ચોખાના નિકાસભાવ વધીને ૩૦ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા

28 January, 2023 03:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોખાબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ કેન્દ્ર સરકારે ટેકાના ભાવથી ખરીદી વધારી છે અને બીજી તરફ મફત અનાજની યોજના બંધ કરી હોવાથી એની માગ પણ ખુલ્લા બજારમાં વધી છે.

પ્રતીકાત્મક તસવીર

ચોખાબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ કેન્દ્ર સરકારે ટેકાના ભાવથી ખરીદી વધારી છે અને બીજી તરફ મફત અનાજની યોજના બંધ કરી હોવાથી એની માગ પણ ખુલ્લા બજારમાં વધી છે. બીજી તરફ ભારતીય ચોખાના એક્સપોર્ટ ભાવ છેલ્લા પખવાડિયામાં ૧૦ ટકાથી વધુ વધીને લગભગ ૩૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. નિકાસકારો અને વેપારીઓએ જણાવ્યું હતું કે ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એફસીઆઇ) કેન્દ્રીય પુલ અને વૈશ્વિક ચલણની હિલચાલ માટે વધુ ચોખાની ખરીદીને ધ્યાનમાં રાખીને ભાવમાં વધારો થયો છે. વડા પ્રધાન ગરીબ કલ્યાણ અન્ના યોજના હેઠળ મફત અનાજના વિતરણને સમાપ્ત કરવાના કેન્દ્રના નિર્ણય જે વિવિધ કલ્યાણ યોજનાઓ હેઠળ સામાન્ય પુરવઠા ઉપરાંત છે એને પરિણામે પણ ભાવમાં વધારો થયો છે, એમ તેમણે જણાવ્યું હતું. દિલ્હીના ચોખાના એક નિકાસકારે જણાવ્યું હતું કે નિકાસકારોને સ્થાનિક બજારમાંથી ચોખા મેળવવા માટે એફસીઆઇ સાથે સ્પર્ધા કરવી પડે છે, જેને કારણે ભાવમાં વધારો થયો છે. એક વાર ચોખાની સરકારી ખરીદી બંધ થયા બાદ ભાવમાં ઘટાડો આવે એવી ધારણા છે.
દેશમાં એફસીઆઇની સરકારી ખરીદી ગયા વર્ષની તુલનાએ ૨૦ ટકા જેટલી વધી છે, જેની અસરે ખુલ્લા બજારમાં ખાનગી ટ્રેડરો કે નિકાસકારોને પૂરતી માત્રામાં નીચા ભાવથી ચોખા મળતા નથી. 
દેશમાં બેન્ચમાર્ક એવા પારબોઇલ્ડ ચોખાના ભાવ છેલ્લાં બે સપ્તાહમાં ૩૦ ટકા જેવા વધીને ૨૯૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ક્વોટ થાય છે, જે અગાઉ ૨૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના હતા. બંગલાદેશ પણ સરકાર સાથે રાજકીય સંબંધને આધારે ચોખાની ખરીદી કરવા માટે વાતચીત કરી રહ્યું છે જેની અસરે પણ ચોખામાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

business news