બજાર સામે ઘટવાનાં પરિબળો, તમારી સામે ખરીદીનાં કારણો

09 May, 2022 10:56 AM IST  |  Mumbai | Jayesh Chitalia

યુદ્ધ, કૉમોડિટીઝના વધતા ભાવ, વધતી જતી મોંઘવારી, વધી રહેલા વ્યાજદર, ગ્લોબલ કડાકા તેેમ જ જિઓપૉલિટિકલ નકારાત્મક સંજોગોમાં શૅરબજારનું ઘટવું કે તૂટવું સ્વાભાવિક છે

પ્રતીકાત્મક તસવીર

યુદ્ધ, કૉમોડિટીઝના વધતા ભાવ, વધતી જતી મોંઘવારી, વધી રહેલા વ્યાજદર, ગ્લોબલ કડાકા તેેમ જ જિઓપૉલિટિકલ નકારાત્મક સંજોગોમાં શૅરબજારનું ઘટવું કે તૂટવું સ્વાભાવિક છે. એેમ છતાં એલઆઇસીના મેગા ઇશ્યુનું છલકાઈ જવું પણ નોંધવું જોઈએ. વધુ આઇપીઓ પાઇપલાઇનમાં છે એ પણ જોવું જોઈએ. આને ટૂંકા ગાળાની બજારની માંદગી કહી શકાય, મંદી નહીં તેમ જ તબક્કાવાર સિલેક્ટિવ ખરીદીની તક પણ કહી શકાય

ભારતીય બજારમાં એક તરફ ફૉરેન ઇન્વેસ્ટર્સ સતત વેચવાલ રહ્યા છે ત્યારે બીજી બાજુ છેલ્લા કેટલાક વખતથી ચાલી રહેલી વૉલેટિલિટીના માહોલને ધ્યાનમાં રાખી રીટેલ રોકાણકારોનું સીધું રોકાણ ઘટી રહ્યું છે. આ કહેવાતા નાના રોકાણકારોમાં મોટે ભાગે તો ટ્રેડર્સ છે, તેઓ બજારમાં પૈસા કમાતા હોય ત્યારે રોકાણ વધારતા હોય છે, પરંતુ જ્યારે ગુમાવાના કિસ્સા વધવા લાગે ત્યારે તેમનો મિજાજ બદલાઈ જાય છે. વૉલેટિલિટીના આક્રમણને લીધે છેલ્લા છ મહિનાના આંકડા કહે છે કે તેમનું માર્કેટમાં સીધું રોકાણ નીચે ગયું છે. જોકે મ્યુચ્યુઅલ ફન્ડ મારફત રોકાણ પ્રવાહ જળવાઈ રહ્યો છે. ખાસ કરીને એસઆઇપીમાં દર મહિને થતું રોકાણનું લેવલ જળવાઈ રહ્યું છે. 

નેગેટિવ આરંભ
ગયા સોમવારે બજારની શરૂઆત નેગેટિવ થયા બાદ વૉલેટિલિટીનું જોર રહ્યું હતું, જે પછી રિકવરી થઈ, જોકે સેન્સેક્સ ૮૪ પૉઇન્ટ અને નિફ્ટી ૩૩ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. એફઆઇઆઇ સેલ્સ, કૉમોડિટીઝના વધતા ભાવ અને વધી રહેલો ડૉલર ઇન્ડેકસ બજારને વધુ ચંચળતા આપી રહ્યા છે. યુએસ ફેડરલનું વલણ પણ આમાં ભાગ ભજવી રહ્યું હતું. ફેડ ૫૦ બેસિસ પૉઇન્ટ વ્યાજમાં વધારો કરે એવી શક્યતા ચર્ચાતી હતી.  

આરબીઆઇનાં પગલાંથી ઇન્ડેક્સમાં કડાકો
મંગળવારે બજાર ઈદની રજા નિમિત્તે બંધ રહ્યું હતું. દેશમાં વધી રહેલી પાવર ક્રાઇસિસ ચિંતાજનક હોવાથી તેની અસર ચાલુ હતી. બુધવારે બજારે હળવી શરૂઆત કરી નેગેટિવ ટ્રેન્ડ આગળ વધાર્યો હતો.  જ્યારે કે ચાલુ બજારે રિઝર્વ બૅન્કે રેપો રેટ ૪૦ બેસિસ પૉઇન્ટ વધાર્યાના અહેવાલ આવતા માર્કેટ તરત ૧૦૦૦ પૉઇન્ટ જેટલું નીચે ઊતરી ગયું હતું. વ્યાજબોજનો વધારો કંપનીઓનો બોજ વધારશે અને ધિરાણ મોંઘું થશે એ નક્કી  છે. જોકે રિઝર્વ બૅન્કે મોંઘવારીના ઊંચા દરને ડામવા જ વ્યાજદર વધાર્યા છે. આ વખતે રિઝર્વ બૅન્કે આઉટ ઑફ સાઇકલ, એટલે કે તેની નીતિની સમીક્ષાના દિવસને બદલે વચ્ચેના દિવસમાં અચાનક આ નિર્ણય લીધો એ સમય-સંજોગની મજબૂરી બતાવે છે. આરબીઆઇએ સીઆરઆર (કૅશ રિઝર્વ રેશિયો) પણ ૫૦ બેસિસ પૉઇન્ટ વધારી દીધો, જે માર્કેટમાં પ્રવાહિતામાં ઘટાડો લાવશે. બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ ૧૩૦૭ પૉઇન્ટ અને નિફ્ટી ૩૯૧ પૉઇન્ટ માઇનસ રહી અનુક્રમે ૫૫૬૬૯ અને ૧૬૬૭૭ રહ્યા હતા. રિઝર્વ બૅન્કના સંકેત એવા રહ્યા હતા કે તે ઇન્ફ્લેશનને અંકુશમાં રાખવા ધીમે-ધીમે પ્રવાહિતા કડક કરતી જશે. હાલમાં રિઝર્વ બૅન્કને સૌથી વધુ ચિંતા આક્રમક બનતા જતા ઇન્ફ્લેશનની છે. બાય ધ વે, દેશની આર્થિક વિકાસની ગતિ ધીમી પડી છે એ પણ ખરું. બજારે એક વાતની ખાસ નોંધ લીધી હતી કે એક તરફ એલઆઇસીનો આઇપીઓ ચાલુ હોવા છતાં રિઝર્વ બૅન્કે આ પગલું ભરીને હિંમત દર્શાવી હતી, તેણે માર્કેટની ચિંતા કરી નહોતી. 

વ્યાજદરનો સિલસિલો ચાલુ
આરબીઆઇના પગલે વિવિધ અગ્રણી બૅન્કોએ પણ વ્યાજદર વધારવાની શરૂઆત કરી દીધી છે, વધુ વ્યાજવધારો હજી માથે ઊભો ગણાય. જોકે રિઝર્વ બૅન્ક તબક્કાવાર આ માર્ગે આગળ વધશે. યુએસ ફેડરલ રિઝર્વ તરફથી પણ ૫૦ બેસિસ પૉઇન્ટનો વ્યાજવધારો જાહેર થયો હતો. આમ સિસ્ટમમાં પ્રવાહિતા ઘટે એ દૃષ્ટિએ નાણાં નીતિ કડક બનવા લાગી છે. આ ડેવલપમેન્ટને કારણે ગુરુવારે પણ માર્કેટ ઊંચેથી પાછું ફરી ગયું હતુ, જ્યારે કે શુક્રવારે તો તેણે કડાકાથી જ આરંભ કર્યો હતો. યુએસ માર્કેટમાં આગલા દિવસે ક્રેશ આવતાં ભારતીય માર્કેટને પણ નેગેટિવ અસર થઈ હતી, સેન્સેક્સ ૮૬૬ પૉઇન્ટ તૂટીને ૫૪૮૩૫ અને નિફ્ટી ૨૭૧ પૉઇન્ટ તૂટીને ૧૬૪૧૧ બંધ રહ્યા હતા. યુએસ સહિત ગ્લોબલ માર્કેટમાં આક્રમક વેચવાલી વચ્ચે ઇન્ડેક્સમાં કડાકા બોલાયા હતા, ઇન્ફ્લેશન આખા જગતને ભયભીત કરી રહ્યું છે. બૉન્ડ યીલ્ડ સતત ઊંચા જઈ રહ્યા છે, જે ઇક્વિટી માર્કેટ માટે નિરાશાના સંકેત આપી રહ્યા છે. 

આઇપીઓની કતાર-રોકાણની તક
દરમ્યાન એલઆઇસીની ઑફરની સફળતાને પગલે ઘણા આઇપીઓ પાઇપલાઇનમાં છે, જે મૂડીબજારમાં પ્રવેશ કરશે. એલઆઇસી એકલી ૨૧ હજાર કરોડ રૂપિયા ઊભી કરશે, જ્યારે કે એના પછી કતારમાં ઊભેલી દસ કંપનીઓ મળીને ૧૨ હજાર કરોડ રૂપિયા ઉભા કરશે. આ કતારમાંની કંપનીઓમાં દેલ્હીવેરી (૫૩૦૦ કરોડ રૂપિયા), પેરાદીપ ફોસ્ફેટ (૨૨૦૦ કરોડ રૂપિયા), સિરમા એસજીએસ ટેક (૧૦૦૦ કરોડ રૂપિયા), એઈથર ઇન્ડસ્ટ્રીઝ (૧૦૦૦ કરોડ રૂપિયા), જે. કે. ફાઇલ્સ (૬૦૦ કરોડ રૂપિયા), હેકસાગોન ન્યુટ્રીશન (૬૦૦ કરોડ રૂપિયા), પ્રુડન્ટ કૉર્પોરેટ અૅડ્વાઈઝરી સર્વિસિસ (૬૦૦ કરોડ રૂપિયા), ઇથોસ (૫૦૦ કરોડ રૂપિયા), ઈ-મુધ્રા (૪૫૦ કરોડ રૂપિયા), વિનસ પાઇપ્સ અૅન્ડ ટ્યુબ્સ (૨૨૫ કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે. જોકે આ  કંપનીઓ બજારના મૂડને ધ્યાનમાં લઈને એન્ટ્રી મારશે, તેમ છતાં અમુક કંપનીઓની તારીખ નક્કી થઈ ચૂકી છે. આ કંપનીઓ એલઆઇસી પર નજર રાખી બેઠી છે. આજે આ ઇશ્યુનો અંતિમ દિવસ છે. રોકાણકારોની નજર એલઆઇસીના લિસ્ટિંગ પર અને તેમાં લૉન્ગ ટર્મ રોકાણ પર રહેશે. લિસ્ટિંગ ૧૭ મેના રોજ થવાનું છે. અલબત્ત આમાં કોને કેવો પ્રતિસાદ મળે છે અને તેના લિસ્ટિંગ ભાવ કેવા ખૂલે છે એ તો સમય જ કહેશે. સેકન્ડરી માર્કેટમાં પણ સતત ઘટાડા વચ્ચે ખરીદીની તક શોધવી જોઈએ. ક્રેશને જ કૅશ કરવાનું હોય. માર્કેટની ચાલ કરતાં સ્પેસિફિક સ્ટૉક્સના હાલ પર ધ્યાન આપો.

મહત્ત્વના આર્થિક સંકેત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના બે સાહસ-રિલાયન્સ જિયો પ્લૅટફૉર્મ અને રિલાયન્સ રીટેલના જંગી આઇપીઓ લાવવાની વિચારણા કરી રહી હોવાનું જાણવા મળે છે. આ બન્ને મજબૂત કંપનીઓ બજારમાંથી મોટી રકમ ઊભી કરવા ધારે છે. અદાણી ગ્રુપની અદાણી વિલ્મર કંપની એફએમસીજી સેક્ટરમાં ઊંચા વેચાણ મારફત હિંદુસ્તાન યુનિલીવર કરતાં આગળ વધી ગઈ છે. તેમ જ આ કંપનીએ કોહિનૂર રાઇસ બ્રૅન્ડને હસ્તગત કરીને પણ મોટી બજાર કબજે કરવાનું લક્ષ્ય બનાવ્યું છે. આ સપ્તાહમાં એલઆઇસી ઇશ્યુ બંધ થવા સાથે ત્રણ નવા આઇપીઓ ખૂલશે. 

business news jayesh chitalia