કરેક્શન એ બજારના સ્વાસ્થ્ય માટે જરા પણ હાનિકારક નથી

25 October, 2021 04:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આખરે માર્કેટના વૅલ્યુએશન હાઈ લાગતાં પ્રૉફિટ-બુકિંગ થયું અને બજારમાં કરેક્શન આવ્યું આ ટ્રેન્ડ ચાલુ રહે તો ટેન્શન લેવું નહીં, રાજી થઈને નીચા ભાવે સારા શૅર જમા કરતા જવું

પ્રતીકાત્મક તસવીર

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી એ કરેક્શન આખરે ગયા સપ્તાહમાં આવ્યું. બજાર સતત ચાર દિવસ ઘટ્યું. ખરેખર તો આને કરેક્શન કહેવાય કે કેમ એ પણ સવાલ છે. અલબત્ત, આની તાતી જરૂર હતી. આ કરેક્શનથી રાજી થવાનું છે, હજી પણ આવે તો આવકારવાનું છે, કારણ કે આમ થશે તો માર્કેટ તંદુરસ્ત બનશે. સાચું કહો, તમને કેટલાય દિવસથી એવું નહોતું થતું કે આ બજાર આટલું બધું ને એકધારું કેમ વધ્યા જ કરે છે? એ નોંધવું જોઈશે કે કોઈ નેગેટિવ પરિબળો ઊભાં થયાં નથી, બલકે પ્રૉફિટ-બુકિંગ કામે લાગ્યું છે. માર્કેટ ઓવરવૅલ્યુડ હોવાનું રિયલાઇઝેશન થયું છે. વધુ પડતાં હાઈ વૅલ્યુએશનને બદલે કરેક્શન બહેતર છે. આગામી દિવસોમાં આ ચાલુ રહે તો ખરીદીના દિવસો સમજી સારા-મજબૂત સ્ટૉક્સ લૉન્ગ ટર્મ માટે જમા કરતા જવામાં સાર સમજવો.

૬૨,૦૦૦ને ટૉપ ગણવી?

સતત તેજી અને તેજીના માહોલ વચ્ચે ગયા સપ્તાહમાં પહેલી વાર કરેક્શને માર્કેટનો દોર પોતાના હાથમાં લીધો હતો. ગયા સોમવારે કોઈ પણ હિસાબે કરેક્શન આવવું જોઈએ એવી ધારણા વ્યાપક બની હતી, કેમ કે એના આગલા સપ્તાહમાં બજારે સતત ઊંચાઈ તરફ દોટ મૂકી હતી. લોકોને પ્રૉફિટ બુક કરવામાં પણ ઓછો રસ જણાતો હતો, કારણ કે તેમની આશા બજાર વધતું રહેવાની હતી. જ્યારે કે બજાર વધતું રહીને તેમની આશાને સમર્થન આપતું રહ્યું હતું. મંગળવારે સેન્સેક્સે ૬૨,૦૦૦નું લેવલ પાર કરીને એની સાક્ષી પૂરી હતી. જોકે એ પછી બજારમાં ઝડપી કરેક્શન ફરી વળ્યું હતું, જેમાં ખાસ કરીને સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો, જ્યારે કે ઇન્ડેક્સ સ્ટૉક્સ ઓછા તૂટ્યા હતા. સેન્સેક્સ માત્ર ૪૯ પૉઇન્ટ અને નિફ્ટી ૫૮ પૉઇન્ટ નીચે બંધ આવ્યો હતો. બુધવારે પણ સ્મૉલ-મિડ કૅપમાં ઘટાડાનો દોર મોટેપાયે ચાલુ રહેવા સાથે ઇન્ડેક્સ સ્ટૉક્સ પણ નોંધપાત્ર નીચે ગયા હતા. સેન્સેક્સ સાડાચારસો પૉઇન્ટ અને નિફ્ટી દોઢસો પૉઇન્ટ માઇનસ રહ્યા હતા. સેન્ટિમેન્ટ વેચવાલીનું હતું.

કોરોના અને માર્કેટ સામે સાવચેતીનો સૂર

ગુરુવારે બજારે આરંભ પૉઝિટિવ કરીને તરત જ કરેક્શનનો માર્ગ કન્ટીન્યુ કર્યો હતો. ગ્લોબલ કારણ તેમ જ અહીં પ્રૉફિટ ઘરે લઈ જવાને લીધે બજારમાં વેચવાલી હતી, જેમાં સતત ત્રીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી માઇનસ થઈ બંધ રહ્યા હતા. શુક્રવારે શરૂમાં કરેક્શનને બ્રેક લાગી અને માર્કેટ પૉઝિટિવ થઈ ૩૦૦ પૉઇન્ટ ઉપર વધી પણ ગયું, પરંતુ થોડા સમયમાં જ માર્કેટ નેગેટિવ થઈ ગયું. ગુરુવારના કૉપી પેસ્ટ જેવું કામ થયું. મોટી રિકવરી બાદ તરત કરેક્શન. એક તરફ વડા પ્રધાન રાષ્ટ્રજોગ સંબોધનમાં કોરોના સામેની વૅકિસનના ડોઝ ૧૦૦ કરોડના આંકને વટાવી ગયા હોવાના ગૌરવ સાથે લોકોને હજી પણ આ તહેવારોના દિવસોમાં સાવચેત રહેવાની ચેતવણી આપતા હતા, ત્યારે બજારમાં જાણે લોકો ઊંચા લેવલે સાવચેત થવાની ખાસ જરૂર છે એવા ડહાપણ સાથે પ્રૉફિટ-બુકિંગમાં લાગી ખરીદીને સ્થાને વેચાણને મહત્ત્વ આપતા થઈ ગયા હતા. શુક્રવારે બજારમાં ૮૦૦ પૉઇન્ટથી વધુની વધ-ઘટ થઈ હતી. જોકે આખરમાં સેન્સેક્સ માત્ર ૧૦૧ પૉઇન્ટ માઇનસ બંધ રહી ૬૦,૦૦૦થી ખાસ્સો ઉપર જળવાઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૬૩ પૉઇન્ટ માઇનસ થઈ ૧૮,૧૦૦ ઉપર જળવાઈ રહ્યો હતો. આમ સેન્સેક્સ ૬૦,૦૦૦ અને નિફ્ટી ૧૮,૦૦૦ તરફ જવા લાગ્યા છે. આ કરેક્શન હજી પણ ચાલુ રહે તો નવાઈ નહીં, જેનું મુખ્ય કારણ હાઈ વૅલ્યુએશન અને પ્રૉફિટ-બુકિંગ છે. બજારના ઘટાડા માટે અન્ય કોઈ મેજર નેગેટિવ પરિબળ અત્યારે જણાતું નથી.

કરેક્શન મહેમાન બની રહેશે કે...

અત્યાર સુધી આપણે જોતા રહ્યા છીએ કે કરેક્શન આવે છે (અને આવશે) તો મહેમાન બનીને આવે છે, બહુ દિવસો રોકાતું નથી. કારણ કે આર્થિક વિકાસનો આશાવાદ ઊંચો અને મજબૂત છે. ૬૨,૦૦૦ ઉપર બજારની ટૉપ બની ગઈ હોવાનું માની લોકો નફો લેતા થઈ ગયા છે. ગ્લોબલ કારણો પણ એમાં ભળતાં ગયાં છે. ગ્લોબલ બ્રોકરેજ કંપની યુબીએસના મતે ભારતીય સ્ટૉક્સ અતિ ઊંચા વૅલ્યુએશન પર પહોંચી હવે એનું આકર્ષણ ગુમાવતા ગયા છે. આ લેવલે કોઈ ઊંચા વળતરની અપેક્ષા રાખવી વાજબી નથી, પરિણામે વેચવાલી જ વિકલ્પ છે. શૅરબજારે ઓછા સમયમાં ઘણું આપી દીધું છે, જે હવે વધુ તરતમાં આપી શકે એમ નથી, તેણે ફરી વધવા માટે ઘટવું અનિવાર્ય બન્યું છે.

યાદ રહે, ભારતનું ભાવિ બહેતર

જાણકારો આ સિચુએશનમાં પૅનિકમાં આવી જવાની જરૂર નથી એમ જણાવતાં કહે છે કે હાલ નીચા ગયેલા સ્ટૉક્સમાં સિલેક્ટિવ વૅલ્યુ બાઇંગ કરવું જોઈએ, ડિફેન્સિવ સ્ટૉક્સ અને ફંડાથી મજબૂત સ્ટૉક્સ જમા કરતા રહેવું જોઈએ. જોકે નાના રોકાણકારો ઍવરેજ કરવાના જોખમથી દુર રહે એ બહેતર છે. બ્રોડર માર્કેટમાં વેચવાલીનું દબાણ વધે એવાં એંધાણ છે. માર્કેટ બ્રેડથ સાવ નેગેટિવ થઈ ગઈ છે. અલબત્ત, આર્થિક સુધારા અને ચીનના વિપરિત સંજોગોને લીધે ભારતનું લાંબા ગાળાનું ભાવિ વિકાસલક્ષી રહેવાનું છે. નીચા વ્યાજદર અને સરકારી તેમ જ જાહેર ખર્ચને કારણે પણ ઇકૉનૉમી બહેતર રહેવાની આશા છે. આઇએમએફ દ્વારા એશિયાનો ગ્રોથ રેટ નીચે જવાની ધારણા મૂકી છે, જેની માટે ઉત્પાદન અને વપરાશ પર ડેલ્ટા વેરિઅન્ટની નેગેટિવ અસરને કારણ ગણાવ્યું છે. ચીનમાં પણ ફરી કોરોનાએ માથું ઊંચક્યું હોવાના અહેવાલ છે.

કરેક્શન ક્યાં સુધી જઈ શકે? પણ જશે?

વાસ્તવમાં કરેક્શન છેલ્લા છ મહિનાથી આવું-આવું કરતું હતું. જોકે આવ્યા બાદ ટકતું નહોતું યા લાંબું ચાલતું નહોતું. વીતેલા સપ્તાહમાં કરેક્શને દર્શનની ઝલક કરાવી. આમ જોઈએ તો આ ઘટાડાને પણ નક્કર કરેક્શન કહી શકાય નહીં, ટકાવારીની દૃષ્ટિએ ઓછું છે. હજી ૧૦થી ૧૫ ટકા સુધી કરેક્શન આવી શકે એવું માનવામાં આવે છે, પણ એ એકસાથે આવવાને બદલે તબક્કા વાર આવશે એવી શક્યતા વધુ છે. ૧૦થી ૧૫ ટકા કરેક્શન આવવાનો અર્થ એ થાય કે સેન્સેક્સ અહીંથી ૧૦,૦૦૦ પૉઇન્ટ જેટલો માઇનસ થઈ શકે, અર્થાત્ સેન્સેક્સની બૉટમ ૫૦,૦૦૦ આસપાસ ગણાય. અલબત્ત, આ એક ધારણા છે, દિવાળી માથે છે અને ઇકૉનૉમી રિકવરી ઝડપ પકડી રહી છે ત્યારે આમ થવાની શક્યતા ઓછી છે. આમ તો કરેક્શને સપ્તાહના અંતે તેની ચાલમાં રિકવરીના સંકેત પણ આપ્યા છે.

ભારતીય બજાર માટે પૉઝિટિવ કારણો

યુએસએ, યુરોપ અને ચીન જેવા મહાકાય અર્થતંત્ર એક યા બીજી તકલીફમાં હોવાનું બહાર આવતું રહે છે. બીજી બાજુ, ભારત સરકાર પાસે વિકાસનો અવકાશ છે. મિશન, વિઝન અને લક્ષ્ય છે. સરકારના આર્થિક-સામાજિક પગલાં એ દિશામાં છે અને વિશ્વની નજર ભારતના વિકાસ પર છે. કંપનીઓની કામગીરીમાં સુધારા ચાલુ છે. ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે હાલ ભારતીય બૅન્કિંગ સિસ્ટમનું આઉટલુક નેગેટિવમાંથી સ્ટેબલ કર્યું છે, જેમાં બૅન્કોની કામગીરી સુધરી હોવાના સંકેત છે. જોકે બીજી બાજુ ક્રિસિલે બૅન્કોની એનપીએ વધવાની શંકા વ્યક્ત કરી છે, જ્યારે કે બૅન્કોની ઍસેટ ક્વૉલિટી સુધરી રહી છે, ધિરાણમાં વૃદ્ધિ નોંધાઈ રહી છે. કોરોના સંબંધી નિયંત્રણો હજી હળવાં થયાં છે. બિઝનેસ અને ઇકૉનૉમીને વધુ બૂસ્ટ મળશે. નજીકના સમયમાં નાયકા અને પેટીએમ સહિત ઘણા આઇપીઓ ખૂલી રહ્યા છે, જે તેજીના સેન્ટિમેન્ટમાં ઉમેરો કરશે એવું કહી શકાય.

business news jayesh chitalia