વિકાસ ધીમો પડ્યો છે પણ મંદી નથી : સરકારનું નિવેદન

19 November, 2019 11:39 AM IST  |  New Delhi

વિકાસ ધીમો પડ્યો છે પણ મંદી નથી : સરકારનું નિવેદન

File Photo

ફરી એક વખત કેન્દ્ર સરકારે પોતાનો કક્કો દોહરાવ્યો છે કે ભારતમાં આર્થિક પ્રવૃત્તિ તાજેતરમાં ચોક્કસપણે ધીમી પડી છે, પણ મંદીનો કોઈ માહોલ નથી. સરકારે વધુ એક વખત દાવો કર્યો હતો કે જી૨૦ રાષ્ટ્રોમાં આજે પણ ભારત સૌથી ઝડપે વિકસી રહેલું અર્થતંત્ર છે અને ચોક્કસપણે ૨૦૨૫ સુધીમાં પાંચ લાખ કરોડ ડૉલર (ફાઇવ ટ્રિલ્યન ડૉલર)નું અર્થતંત્ર બની જશે.

લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ‘ધીમું પડ્યું હોવા છતાં વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલુકની દૃષ્ટિએ જી૨૦ રાષ્ટ્રોમાં ભારત સૌથી વધુ ઝડપે વર્ષ ૨૦૧૯-’૨૦માં વિકસી રહ્યું છે. આર્થિક વિકાસને મજબૂત બનાવવા માટે ધીમા પડેલા મૂડીરોકાણની ચિંતા અને ઘટી રહેલા ગ્રાહક વપરાશ તેમ જ ધીમા પડેલા નિકાસના વૃદ્ધિદરને ઠીક કરવા માટે સરકારે ઘણાં પગલાં લીધાં છે એમ નાણાપ્રધાને જણાવ્યું હતું

દરમ્યાન, અન્ય એક પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના નાણાપ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ‘વર્ષ ૨૦૧૬માં આવેલી નોટબંધી દેશના આર્થિક વિકાસમાં એક સીમાચિહનરૂપ ઘટના છે અને એનાથી દેશમાં કરવેરો ભરતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. પાંચ ટકાનો આર્થિક વિકાસ એ મંદી નથી. પાંચ લાખ કરોડના અર્થતંત્રના કદનો લક્ષ્યાંક વર્ષ ૨૦૨૫ સુધીમાં ચોક્કસપણે હાંસલ કરવામાં આવશે એમ ઠાકુરે જણાવ્યું હતું.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

સીતારમણે જણાવ્યું હતું કે ‘આર્થિક મોરચે સરકાર વિવિધ અસરગ્રસ્ત લોકો સાથે સતત મંત્રણા કરી રહી છે અને એના આધારે વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે. રીફૉર્મની સાથે સરકાર ફુગાવો નિયંત્રણમાં રાખી રહી છે, નાણાખાધ અને વ્યાપારખાધ પણ અંકુશમાં હોવાથી અર્થવ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં છે. વર્ષ ૨૦૧૯-’૨૦માં દેશનો આર્થિક વિકાસ છ વર્ષમાં સૌથી નીચો પાંચ ટકા રહ્યો હતો અને આ મહિનાના અંતે જાહેર થનારા જુલાઈથી સપ્ટેમ્બરના ક્વૉર્ટરમાં એ વધારે ઘટ્યો હોવાની આશંકા છે.

business news nirmala sitharaman