ગાંધીનગરમાં શરૂ થશે દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ, જાણો વિગત

24 September, 2021 01:52 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

આ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ પર પાંચ ગ્રામથી લઈને એક કિલો સુધીના સોનાનું ટ્રેડિંગ કરી શકાશે. અહેવાલો મુજબ હાલ ભારતીય ઘરોમાં 22,000 ટન સોનું છે. ભારતમાં વર્ષદીઠ 800થી 900 ટન સોનાનો ઉપયોગ થાય છે.

પ્રતિકાત્મક તસવીર

ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે દેશનું સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ તૈયાર છે અને 1 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન થવાની ધારણા છે.  આ એક્સચેન્જ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે દેશમાં સોનાના ભાવ નક્કી કરશે. ભારત સરકારે સોનાના ભાવમાં રહેલી વિસંગતતા અને પરદર્શિતાના અભાવને પગલે નવી ગોલ્ડ પોલિસી બનાવી છે. એટલે કે હવે આ એક્સચેન્જની સ્થાપનાથી દેશમાં સોનાના ભાવ હવે એક સમાન રહેશે.

હાલ દરેક શહેરોમાં સોનાના ભાવ જુદા-જુદા છે અને રાજ્યો ઉપરાંત શહેરના ભાવમાં મોટો તફાવત છે, જે હવે દૂર થશે, જેનો સીધો લાભ ગ્રાહકોને થશે. ઓગસ્ટ 2021માં, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (આઇએફએસસીએ)ના ચેરપર્સન ઇન્જેતી શ્રીનિવાસે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન હોલ્ડિંગ આઇએફએસસી લિમિટેડ દ્વારા સ્થાપિત એક્સચેન્જના પાયલોટ રનનું સંચાલન કર્યું હતું, જે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, ઇન્ડિયા આઇએનએક્સ ઇન્ટરનેશનલ એક્સચેન્જ લિમિટેડ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલી હોલ્ડિંગ ફર્મ છે.

આ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ પર પાંચ ગ્રામથી લઈને એક કિલો સુધીના સોનાનું ટ્રેડિંગ કરી શકાશે. અહેવાલો મુજબ હાલ ભારતીય ઘરોમાં 22,000 ટન સોનું છે. ભારતમાં વર્ષદીઠ 800થી 900 ટન સોનાનો ઉપયોગ થાય છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારામને બજેટમાં ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. આ એક્સચેન્જની સ્થાપના અને તેના સંચાલન માટે કેન્દ્ર સરકારે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન હોલ્ડિંગ (આઈઆઈબીએચ) કંપનીની બનાવી હતી. તેના માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, ઇન્ડિયા આઇએનએક્સ, આઇએફએસસી, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ વચ્ચે સંયુક્ત એમઓયુ સાઇન કરવામાં આવ્યું હતું.

business news national stock exchange bombay stock exchange gandhinagar gujarat news