ટ્રમ્પની ટૅરિફનો લાભ : કરેક્શનથી શૅરબજારમાં ખરીદીની તકો વધશે

06 August, 2025 06:58 AM IST  |  Mumbai | Jayesh Chitalia

હાલ તો ટ્રમ્પે લાદેલા ટૅરિફ-દરોથી ભારત માટે ચિંતા વધી હોવાની ચર્ચા છે અને એની પહેલી અસર શૅરબજાર પર જોવા પણ મળી. જોકે આ ટૂંકા ગાળાની અસરમાં ભાવો નીચા આવતાંની સાથે ખરીદીની તકો વધશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

હાલ તો ટ્રમ્પે લાદેલા ટૅરિફ-દરોથી ભારત માટે ચિંતા વધી હોવાની ચર્ચા છે અને એની પહેલી અસર શૅરબજાર પર જોવા પણ મળી. જોકે આ ટૂંકા ગાળાની અસરમાં ભાવો નીચા આવતાંની સાથે ખરીદીની તકો વધશે. એમ છતાં અત્યારે માનસ સાવચેતીનું અને વેઇટ ઍન્ડ વૉચનું રહેશે. રોકાણકારો સિલેક્ટિવ બનશે

જેમ શૅરબજારની આગાહી ન થઈ શકે એમ ટ્રમ્પસાહેબની પણ આગાહી ન થઈ શકે એ હકીકતને ટ્રમ્પસાહેબે પોતે જ સાચી પાડી છે. ભારત પર પચીસ ટકાની ટૅરિફ અને રશિયા સાથે વેપાર કરવા સામે પેનલ્ટી જેવાં પગલાં ભરીને અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે હાલ જે પણ કર્યું છે એને કારણે ભારતીય શૅરબજારને કરેક્શનનો આંચકો ભલે મળ્યો, પરંતુ આ કરેક્શન મારફત ઊંચા ગયેલા સ્ટૉક્સ-વૅલ્યુએશન નીચે આવશે અને શૅરબજારમાં ખરીદીની તક વધશે, કેમ કે ટ્રમ્પની ટૅરિફની અસરો ટૂંક સમયમાં ઓછી થવા લાગશે એવી આશા બજાર પોતે જ રાખી રહ્યું છે. અનુભવીઓ ટ્રમ્પના પગલાની આગાહી ભલે ન કરી શકે, તેમને ટ્રમ્પની ધારણા તો હતી જ. એથી જ આ અસરો લાંબી નહીં ચાલે અને ભારત પણ નવી તકો માટે સજ્જ હતું અને હજી વધુ સજ્જ થશે. આમ ટ્રમ્પનાં ટૅરિફનાં કદમ રોકાણકારો માટે નવી તકો ઊભી કરશે એવું માની શકાય.

હાઈ વૅલ્યુએશનની ફરિયાદ દૂર થશે

છેલ્લા કેટલાક સમયથી શૅરબજારનો મામલો હાઈ વૅલ્યુએશન પર પહોંચી ગયો હતો. બજારે કંપનીઓની ઘટેલી કમાણી સામે વધેલા ભાવોને ભાવ આપવાનું બંધ કર્યું અથવા ઓછું કર્યું હતું. ક્વૉર્ટરલી પરિણામોની ચોક્કસ અંશે રહેલી નબળાઈની અસર કંપનીઓના શૅરભાવ પર જોવા મળવાની શરૂ થઈ હતી. જોકે સારા પરિણામની સારી અસરો પણ જે-તે સ્ટૉક્સ પર થતી જ હતી. બીજી બાજુ વૉલેટિલિટી ઇન્ડેક્સની વૃદ્ધિ આગામી સમયમાં જોખમ વધવાના સંકેત આપતી હતી. દરમ્યાન ગ્લોબલ સિનારિયો પણ સતત બદલાયા કરે છે. જોકે અનિશ્ચિતતા અગાઉ કરતાં ઓછી ભલે થઈ હોય, લોકોના માનસમાંથી મુક્ત થઈ નથી, જેથી રોકાણકાર વર્ગ સાવચેતી વધુ પસંદ કરી રહ્યો છે.

ટ્રમ્પ પાસે બહુ આશા પણ નહોતી

વૅલ્યુબાઇંગ, વૉલેટિલિટીમાં રાહત અને પૉઝિટિવ ગ્લોબલ સંકેતને કારણે ગયા સોમવારે કરેક્શનમાં રહેલું બજાર મંગળવારે બંધ થતાં પહેલાં ઝડપથી રિકવર થયું હતું. એ માટે ઘટેલા ભાવોએ આવેલી ખરીદી પણ જવાબદાર હતી. લોકો હવે વધુ ઘટાડામાં ખરીદી કરી લેવાનો અભિગમ ધરાવતા થયા છે અને કરેક્શનથી તરત પૅનિકમાં આવતા નથી. બુધવારે પણ સુધારો ચાલુ રહ્યો હતો, જોકે એ સાધારણ જ હતો. ગુરુવારે અને શુક્રવારે અમેરિકન ટૅરિફ-દરોની જાહેરાતની નેગેટિવ અસરો બજાર પર છવાઈ હતી, પરંતુ જો આપણે માર્ક કરીએ તો આ અસરમાં માર્કેટ ઘટ્યું છે, તૂટ્યું કે કડાકામાં ફેરવાયું નથી. આટલી અસર તો અપેક્ષિત હતી અને થાય પણ. ટ્રમ્પ પાસે ભારત બહુ સારી આશા રાખે એવું મૂરખ નથી.

શૅરબજારે છેલ્લા બે દિવસમાં કરેક્શનનાં દર્શન કરાવ્યા બાદ નવા સપ્તાહમાં પણ કરેક્શન ચાલુ રહે તો નવાઈ નહીં, પરંતુ વાસ્તવમાં આમ થવા પર માર્કેટ-વૅલ્યુઅશન ઊંચા હોવાની ફરિયાદ દૂર થશે, કરેક્શનનો સમયગાળો બાઇંગ-ઑપોર્ચ્યુનિટી આપશે. ભારત વિશ્વ-વેપાર માટે અન્ય દેશો સાથે આમ પણ વાટાઘાટ ચલાવી જ રહ્યું છે. વિદેશી રોકાણના પ્રવાહની આવન-જાવનની અસર તો રહેવાની છે. વિદેશી રોકાણકારોની વેચવાલી વધી હોવાનું કારણ પણ કરેક્શનમાં સહભાગી થયું છે.

આમ પણ વીતેલું સપ્તાહ વેપાર-કરારોની અનિશ્ચિતતાને લીધે તેમ જ અર્નિંગ્સને લીધે વૉલેટાઇલ રહેવાની ધારણા હતી જ, હાલ તો રોકાણકારો સ્થાનિક અર્થતંત્રના વિકાસ પર વધુ નજર રાખશે, જે સેક્ટરને સ્થાનિક વિકાસથી લાભ થતો હશે એના પર વધુ ફોકસ થશે. ગ્લોબલ માર્કેટ ટૅરિફ ઉપરાંત અમેરિકન મોંઘવારીદર અને વ્યાજદરને કારણે દબાણ હેઠળ રહેવાની શક્યતા છે. બૅન્ક ઑફ જપાન પણ હાલ વ્યાજદર ઘટાડે એવા સંકેત નથી. એક આશા આગામી સપ્તાહમાં રિઝર્વ બૅન્ક પાસે રહેશે. જોકે અત્યારે માર્કેટમાં કરેક્શનનું રાજ ચાલશે એવું જણાય છે. અલબત્ત, સિલેક્ટિવ સેક્ટર્સ-સ્ટૉક્સમાં આકર્ષણ રહી શકે.

ટૅરિફ મામલે પૅનિક થવાની જરૂર નથી

ટ્રમ્પની ભારત માટેની ટૅરિફ-જાહેરાતની અસર શૅરબજાર પર નેગેટિવ ભલે થઈ, પરંતુ નિષ્ણાતોના મતે આનાથી ભારત પર બહુ મોટી અસર થવાની શક્યતા ઓછી છે, કેમ કે ભારત આમ પણ અમેરિકા સાથે બહુ મોટો વેપાર કરતું નથી. ભારત સરકારે આ જાહેરાત સામે કોઈ ભય કે ચિંતાના પ્રતિભાવ આપ્યા નથી અને કહ્યું છે કે ભારત વેપાર-કરારને ફૉલો કરશે. અલબત્ત, ભારત એની અસર પણ સમજશે. જોકે મરીન, ટેક્સટાઇલ્સ, લેધર અને જેમ-જ્વેલરીની નિકાસને ચોક્કસ અસર થશે. આ સાથે વેપાર મામલે ચોક્કસ અંશે અનિશ્ચિતતા પણ ઊભી થશે, પરંતુ જાણીતા માર્કેટ એક્સપર્ટ સમીર અરોરાના મતે ભારત એની GDPના બે ટકા જેટલો વેપાર અમેરિકા સાથે કરે છે, જો એમાં ૧૦ ટકા ઘટાડો થયો તો ભારત માત્ર ૦.૨ ટકા બિઝનેસ ગુમાવશે. જેને રિકવર કરવા ભારત સમર્થ છે. આમ ભારતે આ વિષયમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. બજારના અનુભવીઓ કહે છે કે આ સમયમાં માર્કેટ ઘટે તો વૅલ્યુએશન આપોઆપ નીચાં આવશે, જેની જરૂર પણ છે અને આ કરેક્શન સારા સ્ટૉક્સની ખરીદી માટે તક બનશે. રોકાણકારોએ આ વિષયમાં પૅનિક થવાની આવશ્યકતા નથી. જોકે ઉતાવળ પણ કરવી નહીં. આ મામલે સામે ટ્રમ્પ છે, જે પોતે અનપ્રિડિક્ટેબલ છે.

IPOમાં ખેંચાતાં નાણાં

હાલ તો રોકાણકારોનાં નાણાં IPO તરફ પણ ખેંચાવાનું ચાલુ છે. વીતેલા સપ્તાહમાં એનએસડીએલનો IPO ચર્ચામાં હતો જેણે ૪૦૦૦ કરોડ રૂપિયાથી વધુ ભંડોળ ઊભું કરવા મૂડીબજારમાં પ્રવેશ કર્યો હતો, જેમાં પ્રાઇસ-રેન્જ ૭૬૦થી ૮૦૦ છે. જોકે આ ઇશ્યુને રોકાણકારોના પ્રતિભાવમાં એક લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. અનલિસ્ટેડ સ્ટૉક્સની બજારમાં લોકોએ આ શૅરના ૧૦૦૦ રૂપિયા ઉપર ચૂકવ્યા હોવાની ચર્ચા હતી. હવે લિસ્ટિંગમાં શું ભાવ ખૂલે છે એના પર નજર રહેશે, પરંતુ લૉન્ગ ટર્મ માટે આ સ્ટૉકને બજાર મજબૂત માને છે. ગયા મહિને એચડીબી ફાઇનૅન્શિયલ સર્વિસિસના શૅરમાં રોકાણકારોને નિરાશાજનક અનુભવ થયો હતો. દરમ્યાન ગયા સપ્તાહમાં બ્રિગેડ હોટેલનો IPO છલકાયો હતો. વધુ IPO પાઇપલાઇનમાં છે, જેમાંથી સૌથી વિશેષ નજર NSEના IPO પર મંડાયેલી છે. રોકાણકારો  ભારતીય સ્ટૉક્સ માટે આશાવાદી હોવાનો આ મજબૂત પુરાવો છે.

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

અમેરિકાના ટૅરિફ પગલાને પગલે ભારતે યુરોપિયન યુનિયન, પેરુ અને ચિલી જેવા દેશો સાથે પોતાની વેપાર-વાટાઘાટને ઝડપ આપી છે. ભારત અહીં નિકાસનો અવકાશ જુએ છે જેમાં લેધર અને ટેક્સટાઇલ્સનો મુખ્ય સમાવેશ છે.

જુલાઈનું  GST કલેક્શન પુનઃ વધીને ૧.૯૬ લાખ કરોડ રૂપિયા નોંધાયું છે.

ઑપ્શન્સ માર્કેટમાં કથિત ગરબડ બદલ જે ગ્લોબલ ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટ સામે SEBIએ પગલાં લીધાં હતાં એ કંપનીએ SEBIના આક્ષેપોનો જવાબ આપવા વધુ સમય માગ્યો છે.

એફ ઍન્ડ ઓ (ફ્યુચર્સ-ઑપ્શન્સ) માર્કેટમાં રીટેલ રોકાણકારોના મામલે બ્રોકરોનું એક ગ્રુપ સુધારાની માગણી કરી રહ્યું છે.

share market stock market business news jayesh chitalia ipo national stock exchange gdp Tarrif united states of america donald trump indian economy reserve bank of india foreign direct investment mutual fund investment