ભારતીય ચોખાના નિકાસ ભાવ દોઢ વર્ષની ટોચે યથાવત્

27 September, 2022 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાઇલૅન્ડના ચોખાના ભાવ ૪૨૦થી ૪૩૫ ડૉલર પ્રતિ ટન છે, જે કરન્સી નબળી પડવાને કારણે સપ્તાહમાં પાંચેક ડૉલર વધ્યા છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ચોખાની નિકાસ માટેના ભારતના ભાવ આ અઠવાડિયે દોઢ વર્ષના ઉચ્ચ સ્તરની નજીક યથાવત્ હતા, કારણ કે નિકાસ ઉપરનાં નિયંત્રણોને લીધે વેપારીઓ બંદરો પર પડેલા સ્ટૉકની નિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા હતા, જ્યારે ખરીદદારો અન્ય દેશમાંથી સસ્તા પુરવઠા માટે પ્રયાસ કરી રહ્યા છે.

ભારતનાં પાંચ ટકા બ્રોકન પાર્બોઇલ્ડ વિવિધતાની કિંમતો ગયા સપ્તાહથી ૩૮૫થી ૩૯૨ ડૉલર પ્રતિ ટનની સપાટી પર યથાવત્ છે જે એપ્રિલ ૨૦૨૧ બાદના સૌથી ઊંચા ભાવ છે. ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યના કાકીનાડાના એક નિકાસકારે જણાવ્યું હતું કે કેટલાક ખરીદદારો ઊંચા ભાવ ચૂકવવા તૈયાર હતા, પરંતુ મોટા ભાગના ભાવ સ્થિર થવાની રાહ જોઈ રહ્યા હતા. ભારતીય બંદરો પર ચોખાનું લોડિંગ બંધ થઈ ગયું છે, લગભગ ૧૦ લાખ ટન ચોખાનાં શિપમેન્ટને રોકી રાખ્યાં છે, કારણ કે બાયરો ૨૦ ટકાની નિકાસ ડ્યુટી જેટલી વધારાની રકમ ચૂકવવા માટે તૈયાર નથી. બીજી તરફ બાયરો હવે બીજા દેશો તરફ વળી રહ્યા છે.

ભારતના મુખ્ય હરીફ દેશ એવા વિયેટનામના ચોખાના ભાવ ૪૦૦થી ૪૧૦ ડૉલર પ્રતિ ટન બોલાય છે જે ભારતની તુલનાએ હજી ઊંચા છે. થાઇલૅન્ડના ચોખાના ભાવ ૪૨૦થી ૪૩૫ ડૉલર પ્રતિ ટન છે, જે કરન્સી નબળી પડવાને કારણે સપ્તાહમાં પાંચેક ડૉલર વધ્યા છે.

business news commodity market