ઍમેઝૉન અને ટ્રમ્પ વચ્ચે ખટરાગ, ગ્લોબલ કંપની પેન્ટાગૉન સામે કેસ કરશે

16 November, 2019 02:00 PM IST  |  Washington DC

ઍમેઝૉન અને ટ્રમ્પ વચ્ચે ખટરાગ, ગ્લોબલ કંપની પેન્ટાગૉન સામે કેસ કરશે

ટ્રમ્પ અને એમેઝોન વચ્ચે વિખવાદ (PC : Jagran)

અમેરિકાના ટ્રમ્પ વહીવટી તંત્રે પેન્ટાગૉનનો એક ૧૦ અબજ ડૉલરનો ક્લાઉડ કમ્પ્યુટિંગનો કૉન્ટ્રૅક્ટ કંપનીને બદલે માઇક્રોસૉફ્ટને આપવાની જાહેરાત કરતાં હવે કાયદાકીય લડાઈ શરૂ થઈ રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વારંવાર જેફ બેઝોસની માલિકીની ઍમેઝૉન પર આકરા પ્રહાર કર્યા છે. બેઝોસ ‘વૉશિંગ્ટન પોસ્ટ’ અખબારના માલિક પણ છે. બેઝોસની કામગીરી અને કંપની અમેરિકાનાં હિતોની વિરુદ્ધ ચાલી રહી હોવાની ટ્રમ્પ વાત કરતા આવ્યા છે. ઍમેઝૉનના મતે પેન્ટાગૉનનો કરાર મળવાનો જ હતો, પણ છેલ્લી ઘડીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પે એની ફાળવણી માઇક્રોસૉફ્ટને કરી હતી.

જેફ બેઝોસને નુકસાન પહોંચાડવા આ કરાર અન્યને સોંપી દેવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ગુરુવારે ઍમેઝૉને સત્તાવાર રીતે કરારની ફાળવણી વિશે કેસ કરવાની જાહેરાત કરી હતી. ગયા મહિને પેન્ટાગૉને આ કરાર માઇક્રોસૉફ્ટને આપ્યો હોવાની જાહેરાત કરી હતી ત્યારથી વ્યક્તિગત રીતે ટ્રમ્પના હસ્તક્ષેપથી ઍમેઝૉનને એમાંથી બાકાત રાખવામાં આવી હોવાની વાત ચાલી રહી છે. ઍમેઝૉન અને માઇક્રોસૉફ્ટ ઉપરાંત આ કરાર માટે આઇબીએમ અને ઑરેકલ પણ સ્પર્ધા કરી રહ્યાં હતાં.

ઍમેઝૉને સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ઍમેઝૉન અમેરિકાની સેનાને ઉચ્ચ ટેક્નૉલૉજી આપવાનો અનુભવ અને યોગ્ય લાયકાત ધરાવે છે. કંપની દેશની સુરક્ષા માટે જરૂરી સેવા આપવા માટે કટિબદ્ધ પણ છે. કંપનીએ જણાવ્યું હતું કે  આ કરારની પસંદગીપ્રક્રિયામાં દુરાગ્રહ, વિક્ષેપ અને ભૂલો રહી ગઈ છે. આ કેસની તપાસ થવી જોઈએ અને ભૂલો કે ક્ષતિ સુધારી લેવી જોઈએ. પેન્ટાગૉને આ વિશે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ જુઓ : અંબાણીના આંગણે અવસરઃ જુઓ સિતારાઓથી સજ્જ પાર્ટીની તસવીરો

પ્રક્રિયામાં માઇકોસૉફ્ટ અને ઍમેઝૉનને છેલ્લે પસંદ કરી તેમની પાસેથી નાણાકીય બિડ મગાવવામાં આવી હતી. એવી ધારણા હતી કે ઍમેઝૉન માત્ર એક જ કંપની છે જેની પાસે પેન્ટાગૉનની ડેટા ઇન્ક્રિપ્ટ કરવાની ક્ષમતા છે. ટ્રમ્પ એવું પણ બોલ્યા હતા કે મહાન કંપનીઓ ફરિયાદ કરી રહી છે. ટ્રમ્પ અને બેઝોસ વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે. ગયા મહિને બહાર પડેલા પેન્ટાગૉનના એક ભૂતપૂર્વ અધિકારીએ લખેલા પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે ઍમેઝૉનને બરબાદ કરવાની ટ્રમ્પ ઇચ્છા ધરાવતા હતા.

business news donald trump amazon