કરેક્શન ચાલતું રહ્યું તો ખરીદીનો કરેક્ટ ટાઇમ!

30 March, 2021 10:44 AM IST  |  Mumbai | Jayesh Chitalia

ખરીદીનો સમય પરિપક્વ થતો જાય છે. વૉલેટિલિટીનો સામનો કરી ઘટાડામાં ખરીદી કરવાની હિ‍‍‍‍‍‍‍‍‍ંમત કરશે તેને ‘ડર કે આગે જીત હૈ’નો અનુભવ થશે. હજી ઘટશે-હજી ઘટશે જેવી રાહ જોશો તો રહી જશો, બહેતર છે કે એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)ની જેમ દરેક કડાકામાં

GMD Logo

હમણાં-હમણાં મને એવું પૂછવાવાળા વધવા લાગ્યા છે કે આ સમયમાં શૉર્ટ ટર્મ માટે રોકાણ કરાય? તેમનો પૂછવાનો અર્થ અને આશય એ છે કે ટૂંકા ગાળા માટે લે-વેચ કરાય? પછી તેઓ પૂછે છે કે કયા સ્ટૉકસમાં કરાય, જેમાં ખરીદીને બે-ત્રણ સપ્તાહમાં નફો મળી જાય અને અમે તેને બુક કરી લઈએ. આ વર્ગને મારે કહેવું છે, આ પ્રવૃત્તિ ચાલ્યા જ કરશે, તમે પણ કરી શકો, પરંતુ તેમાં નફાની ખાતરી કોઈ નહીં આપી શકે, જે આપતા હશે તેમની ખાતરી સાચી જ ઠરશે તેની  ખાતરી કોણ આપશે? હા, તમે ગણતરીપૂર્વકનું જોખમ લઈ શકો. તમે સ્ટૉક્સ ખરીદો અને ટૂંક સમયમાં સારો નફો મળતાં વેચી શકો, પરંતુ તુરત નફો ન મળે અને લોસ થતો હોય તો એ સ્ટૉક્સને લોસમાં વેચવા કરતાં હોલ્ડ કરવાની તમારી તૈયારી હોવી જોઈએ. બીજી વાત ખાસ સમજવી જોઈએ કે તમે ટૂંકા ગાળાની લે-વેચ કરશો તો તમને ટૅક્સ લાગશે એ ૩૦ ટકા જેવો ઊંચો હશે, કારણ કે તે સ્પેક્યુલેટિવ ઇન્કમ ગણાશે. બાકી એક વર્ષની અંદર શૅર ખરીદીને વેચો તો ૧૫ ટકા શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ છે, અને એક વર્ષ હોલ્ડ કર્યા બાદ વેચો તો ૧૦ ટકા લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ છે. આ ગણતરી સાથે ચાલવું જોઈશે. જાણીતા માર્કેટ એક્સપર્ટ નીલેશ શાહના શબ્દોમાં કહું તો હાલ જેઓ વૉલેટિલિટીનો સામનો કરીને ઘટાડામાં ખરીદી કરતા રહેશે તેમને આગળ જતા ચોક્કસ લાભ થશે. જોકે અમને લાગે છે, આ ખરીદી દરેક તબક્કાવાર થોડી-થોડી થવી જોઈએ, કારણ કે માર્કેટની બૉટમ જાણી શકાય એમ નથી. સેન્સેક્સ ૪૮૦૦૦ની નીચે જવાની શક્યતા હાલ દેખાતી નથી. જો જાય તો ખરીદીની તક હજી વધશે.
આઇપીઓનાં પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટ
આઇપીઓની કતાર તો લાગી છે અને તે છલકાઈ પણ રહ્યા છે. જોકે તેમના ફન્ડામેન્ટલ્સ વિશે કોઈને પૂર્ણ ભરોસો નથી, મોટે ભાગે લોકો શૉર્ટ ટર્મ રોકાણ કરી લિસ્ટિંગ ગેઇનમાં નીકળી જવાના ઇરાદા સાથે રોકાણ કરે છે. આ રોકાણ મહદ્ અંશે શૉર્ટ ટર્મ દૃષ્ટિએ જ થાય છે. આમાંથી મોટા ભાગના આઇપીઓ તેજીના વલણને જોઈને આવ્યા છે. કેટલાકમાં ઊંચા ભાવ ખૂલ્યા છે. જોકે બધા પાસે કોઈ મજબૂત ફન્ડા નથી, સેન્ટિમેન્ટ અને પ્રવાહિતાનો લાભ મળે તો એ લઈ લેવાનો તેમનો ઈરાદો છે. આ જ કારણસર અમુલ આઇપીઓ ડિસ્કાઉન્ટમાં પણ લિસ્ટ થયો છે. 
માર્કેટનું આશ્વાસન એ છે કે... ગયા સપ્તાહનો આરંભ કરેક્શનથી થયો હતો, કારણ કે રિકવરી માટેના પરિબળ હાજર નહોતા. કોરોના સતત કરેક્શનનું કઠણ-કડક કારણ બનતું જાય છે. વધતા કેસ આર્થિક ગતિવિધિને અસર કર્યા વિના રહી શકશે નહીં. સમજદાર લોકો દૂરનું જોતા થયા છે, તેઓ આ માહોલમાં માર્કેટ ઘટવાનું ચાલુ રહેશે તો તેનું નિરીક્ષણ કરવાનું પસંદ કરશે અને ચોક્કસ તબક્કે જ પ્રવેશ કરશે. મજાની વાત એ છે કે એક તરફ કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે અને બીજી તરફ વૅક્સિનની ઝુંબેશ ચાલુ છે. જોકે વૅક્સિનની રાહત કરતાં કોરોનાની આફત વધુ નેગેટિવ અસર કરનારી અને ડરામણી છે. આ બધા વચ્ચે આશ્વાસન લેવા જેવી વાત હોય તો એ છે કે માર્કેટ કડડભૂસ થતું નથી. 
ગુરુવાર સુધી કડાકા
સોમવારે સેન્સેક્સ ૮૭ માઇનસ અને નિફ્ટી સાત પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. બજાર નીચે જઈને રિકવરી પામ્યું હતું. ગ્લોબલ નબળાં સંકેત, બૉન્ડ યીલ્ડ, મોંઘવારી, કોરોનાની ચિંતા વગેરે કારણ બન્યાં હતાં. જોકે મંગળવારે સેન્સેક્સ ૨૮૦ પૉઇન્ટ વધીને ૫૦૦૦૦ ઉપર બંધ રહ્યો, નિફટીમાં ૭૮ પ્લસ થઈ ૧૪૮૦૦ ઉપર બંધ સાથે રિકવરી થઈ હતી. બુધવારે ફરીવાર કરેક્શન જોરપૂર્વક આવ્યું હતું. અફકોર્સ, ગ્લોબલ માર્કેટસની અસર વધુ હતી. સત્ર દરમ્યાન સતત ઘટતું રહેલું બજાર સેન્સેક્સને ૮૭૧ પૉઇન્ટ નીચે અને નિફ્ટીને ૨૬૫ પૉઇન્ટ ડાઉન લઈ ગયું હતું. આ કડાકામાં સવાત્રણ લાખ કરોડનું મૂડીધોવાણ થયું હતું. ગુરુવારે વધુ કરેક્શન સાથે મંદીવાળા છવાઈ રહ્યા હતા. કરેક્શન માટેનાં કારણો વધતાં જાય છે, જેમાં સૌથી ડરામણું અને અનિશ્ચિતતાભર્યું કારણ કોરોના બન્યું છે. બજાર સડસડાટ સીડી ઊતરતું હોય એમ નીચે ઊતરતું જતું હતું. સેન્સેક્સ ૭૪૦ પૉઇન્ટ અને નિફ્ટી ૨૨૪ પૉઇન્ટ તૂટીને અનુક્રમે ૪૮૪૪૦ તથા ૧૪૩૨૫ બંધ રહ્યા હતા. 
અંતિમ દિવસે સુધારો
બે દિવસના સતત કડાકા બાદ શુક્રવારે માર્કેટે પૉઝિટિવ ટર્ન લીધો હતો, જેમાં સેન્સેક્સ ૫૬૮ પૉઇન્ટની રિકવરી સાથે ૪૯૦૦૮ બંધ રહ્યો અને નિફ્ટી ૧૮૨ પૉઇન્ટ વધીને ૧૪૫૦૭ બંધ રહ્યો હતો. નીચી બજારમાં ખરીદી આવતાં આ રિકવરી આવી હતી. આ સુધારાનું કારણ યુએસ જૉબ-ડેટા પૉઝિટિવ રહેવાનું અને જીડીપી ડેટામાં પણ સુધારો થવાનું હતું. દરમ્યાન ભારતીય માર્કેટ કોરોનાને લીધે ગ્રોથમાં અવરોધ ઊભા થવાના ભયને કારણે કૉન્સોલિડેટ થઈ રહ્યું હતું. આગામી સમય ક્વૉર્ટરલી પરિણામને આધારે બજારની યા સ્ટૉક્સની ચાલ નક્કી કરશે. વૉલેટિલિટીની શક્યતા સતત ઊંચી રહેશે. 
જેમ ઘટે એમ ખરીદો
બજારમાં રસ લેતા ઇન્વેસ્ટરોએ હાલ રોકાણ જાળવી રાખવાનો અને ઘટાડામાં વધુ ખરીદી કરી સારા શૅર જમા કરવાનો સમય છે. જોખમ ન લેવા માગતા રોકાણકારો ડેટ ફન્ડ અથવા ફિક્સ ઇન્કમ સાધનો સાથે નાતો જાળવી રાખે એમાં સાર રહેશે. બાકી વૉલેટિલિટી ચાલુ રહેશે, કારણ કે તે માટેનાં કારણો ચાલુ છે. રિઝર્વ બૅન્કના મતે આ વખતે જોખમ જરા જુદાં પ્રકારનું જણાય છે. આ જોખમ રિયલ ઇકૉનૉમી અને બજારની ચાલ વચ્ચેના જબ્બર ફરકનું છે. દેશના ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસને વેગ આપવા સરકારે ઇન્ફ્રા. બૅન્કની સ્થાપનાની તૈયારી આગળ વધારતા આ સેક્ટરને વેગ મળશે.
નેગેટિવ ન્યુઝ
દરમ્યાન ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ અને પ્રાઇવેટ ઇક્વિટી સામે આવકવેરા ખાતાની સંભવિત ચકાસણીનું જોખમ ઊભું થયું  છે, આ સંબંધી સંકેત મુજબ આવકવેરા ખાતું પાછલા દસ વર્ષના હિસાબોની તપાસ પણ નવેસરથી કરી શકશે. અર્થાત દસ વર્ષ પહેલાં કોઈ નિયમભંગ થવાનું પણ ધ્યાનમાં આવે તો આઇટી તપાસ થઈ શકે છે.
બજારમાંથી મળતા આધારભૂત અહેવાલ મુજબ ચોક્કસ મોટા બ્રોકરો ગ્રાહકો ઉપરાંત પોતાના સોદા (પ્રૉપરાઇટરી)માં સક્રિય થયા છે. જેમાં તેજી-મંદીના મોટા ખેલા થાય છે. આમાં તેજીનો અતિરેક અથવા કહો કે અણધાર્યું વહેણ ચાલ્યું હોવાથી કેટલાક બ્રોકરો પોતાના ખાતામાં મંદીનો ખેલો કરી રહ્યા હોવાનું નોંધાયું છે. આ સંકેત માર્કેટ માટે ચિંતાનું પરિબળ બની શકે. 
પૉઝિટિવ ન્યુઝ 
બજારને પૉઝિટિવ અસર કરે એવી એક જાહેરાત ૧ એપ્રિલથી ૪૫ની ઉપરના નાગરિકોને પણ વૅક્સિન આપવાનું શરૂ કરવા અંગે છે. કોરોનાના ફેલાતા વ્યાપ વચ્ચે આ એક સારી ઘટના ગણી શકાય. દરમ્યાન યુએસમાં રોકાણકારોને રાહત પૅકેજ મળ્યું છે, પણ તેમને વેરા વધવાની ચિંતા સતાવે છે. યુએસ બૉન્ડની ઊપજ પર પણ ધ્યાન અપાઈ રહ્યું છે. ઇક્વિટીનું આકર્ષણ ઘટે છે કે પુનઃ વધે છે એ બાબત પર પણ નજર છે અને રહેશે. 
સોમવારે બજાર ધુળેટીની રજા નિમિત્તે બંધ રહ્યું હતું. હવે પછી બજારને નવા રંગ ગ્લોબલ ઇશારા અને ભારતીય કંપનીઓના ક્વૉર્ટરલી પરિણામો બતાવશે. 

business news jayesh chitalia