ટ્રેડ-વૉરનો અંત?: સોના-ચાંદીના ભાવમાં 5 મહિનામાં મોટો સાપ્તાહિક ઘટાડો

09 November, 2019 10:55 AM IST  |  Mumbai

ટ્રેડ-વૉરનો અંત?: સોના-ચાંદીના ભાવમાં 5 મહિનામાં મોટો સાપ્તાહિક ઘટાડો

ટ્રેડ-વૉરનો અંત નજીક આવી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે સોનાના ભાવમાં કડાકો બોલી ગયો છે. સોનાના ભાવ પાંચ મહિનાના સૌથી મોટા સાપ્તાહિક ઘટાડા સાથે ઑગસ્ટ પછીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા છે. બજારને એવો વિશ્વાસ હતો કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉર વકરી જશે જેનાથી વૈશ્વિક આર્થિક વિકાસ મંદીમાં સરી પડશે. વિકાસ ઘટે એટલે વ્યાજનો દર પણ ઘટાડવો પડશે અને એનાથી વ્યાજ સાથે નહીં જોડાયેલી સોનાની ભાવની સપાટીને તેજી મળશે.


અમરિકાના બૉન્ડના યીલ્ડ ઑગસ્ટમાં જયારે ઊંધા થઈ ગયા ત્યારે સોનાના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી હતી. ગુરુવારથી યીલ્ડ વધી ગયા છે અને સોનામાં ભાવ પણ ઘટી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે ટ્રેડ-વૉરનો અંત આવ્યો છે. જોકે બજારમાં એવી હવા પણ ચાલી રહી છે કે ટ્રમ્પ વહીવટી તંત્ર હજી પણ ચીન સાથેની વ્યાપાર-સમજૂતી સાથે તૈયાર નથી અને જો સોનાના ભાવ ૧૪૫૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીથી ઉપર રહે તો બજારમાં તેજી આવી શકે છે.


વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં ગુરુવારે સાંજે કડાકો જોવા મળ્યો હતો જે શુક્રવારે પણ ચાલુ હતો. વૈશ્વિક હાજર બજારમાં સોનું સોમવારે ૧૫૧૨.૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતું. ગુરુવારે બજાર ખૂલી ત્યારે એનો ભાવ ઘટીને ૧૪૯૦.૩ ડૉલર પ્રતિ ઔંસ હતો, જે ગુરુવારે એક જ દિવસમાં ૨૧.૫ ડૉલર ઘટી ૧૪૬૮.૮ ડૉલર પ્રતિ ઔંસ બંધ રહ્યો હતો. આજે સોનાનો હાજર ભાવ ૧૪૫૮.૬ ડૉલર પ્રતિ ઔંસ છે. ન્યુ યૉર્ક કૉમેક્સ ગોલ્ડ ડિસેમ્બર વાયદો ૧૪૯૧.૯ ડૉલર પ્રતિ ઔંસ ગુરુવારે ખૂલ્યો હતો જે ઘટી ૧૪૬૬.૪ ડૉલર બંધ આવ્યો હતો. આમ એક જ દિવસમાં ૨૫.૫ ડૉલરનો ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે પણ એ ઘટી ૧૪૬૧.૨૫ ડૉલરની સપાટી પર છે. ચાંદીના ભાવ ગુરુવારે ત્રણ ટકા ઘટ્યા પછી આજે ૧.૦૨ ટકા ઘટીને ૧૬.૮૩૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

મુંબઈમાં હાજરમાં સોનાના ભાવ ૩૨૫ ઘટીને ૩૯,૧૩૫ અને અમદાવાદના ભાવ ૩૯૦ ઘટી ૩૯,૧૫૦ રૂપિયા થયા હતા. મુંબઈ હાજર ચાંદી ૧૬૦૦ ઘટી ૪૫,૧૫૦ અને અમદાવાદમાં ૪૫,૨૫૦ રૂપિયા રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૪૩૧૧ ખૂલી, ઉપરમાં ૪૪૪૪૮ અને નીચામાં ૪૪૦૧૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૮૮ ઘટીને ૪૪૦૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૮૩ ઘટીને ૪૪૧૦૩ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૮૮ ઘટીને ૪૪૧૦૩ રૂપિયા બંધ રહ્યા હતા.

business news