કોરોના કી ઐસીકી તૈસી કરી વધતું બજાર એપ્રિલફુલ તો નહીં બનાવે ને?

05 April, 2021 01:56 PM IST  |  Mumbai | Jayesh Chitalia

આ ક્વૉર્ટરના કૉર્પોરેટ પરિણામ સ્ટૉક સ્પેસિફિક ચાલ બતાવશે

પ્રતીકાત્મક તસવીર

નાણાકીય વર્ષના અંતિમ દિવસ ૩૧ માર્ચે સેન્સેક્સ ૬૨૭ માઇનસ અને નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસ ૧ એપ્રિલે સેન્સેક્સ ૫૨૦ પ્લસ. આમ તો લગભગ છેલ્લા કેટલાક મહિનાઓથી બજારની ચાલ આવી પ્લસ-માઇનસ રહી છે. અલબત્ત નવા વર્ષ માટે આશા ઊંચી છે, કારણ કે આર્થિક વિકાસના દર વધવાની ધારણા પણ ઊંચી છે, કોરોનાના ફેલાવાની ચિંતા બાજુએ મૂકી બજાર જે રીતે આગળ વધી રહ્યું છે તે રોકાણકારોને એપ્રિલફુલ તો નહીં બનાવે ને? એવા સવાલ પણ ઉઠાવે છે. આ ક્વૉર્ટરના કૉર્પોરેટ પરિણામ સ્ટૉક સ્પેસિફિક ચાલ બતાવશે.

ગયા સપ્તાહના પ્રથમ કામકાજના દિવસે કરેક્શનની પાક્કી શક્યતા વચ્ચે બજારમાં ઘટાડો તો બાજુએ રહ્યો, જબ્બર ઉછાળો આવ્યો ત્યારે બજારના તમામ પ્રકારના ખેલાડીઓ-સહભાગીઓમાં દિમાગનું દહીં થઈ ગયું હોવાની લાગણી ઉદ્ભવી હતી. સતત ગંભીર ચિંતાજનક ધોરણે વધતા કોરોના કેસની પરવા કર્યા વિના સેન્સેક્સ વધતો રહી અંતમાં ૧૧૨૮ પૉઇન્ટની વૃદ્ધિ સાથે ૫૦૦૦૦ ઉપર બંધ રહ્યો અને નિફ્ટી ૩૩૭ પૉઇન્ટના વધારા સાથે ૧૪૮૦૦ ઉપર બંધ રહ્યો હતો. ઇન્ડેક્સના કૂદકાનું મુખ્ય કારણ તેમાં ઊંચા વેઇટેજવાળા સ્ટૉક્સના ઉછાળાનું હતું. જેમાં રિલાયન્સ, એચડીએફસી ટ્વીન્સ જેવા સ્ટૉક્સ સામેલ હતા. બીજી બાજુ બૉન્ડ ઊપજમાં પણ વધારો ચાલુ રહ્યો હતો, તેમ છતાં શૅરોનો આ ઉછાળો ખરેખરા અનુભવી ખેલાડીઓની સમજની પણ બહાર ગયો હોવાની લાગણી વ્યક્ત થતી હતી. મજાની વાત એ હતી કે વિદેશી રોકાણકારોની વેચવાલી ઘટી હતી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી આક્રમક બની હતી. સંખ્યાબંધ સ્ટૉક્સ નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, તેમ છતાં પ્રૉફિટ બુકિંગ આવતું નહોતું. નઝારા ટેક્નૉલૉજીઝના શૅરે ઊંચા ભાવે લિસ્ટ થઈ શરૂમાં કમાલ અને ધમાલ કરી હતી. રાકેશ ઝુનઝુનવાલા જેવા મોટા રોકાણકારોએ ૯૦૦ ટકા જેવું અધધ વળતર મેળવ્યું હતું.

સેન્સેક્સ ૫૦૦૦૦ની ઉપર-નીચે

મંગળવારે બજારે ધારણા મુજબ કરેક્શન સાથે શરૂઆત કરીને આખરમાં પણ ઘટાડો નોંધાવ્યો હતો. બૉન્ડ યીલ્ડની અને રૂપિયો નબળો પડવાની અસર હતી. સેન્સેક્સ ૬૨૭ પૉઇન્ટ અને નિફ્ટી ૧૫૪ પૉઇન્ટ નીચે ઊતરી ગયો હતો. જોકે બ્રોડર માર્કેટ સુધારા પર હતી, પરિણામે સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સમાં રિકવરી થઈ હતી. બુધવારે પ્રૉફિટ બુકિંગ સહિતનાં કારણ સાથે કરેક્શન નોંધાવ્યું હતું. સેન્સેક્સ ૬૨૭ પૉઇન્ટ ડાઉન ગયો હતો. ગુરુવારે વળી રિકવરી સાથે શરૂઆત થઈ અને સેન્સેક્સ સતત વધતો રહી ૫૦૦૦૦ની ઉપર અને નિફ્ટી ૧૪૮૦૦ની ઉપર  બંધ રહ્યો હતો.

ભારતીય અર્થતંત્ર માટે એક સારા સમાચાર એ હતા કે વિશ્વ બૅન્કે ૨૦૨૧-’૨૨ માટે ભારતનો આર્થિક વિકાસદરનો અંદાજ ૪.૭ ટકાથી વધારીને ૧૦.૧ ટકા કર્યો હતો, જે માગ અને વપરાશ તેમ જ રોકાણ વધવાની આશા આધારિત છે. લાંબા ગાળાના રોકાણકારો આ બાબતને યાદ રાખે એ જરૂરી છે. ગુરુવારે એક સારા સમાચાર સ્પષ્ટતા રૂપે આવ્યા હતા, જેમાં બુધવારે સરકારે લઘુ બચત યોજનાઓ-સરકારી (રાષ્ટ્રીય) બચત યોજનાઓ પરના વ્યાજદરમાં કરેલા ઘટાડાની જાહેરાત ગુરુવારે પાછી ખેંચી લેવાઈ હતી. આમ તો સરકાર તરફથી આ એક મોટું બ્લન્ડર થઈ જાત, જો તે આ ફતવો પાછો ન ખેંચત. આવા કપરા સમયમાં સલામત રોકાણ ઇચ્છતા વિશાળ વર્ગને વ્યાજમાં કાપ આવે એ ક્યાંથી પોષાય? જોકે આ તો કેટલાંક રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી હોવાથી સરકારે આમ પીછેહઠ કરવી પડી હતી, બાકી આ વ્યાજદરની તલવાર લટકતી રહેશે. આના પરિણામે બચત-રોકાણનાં નાણાં આ બચતોમાંથી મ્યુચ્યુઅલ ફન્ડ અથવા સ્ટૉક માર્કેટ તરફ ફંટાય એવું બનવાની શક્યતા વધુ રહેશે.

બીજા ગુડ ન્યુઝ મુજબ સરકારે ચાર બૅન્કોમાં ૧૪,૫૦૦ કરોડની મૂડી રોકવાની જાહેરાત કરી હતી, આ બૅન્કોમાં યુકો બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક અને બૅન્ક ઑફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. બૅન્કોને આ મૂડીથી સપોર્ટ મળશે. ત્રીજા ન્યુઝમાં સરકાર એપ્રિલથી સપ્ટેમ્બરમાં ૭.૨૪ લાખ કરોડ રૂપિયા બોરો (ઊછીના લેશે) કરશે. ચોથા બેટર ન્યુઝમાં જીએસટીનું કલેક્શન આ વખતે વધુ ઊંચું જઈને ૧.૨૪ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે બિઝનેસ ગ્રોથની સાક્ષી પૂરે છે.

રિઝર્વ બૅન્કની નીતિ પર નજર

જોકે બૅડ ન્યુઝમાં ફેબ્રુઆરીમાં આઠ મુખ્ય સેક્ટરમાં ઉત્પાદનમાં ઝડપી ઘટાડો નોંધાયો હતો. હવે બજારની નજર ૭ એપ્રિલે જાહેર થનારી રિઝર્વ બૅન્કની નાણાં નીતિ પર રહેશે. 

કોરોનાની ચિંતા ખરી, પણ આ પરિબળ ડિસ્કાઉન્ટ થઈ ગયું હોય એવું વર્તન માર્કેટ બતાવી રહ્યું છે. વૉલેટિલિટી ચાલુ રહેશે, અનિશ્ચિતતા પણ ચાલુ રહેશે. ઓલ ઇઝ વેલ નથી, પણ માર્કેટ અત્યારે પ્રમાણભાન ભૂલ્યું હોવાનું ભાસે છે. નાણાંની પ્રવાહિતાનો ખેલ મોટો ચાલી રહ્યો છે. જોકે ૨૦૨૦માં વ્યક્તિગત સક્રિય ઇન્વેસ્ટરોની સંખ્યા એક કરોડ જેટલી વધી છે, જ્યારે કે ૨૦૨૧ના ત્રણ મહિનામાં ૨૦ લાખ જેટલા નવા રોકાણકારો બજારમાં પ્રવેશ્યા છે. આ પ્રવાહ ચાલુ રહે એવી શક્યતા ઊંચી છે. જેને લીધે મિડ અને સ્મૉલ કૅપ સ્ટૉક્સ વધી રહ્યા હોવાનું કહેવાય છે.

વિતેલા નાણાકીય વર્ષનું પુનરાવર્તન થશે?

નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે ત્યારે ગયા નાણાકીય વર્ષના તાણાંવાણાં જોઈએ, ભયાનક કોવિડ-19ના સંજોગોમાં પણ નિફ્ટી અને સેન્સેક્સે અસાધારણ વળતર આપ્યું છે. આ વર્ષમાં છેલ્લા દસ વર્ષની રેકૉર્ડ બ્રેક રૅલી રહી છે. વિદેશી રોકાણકારોએ આ વર્ષમાં ૨.૭૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ અહીં ઠાલવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી ઊંચું રોકાણ છે. તેમણે તેજીની ગાડી દોડાવી જ નહીં, ઉડાવી-ઉછાળી પણ છે. દિમાગનું દહીં થઈ જાય એવો તેજીનો માહોલ જોવાયો છે. ૨૦૨૦ના વર્ષે અસંખ્ય લોકોને શૅરબજારમાં રોકાણ કરતા અને સક્રિય રસ લેતા કરી દીધા છે. જોકે મ્યુચ્યુઅલ ફન્ડસે આ વર્ષમાં ભરપૂર ભંડોળ પાછું ઉપાડ્યું છે, જેનાં કારણો જુદાં છે. મોટી માત્રામાં ફન્ડસ તેમ જ માર્કેટમાં પ્રૉફિટ બુકિંગ પણ થતું રહ્યું. નવા વર્ષમાં અર્થતંત્ર વધુ ઊંચાઈ સાથે આગળ વધશે એવા સ્પષ્ટ સંકેત અને આંકડા બહાર આવતા જાય છે. પરંતુ એ યાદ રાખવું કે ભાવિ આર્થિક રિકવરીના સમાચાર અત્યારે જ ડિસ્કાઉન્ટ થઈ ગયા છે. માર્કેટે તેના વૅલ્યુએશન ક્યારના ઊંચા કરી દીધા છે, અેમ છતાં હજી તક છે અને આવશે. અલબત્ત ૨૦૨૧-’૨૨ પાસે ૨૦૨૦-’૨૧ જેવી સમાન અપેક્ષા રાખવી મુશ્કેલ છે. બલકે સાવચેત અને સ્માર્ટ બનવું જરૂરી બનશે.

યાદ રાખો, વૉલેટિલિટી તો ચાલુ જ રહેશે

હાલ કપરા સંજોગો વચ્ચે પણ વધી રહેલા બજારે વૉલેટાઈલ સ્વરૂપ તો જાળવી જ રાખ્યું છે. કરેક્શન જરૂરી હોવા છતાં આવતું નથી અને આવે છે તો ટકતું નથી. રિકવરી પરત આવી જાય છે. સીધા-સાદા રોકાણકારો નવું રોકાણ કરું, જે છે તેમાં વધારું કે પ્રૉફિટ બુક કરું એ વિચારોમાં અટવાતા રહી જાય છે. ઘણાં શૉર્ટ ટર્મ વ્યુ સાથે કામકાજ કરી લેવા માગે છે. ક્વૉર્ટરલી પરિણામ સારા આવવાની આશાએ લે-વેચમાં નફો અંકે કરી લેવા ચાહે છે. આમાં જોખમ ચોક્કસ રહેશે, પરંતુ ગણતરીપૂર્વક લીધેલું જોખમ ફળે એવું પણ છે. કોરોના સામે સંભવત આવનારા અંકુશના (લૉકડાઉનના) પગલાં સેન્ટિમેન્ટ બગાડી શકે. કોરોના સામે શારીરિક સાવચેતીની જેમ બજારની વૉલેટિલિટી સામે આર્થિક સાવચેતી પણ જરૂરી છે.

business news jayesh chitalia