શૅરબજાર પર યુદ્ધનાં બૉમ્બ-મિસાઇલ્સ કડાકારૂપે ફૂટી શકે : ઇન્વેસ્ટર્સ પૅનિક-અટૅકથી દૂર રહે

02 March, 2026 09:20 AM IST  |  Mumbai | Jayesh Chitalia

નબળા સે​ન્ટિમેન્ટ વચ્ચે નેગેટિવ કારણો ઉમેરાતાં જાય છે- આગળ જતાં આમાં નાના-રીટેલ અને નવા નિશાળિયા ઇન્વેસ્ટર્સ પોતે ફસાઈ ગયા હોવાનું જ્ઞાન સારી એવી રકમ ભરપાઈ કરીને પ્રાપ્ત કરે છે.

પ્રતીકાત્મક તસવીર

ફેબ્રુઆરી મહિનો બજેટની જાહેરાત સાથે શરૂ થયો. જોકે આ મહિનો મહત્તમ વૉલેટાઇલ-ચંચળ રહ્યો. એનાં કારણોમાં અમેરિકન ટૅરિફ, અમેરિકન સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) સેક્ટર પર ભારે અસરને પરિણામે બજાર કરેક્શનના માર્ગે ચાલ્યું હતું અને હજી ચાલી શકે, કેમ કે હાલ ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો માહોલ પણ ગંભીર બની રહ્યો છે જે બજારને નકારાત્મક અસરો પહોંચાડી શકે છે. યાદ રહે, બજાર પાસે વધવાનાં કારણો ઓછાં અને ઘટવાનાં કારણો વધુ છે

AT સ્ટૉક્સના ગાબડાની અસર

વૈશ્વિક ભૂરાજકીય સંજોગો સતત ધૂંધળા રહ્યા છે. AIને કારણે IT સેક્ટર સહિત દરેક સેક્ટરમાં અનિશ્ચિતતાનો માહોલ વધતો રહ્યો છે. વ્યક્તિ હોય કે કૉર્પોરેટ્સ, રાજ્ય હોય કે સમગ્ર દેશ, દરેકે નવેસરથી સજ્જ થવું જોઈશે. ફાઇનૅન્શિયલ જગતનાં પરિમાણો અને પરિણામો બદલાવાનાં શરૂ થયાં છે. એને પગલે ભારતીય શૅરબજાર કડાકાનો સામનો કરી રહ્યું છે, ત્યાં વળી ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો તનાવ ગંભીર આકાર લઈ રહ્યો છે જેના પરિણામે ક્રૂડના ભાવ વધી શકે છે. માર્કેટમાં સેલિંગ-પ્રેશરને લીધે આજે મોટા કડાકા આવી શકે છે. અલબત્ત, બીજી બાજુ ભારત બહેતર ફન્ડામેન્ટલ્સ સાથે આગળ વધી રહ્યું હોવા છતાં એણે ગ્લોબલ સંજોગોનો સામનો કર્યા સિવાય છૂટકો નથી.

AIનો દોર ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે IT કંપનીઓના સ્ટૉક્સ પર થયેલી અસરની ઝલક પણ જોઈ લેવી જોઈએ, જેમાંથી ચોક્કસ સંકેતો મળે છે. એક અંદાજ મુજબ તાજેતરના કડાકામાં IT સ્ટૉક્સમાં પડેલા ગાબડામાં મ્યુચ્યુઅલ ફન્ડ્સને આશરે ૩.૫ લાખ કરોડ રૂપિયાની ખોટ ગઈ. LICને ઇન્વેસ્ટર તરીકે ૪૨,૫૦૦ કરોડ રૂપિયાની લૉસ થઈ. મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને LIC બન્નેએ ઇન્ફોસિસ અને તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના શૅરોમાં મહત્તમ ખોટ કરવી પડી જેમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સને બે લાખ કરોડ રૂપિયાની અને LICને ૨૬,૦૦૦ કરોડ રૂપિયાની ખોટ ખમવી પડી. આમાં ઓવરઑલ બજાર પણ તૂટ્યું અને વ્યાપક મૂડીધોવાણ થયું છે.

IPOના રોકાણકારો ધ્યાન રાખે

આ માહોલમાં IPOમાં રોકાણ કરવા દોડતા કે ઘેલા થતા રોકાણકારોએ ખાસ નોંધવા જેવી વાત એ છે કે ૨૦૨૪થી ૨૦૨૬નાં બે વર્ષમાં આવેલા ૧૯૮ IPOમાંથી માત્ર ૬૪ IPOના ભાવ પ્લસમાં રહ્યા અને માત્ર ૩૫ IPOએ સતત વળતર આપ્યું છે. સામાન્ય રીતે IPOની વણઝાર આવે છે અને તેજી જોઈને લોકોમાં જે તાવ ચઢે છે એ સમય જતાં તનાવ બનવા લાગે છે. ઘણા તો માત્ર લિસ્ટિંગ-ગેઇન માટે જ રોકાણ કરતા હોય છે, તેમની વાત સાવ જુદી બને છે, જ્યારે કે લાંબા ગાળાના રોકાણકારો સમય જતાં ભાવોને ઠંડા પડતા જોતા રહે છે. આવું દર થોડાં વર્ષે બનતું રહે છે, પરંતુ બહુ ઓછા લોકો એને યાદ રાખે છે. હવે જ્યારે AI કંપનીઓનો યુફોરિયા શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે રોકાણકારોએ અત્યારથી એ દિમાગમાં બેસાડી દેવું જોઈશે કે AIના નામે અનેક કંપનીઓ મોટા દાવાઓ સાથે IPO લાવશે, જેમાંથી સંભવત: પચીસ ટકા કંપનીઓ જ ટકશે અને વાજબી કે સાતત્યપૂર્ણ વળતર આપતી હશે. IPO-બબલ આપણે ઘણી વાર જોયા છે, જેમ કે ડૉટકૉમ કંપનીઓ. તાજેતરમાં ન્યુએજ કંપનીઓ, સ્ટાર્ટઅપ કંપનીઓના IPOનો સમય આપણે જોયો છે, હજી આ સમય ચાલુ પણ ગણાય. આમાં હવે AI કંપનીઓનો વારો નીકળશે ત્યારે મોટે ભાગે સ્માર્ટ રોકાણકારો બચી શકશે, બાકી ગાડરિયા પ્રવાહવાળા તણાઈ જાય એવી શક્યતા ઊંચી રહેશે.

ગ્રે-પ્રીમિયમ માર્કેટ

દરમ્યાન એક અહેવાલ અનુસાર નિયમનતંત્ર SEBI ૨૦૨૬ના આ વર્ષમાં IPOની કતારની સંભાવનાને ધ્યાનમાં રાખી તેમ જ અગાઉના અનુભવોને લક્ષ્યમાં રાખીને કંપનીઓના ઇશ્યુ પહેલાં જ ચોક્કસ બાબતો પર ફોકસ કરવા માગે છે જે એના કાનૂની દાયરામાં આવતી હોય અથવા જ્યાં SEBI આગોતરી ચકાસણી કરાવી શકે કે ઍક્શન લઈ શકે. આમ પણ IPO લિસ્ટ થાય એ પહેલાં ગ્રે માર્કેટ કે પ્રીમિયમ માર્કેટમાં ભાવોની ચહલપહલ કે રમત-સંકેતો આપવા લાગે છે. આમ તો આ માર્કેટ SEBIના દાયરાની બહાર છે. આ માર્કેટ બિનસત્તાવાર ગણાય છે છતાં એમાં થતા સોદાઓની અસર સત્તાવાર બજાર પર પડતી હોય છે. અહીં ભાવો સાથે ચાલાકીપૂર્વક રમવામાં આવે છે જેમાં અનેક ઉતાવળિયા, લોભી કે ઝટપટ કમાણીમાં માનતા રોકાણકારો સક્રિય ભાગ લેતા હોય છે. એમાંના ઘણાખરા પોતે જોખમ લઈ રહ્યા હોવાનું પણ જાણતા હોય છે. અલબત્ત, આ બધાની પ્રાઇમરી માર્કેટના સેન્ટિમેન્ટ પર અસર થયા વિના રહેતી નથી. આગળ જતાં આમાં નાના-રીટેલ અને નવા નિશાળિયા ઇન્વેસ્ટર્સ પોતે ફસાઈ ગયા હોવાનું જ્ઞાન સારી એવી રકમ ભરપાઈ કરીને પ્રાપ્ત કરે છે.

કરેક્શનનો વૉલેટાઇલ મહિનો

વીતેલા સપ્તાહમાં શૅરબજારે વિચિત્ર ચાલ બતાવી હતી. ખાસ કરીને ગાબડાં પાડવામાં બજાર સક્રિય રહ્યું. ગ્લોબલ નબળા સંકેતો, વેચવાલીનું દબાણ અને સેન્ટિમેન્ટની ખરાબી સેન્સેક્સને ૧૦૦૦-૧૦૦૦ પૉઇન્ટ તોડતી રહી હતી. બજારમાં આવી વધ ઓછી અને ઘટ વધારેના માહોલમાં રોકાણકારો ગડમથલમાં મુકાય નહીં તો જ નવાઈ. બજારની વૉલેટિલિટી રોકાણકારોના માનસને સ્ટેબલ થવા દેતી નથી. મજાની વાત એ છે કે આ મહિનામાં FII નેટ બાયર્સ બન્યા હતા, જેઓ છેલ્લા ત્રણ મહિનાથી સતત નેટ સેલર્સ રહ્યા હતા. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો નેટ બાયર્સ રહીને સમયાંતરે બજારને ટેકો આપતા રહે છે. બાય ધ વે, હાલ બજારના વધવા કરતાં ઘટવાની શક્યતા વધુ છે અને રહી શકે, જેને લાંબા ગાળાના રોકાણકારો ખરીદીની તક બનાવી શકે. અલબત્ત, IT અને AI બન્ને પ્રત્યે સાવચેત રહેવું જોઈશે. આ બન્ને સેક્ટરમાં સાચી-ખોટી વાતો-સમાચારો ફેલાતાં રહેશે જેને સમજ્યા વિના એના આધારે રોકાણ કરનારા ફસાઈ શકે છે. હાલ તો યુદ્ધના અહેવાલ અને માહોલ જ બજાર પર સતત દબાણ અને તનાવ રાખવા માટે મોટું કારણ બની રહેશે. બાય ધ વે, સાવચેત રહેવામાં સાર, ગભરાઈ જવામાં હાર થશે.

વિશેષ ટિપ

માર્કેટના દરેક ઉછાળા કે કડાકાને તરત પ્રતિભાવ આપવો નહીં. બિઝનેસ ગ્રોથ માટે સમય લે  છે અને પોર્ટફોલિયો એ ગ્રોથને દર્શાવવા માટે સમય લે છે. વચ્ચેના ગાળામાં સતત લે-વેચ કરનાર રોકાણકારો લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાને ડામી દે છે.

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

ડિસેમ્બર ક્વૉર્ટરનો GDP
ગ્રોથ-રેટ ૭.૮ ટકા રહ્યો છે. વપરાશ અને રોકાણ એના મુખ્ય ચાલકબળ રહ્યાં.

અમેરિકા-ઈરાન-ઇઝરાયલ વચ્ચેના તનાવની અસરોમાં ક્રૂડના ભાવ વધવાની શક્યતા વધી ગઈ છે. વિવિધ દેશોના બિઝનેસને ગંભીર અસર સંભવ.

ભારતમાં ઑટો ડિમાન્ડને ધ્યાનમાં રાખીને જાયન્ટ ઑટો કંપનીઓ અહીં વેચાણનાં લક્ષ્યો વધારી રહી છે.

ભારતનાં નાનાં શહેરો (ખાસ કરીને સેમી-રૂરલ-૩થી ૫ ટિયર)માં રીટેલ-ખર્ચમાં સતત વૃ​દ્ધિ નોંધાઈ રહી છે. ઇકૉનૉમિક ગ્રોથ માટે આ મજબૂત સંકેત ગણી શકાય.

business news stock market national stock exchange bombay stock exchange share market nifty sensex foreign direct investment mutual fund investment jayesh chitalia indian economy