યું નહોતું. સેન્સેક્સ અને નિફ્ટી જરૂર વધુ નીચે ઊતર્યા હતા. શુક્રવારે કરેક્શનની ગાડીએ સ્પીડ પકડીને બજારની શરૂઆત કરી હતી, જેમાં યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ વધારા ઉપરાંત ભારતીય સ્ટૉક્સના વૅલ્યુએશન ઊંચા હોવાનું કારણ પણ ઉમેરાયું હતું. આ ઉપરાંત ચીનની ઇકૉનૉમીની મંદ પડી રહેલી ગતિ સાથે ભારતીય ગ્રોથ રેટના નીચા આવી રહેલા અંદાજની પણ બજાર પર નેગેટિવ અસર જોવાઈ હતી. વધુમાં પ્રવાહિતા મંદ પડવાનું કારણ ઉમેરાયું હતું, નિરાશાનાં બધાં જ પરિબળો ભેગાં થતાં બજાર સતત ત્રીજા સત્રમાં ઘટ્યું અને શુક્રવારે તો તૂટ્યું હતું. સેન્સેક્સ ૧૦૨૦ પૉઇન્ટ અને નિફ્ટી ૩૦૨ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. દરમ્યાન બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે પણ વ્યાજમાં વધારો જાહેર કરી દીધો છે, જ્યારે કે હવે રિઝર્વ બૅન્ક કેટલો રેટ વધારે છે એના પર નજર રહેશે. આ સંજોગોમાં માર્કેટ પાસે તેજીની આશા ઓછી રહેશે, પણ કરેક્શનની શક્યતા વધુ હશે.

ટીના ફૅક્ટરનું જોર ક્યાં સુધી રહેશે? 

ભારતીય માર્કેટ અત્યાર સુધી ટીના ફૅક્ટરને માણી રહ્યું હોવાથી એનો તેજીનો ટ્રેન્ડ અકબંધ હોવાનું કહેવાય છે. આ ટીના (ટીઆઇએનએ) ફૅક્ટરનો અર્થ બજારની ભાષામાં ‘ધેર ઇસ નો ઑલ્ટરનેટિવ’ થાય છે. ચીન ઉપરાંત યુએસ અને યુરોપિયન માર્કેટમાં મુશ્કેલીઓ હોવાથી ઇન્ડિયન માર્કેટનું આકર્ષણ ઊંચામાં પણ રહે છે. અહીં ઇકૉનૉમીની મજબૂતી અને સંભાવના પૉઝિટિવ પરિબળ બની રહે છે. કેટલાક સ્પષ્ટ સંકેત નજર સામે છે, સીધા વેરાના કલેક્શનમાં સપ્ટેમ્બર સુધીમાં ૩૦ ટકા જેટલી વૃદ્ધિ થઈ છે. રશિયા ખાતેથી ક્રૂડની નીચા ભાવે આયાત કરવાથી ભારતને અંદાજે ૩૫,૦૦૦ કરોડનો લાભ થયો હોવાનું નોંધાયું છે. આ સાથે સ્થાનિકમાં વિન્ડફોલ ટૅક્સનો લાભ પણ મળ્યો છે. જીએસટી તો સતત દર મહિને ગ્રોથ દર્શાવે છે. કન્ઝમ્પ્ઝનમાં પણ વૃદ્ધિનાં દર્શન થયાં કરે છે. જોકે આ ટીના ફૅક્ટર ક્યાં સુધી ચાલશે એવો સવાલ થાય છે. ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસના ટ્રેન્ડને જોતાં આ સવાલ થવા જેવો પણ ખરો. તેમ છતાં, નીચામાં પુનઃ ખરીદી આવવાની આશા છે.

તેજીની ગાડી દોડતી રહેવાનો આશાવાદ

મૉર્ગન સ્ટેનલી ઇન્ડિયાના મૅનેજિંગ ડિરેક્ટર રિધમ દેસાઈએ વ્યક્ત કરેલા મત મુજબ ભારતીય માર્કેટે ક્રૂડની ચિંતા બંધ કરી દીધી હોવાનું પ્રતીત થાય છે, હાલ યુએસમાં રિસૅશનના ભય વચ્ચે પણ ભારતીય બજાર તેજીમય વલણ સાથે ટકી રહ્યું છે. યુએસના એસઍન્ડપી-૫૦૦માં અત્યાર સુધીમાં ૧૯ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે એની સામે નિફ્ટી ફ્લૅટ રહ્યો છે. આમ ભારતીય બજારની કામગીરી બહેતર રહી છે. ફૉરેન ઇન્વેસ્ટર્સની ભારતમાં રોકાણ માટેની વાપસી થઈ છે, સરકાર કંપનીઓનો જીડીપીમાં હિસ્સો વધે એવા પ્રોત્સાહક પગલાં લઈ રહી છે. આગામી ચાર-પાંચ વરસમાં કૉર્પોરેટ્સનો હિસ્સો જીડીપીમાં હાલના ૪ ટકાની સામે ૮ ટકા થઈ જવાની આશા છે. આ સમયમાં ફાઇનૅન્શિયલ સ્ટૉક્સમાં સ્કોપ વધશે. ૨૦૨૪ ચૂંટણીનું વરસ હોવાથી વૉલેટાઇલ રહી શકે, બાકી તેજીની ગાડી સડસડાટ દોડતી રહેશે એવું રિધમ દેસાઈનું માનવું છે. 

ભારતીય સ્ટૉક માર્કેટની મજબૂતી અને રેઝિલિઅન્ટ પાવર જોવો હોય તો એપ્રિલ ૨૦૨૦થી અત્યાર સુધીની માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સની યાત્રા જોઈ જવી જોઈએ. આ સમયગાળામાં નિફ્ટીએ ૧૧૪ ટકા વૃદ્ધિ બતાવી છે, જે વિશ્વની કોઈ પણ માર્કેટ કરતાં ઊંચી છે. આ સમયગાળો પૅન્ડેમિકનો કપરો સમય હતો.

સૅલેરી નહી, ઇન્વેસ્ટમેન્ટનું મહત્ત્વ

ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વૉરન બફેટે રોકાણ જગત માટે અનેક બોધપાઠ આપ્યા છે, પરંતુ સૌથી રસપ્રદ-અસરકારક અને નોકા વિધાનમાં તેઓ કહે છે, માર્કેટમાં ઇન્વેસ્ટરની મુખ્ય ક્વૉલિટી તેનું ઇન્ટેલેક્ટ (બુદ્ધિમતા) નહીં, તેનું ટેમ્પરામેન્ટ (માનસ-મૂડ-બિહેવ) છે. બફેટસાહેબ એક મજાની વાત એ પણ કહે છે કે તમારી સૅલેરી કેટલી ઊંચી છે, માત્ર એનું ગૌરવ ન લો, તમારા ઇન્વેસ્ટમેન્ટની ઊંચાઈ કેટલી અને કેવી છે એનું ગૌરવ લો. આ વાત કાયમ યાદ રાખવા જેવી છે, કારણ કે સૅલેરી એક દિવસ ક્યાંક અટકી જશે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ સતત ગ્રોથ પામ્યા કરે એવું હોવું જોઈએ. એ જ તમને સદા આર્થિક દૃષ્ટિએ આત્મનિર્ભર રાખશે. 

business news share market stock market nifty sensex national stock exchange bombay stock exchange