ચીનમાં આર્થિક મંદીના ભણકા : ડૉલર સુધર્યો, રૂપિયો નરમ

15 May, 2023 03:06 PM IST  |  Mumbai | Biren Vakil

G7 બેઠક, અમેરિકા ડેબ્ટ ડિફૉલ્ટ અલ્ટિમેટમ અને એશિયન અલ નીનો પર બજારની નજર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચીનમાં કન્ઝયુમર ઇન્ફ્લેશન અને ફૅક્ટરી ગેટ ઇન્ફ્લેશનના આંકડા માગની મંદી બતાવે છે. એપ્રિલમાં વપરાશી ફુગાવો માસિક ધોરણે માત્ર ૦.૧ ટકા વધ્યો. એપ્રિલ માસમાં ક્રેડિટ ઑફટેક યાને નાણાંનો ઉપાડ પણ ઘટ્યો છે. આયાત અને નિકાસના આંકડા ઘણા કમજોર રહ્યા છે. આયાત ૮.૫ ટકા અને નિકાસ ૬.૫ ટકા ઘટી. અમેરિકામાં ફુગાવો ઘટે તો સારા સમાચાર ગણાય, પણ ચીન જેવા મોટા વપરાશકાર-ઉત્પાદક અર્થતંત્રમાં ફુગાવો શૂન્ય નજીક પહોંચી જાય તો એ ખરાબ સમાચાર કહેવાય. કૉપર, ક્રૂડ, ઝિન્ક, ઘઉં, સોયાબીન જેવી કૉમોડિટિઝમાં બાસ્કેટ સેલિંગ ડિફ્લેશનની યાને મંદીની સાબિતી ગણાય. ભારતમાં પણ ફુગાવો સતત બીજા મહિને ઘટ્યો છે. અનાજનો ફુગાવો ઘટ્યો છે. ચીનના આંકડા ખરાબ એટલે કહેવાય કે અર્થતંત્રમાં લાંબું કોરોના લૉકડાઉન હતું. ઇકૉનૉમી રીઓપન થઈ ત્યારે સરકારે ટાર્ગેટેડ રાહત પૅકેજ આપ્યાં, વ્યાજદરો નીચા રાખ્યા. મોટા સ્ટિમ્યુલસ પછી પણ જો અર્થતંત્ર રફતાર ન પકડે તો એને આંતરિક નબળાઈ જ ગણવી પડે. ચીનમાં પેન્ટઅપ ડિમાન્ડની આશા હાલપૂરતી તો ઠગારી નીવડી છે. જોઈએ આગળ પર ડિમાન્ડ રિકવરી કેવી રહે છે. 

યુઆન હાલમાં ૬.૯૫ આસપાસ છે, શૅરબજારોમાં તેજી ઓસરતી જાય છે. યુઆન આગળ જતાં નોંધપાત્ર કમજોર થઈ ૭.૦૫-૭.૧૦ થવાની શક્યતા છે. યુઆન અને યેનની કમજોરીને કારણે ઇમર્જિંગ એશિયામાં પણ થોડી નરમાઈ છે. ઇમર્જિંગ બાસ્કેટમાં હાલ લેટિન અમેરિકાને કૉમોડિટી રિસોર્સ સાઇકલનો લાભ મળી રહ્યો છે. ચીલી, કોલંબિયા પેસો વગેરેમાં જોરદાર તેજી છે. માત્ર આર્જેન્ટિના પેસો નરમ છે. એશિયામાં અલ નીનો અને હીટવેવ દુકાળનાં જોખમો વધ્યાં છે. જૂન-જુલાઈ અત્યંત નિર્ણાયક ગાળો છે.

અમેરિકાની વાત કરીએ તો ફુગાવાના આંકડા થોડા નરમાઈ બતાવે છે, એ સારા સમાચાર છે. એપ્રિલ માસમાં વપરાશી ફુગાવો વાર્ષિક ધોરણે ૪.૯ ટકા અને માસિક ધોરણે પાંચ ટકા રહ્યો છે. ગયા નવેમ્બરમાં વપરાશી ફુગાવો ૯.૧ ટકા થઈ ગયો હતો. એ જોતાં હાલનો ૪.૯ ટકાનો ફુગાવો ફેડ માટે મોટી રાહતના સમાચાર કહેવાય. ફેડ ચૅરમૅન પૉવેલ વારંવાર કહે છે કે ફુગાવાને બે ટકા લાવવા ફેડ કટિબદ્ધ છે. વ્યાજદરોમાં સવા વરસમાં ૫૦૦ બેસિસ પૉઇન્ટ જેવો આકરો વ્યાજદર વધારો કર્યાની અસર હવે દેખાય છે. અમેરિકામાં આગામી છ માસમાં ફુગાવો ૨-૩ ટકા વચ્ચે આવી જાય એવી પ્રબળ શક્યતા છે. ફેડ હવે વ્યાજદર વધારો અટકાવે, કદાચ ૨૦૨૪માં રેટકટ સાઇકલ શરૂ થાય. અમેરિકામાં દેવા લિમિટ મામલે ટ્રેઝરી વિભાગે ૧ જૂનનું અલ્ટિમેટમ આપ્યું છે. જો દેવા લિમિટ સમજૂતી ન થાય તો અમેરિકા અમુક પેમેન્ટમાં ડિફૉલ્ટ થઈ શકે. જોકે છેલ્લી ઘડીએ કોઈક ડિલ થઈ જશે, અમેરિકી ઍસેટ બજારોમાં રિલીફ રૅલી આવશે. 

ઘરઆંગણે રૂપિયો ૮૧.૭૦થી ઘટીને ૮૨.૨૫ બંધ હતો. અન્ડરટોન નરમ હતો. જોકે હજી રૂપિયો ૮૧.૭૦-૮૨.૮૦ની રેન્જમાં જ રમે છે. જથ્થાબંધ ભાવાંક હવે ૪.૫ ટકા થઈ ગયો છે. એ જોતાં રિઝર્વ બૅન્ક હાલમાં વ્યાજદર વધારશે નહીં. કદાચ આગળ પર એકાદ રેટકટની બેટ આપી શકે. ચીનની મંદી, યુરોપનું સ્ટૅગફ્લેશન અને વૉર ફટિગ વચ્ચે ભારતીય અર્થતંત્ર સ્વિટ સ્પોટ દેખાય છે. ઑટો, ઇન્ફ્રા, ટૂરિઝમ, ફાર્મા, એફએમસીજી એમ ઘણાં સેક્ટર વાઇબ્રન્ટ દેખાય છે. કર્ણાટક ચૂંટણીઓમાં શાસક પક્ષનો નબળો દેખાવ, એશિયામાં હીટવેવ અને સ્ટ્રૉન્ગ અલ નીનો રિસ્ક જોતાં જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં રૂપિયો ૮૨.૫૦-૮૩.૫૦ રહેવાની શક્યતા વધુ છે.

ટોક્યોમાં G7 દેશોની બેઠકમાં ચાઇના થ્રેટ અને યુક્રેનનો મુખ્ય એજન્ડામાં છે. થાઇલૅન્ડની અને ટર્કીની ચૂંટણીઓ, ચીનમાં રીટેલ સેલ્સ, ભારતના ટ્રેડ ડેટા પર બજારની નજર છે. હાલમાં ડૉલર બૉટમઆઉટ થયો છે. યુરો, પાઉન્ડ તેમ જ ક્રિપ્ટોમાં તેજી ઓસરી છે. ચીની શૅરબજારોમાં પણ વેચવાલી છે. અમેરિકામાં ડેબ્ટ સીલિંગનું કોકડું ઉકેલાયા પછી અમેરિકી બિગટેક અને લાર્જ કૅપ શૅરોમાં રિલીફ રૅલી આવશે. હાલમાં શૉર્ટ ટર્મ રેન્જ જોઈએ તો રૂપીડૉલર ૮૧.૮૦-૮૨.૮૦, યુરોરૂપી ૮૮.૮૦-૯૦.૮૦, પાઉન્ડરૂપી ૧૦૧-૧૦૪, યુરોડૉલર ૧.૦૭૨૦-૧.૧૦૫૦, પાઉન્ડ ડૉલર ૧.૨૨૨૦-૧.૨૫૦૦, યેનડૉલર ૧૩૩-૧૩૭, બીટકૉઇન ૨૪,૪૦૦-૨૯,૨૦૦, સોનું ૧૯૮૦-૨૦૫૦ અને ડૉલેક્સની રેન્જ ૧૦૧.૩૦-૧૦૩.૭૦ ગણાય.

business news commodity market indian rupee inflation