કોરોનાના વધતા આંકડા બજારના ઘટાડા-કડાકાનું કારણ બનતા રહેશે

12 April, 2021 01:21 PM IST  |  Mumbai | Jayesh Chitalia

બજાર વધે તો કરેક્શન અને ઘટે તો રિકવરી પાક્કી જેવો ઘાટ ચાલે છે, વીતેલા સપ્તાહમાં રિઝર્વ બૅન્કની નાણાનીતિનાં પગલાં માર્કેટ માટે બૂસ્ટર સાબિત થયાં, પરંતુ એકંદરે બધો આધાર કોરોનાની ગતિવિધિ પર જણાય છે

પ્રતીકાત્મક તસવીર

હાલ કોરોનાનું નવું સંક્રમણ ચિંતા ફેલાવે છે, જ્યારે વૅકિસનની ઝુંબેશ આશા વધારે છે. જોકે કોરોના સતત આક્રમક રહી અર્થતંત્રને નિરાશા અને અનિશ્ચિતતા તરફ લઈ જઈ રહ્યા છે. બજારને વધવા કે ઘટવા માટે નક્કર કારણો મળતાં નહીં હોવાથી માત્ર ચીલાચાલુ વધઘટ કર્યા કરે છે. હાલ બજાર પાસે ખાસ અપેક્ષા રાખવા જેવું પણ નથી. એકંદરે રિઝર્વ બૅન્કે રાજી કર્યા હોવાથી અને ઇકૉનૉમીના સારા સંકેતો વચ્ચે બજાર વધુ નેગેટિવ બનશે નહીં એવું માની શકાય ખરું જ.

પ્રથમ દિવસે કોરોનાનો મોટો કડાકો

નવા કેલૅન્ડર વર્ષના ત્રણ મહિના પૂરા થયા અને નવા નાણાકીય વર્ષના પંદર દિવસ પૂરા થયા. આ દરમ્યાન સેન્સેક્સ ૪૭૦૦૦થી ૫૦૦૦૦ની વચ્ચે અને નિફ્ટી ૧૩૦૦૦થી ૧૫૦૦૦ વચ્ચે વધઘટ કરતું રહ્યું હતું. આપણે ગયા વખતે કોરોનાની ઐસી કી તૈસી કરી વધી રહેલા બજારની ચાલ વિશે શંકા સાથે વાત કરી હતી, આ વાત જાણે બજારને અડી ગઈ હોય તેમ ગયા સપ્તાહમાં પ્રથમ દિવસે-સોમવારે બજારે કડાકા સાથે જ આરંભ કર્યો અને ત્રણ કલાકમાં તો ૧૨૦૦ પૉઇન્ટનો ભુક્કો બોલાવી દીધો હતો. અલબત્ત, કોવિડના સતત કૂદકા મારી રહેલા કેસની ગંભીર ચિંતા બજારને થવા લાગી હોવાને કારણે આર્થિક પ્રવૃત્તિઓ-બિઝનેસને અસર થવાની શક્યતા ભયંકર હદે વધી ગઈ છે. અનેક બાબતોમાં બિઝનેસ અંકુશોને લીધે ધંધાપાણીને નેગેટિવ અસર થયા વિના રહી શકે નહીં અને તેની વિપરીત અસર બજાર પર થયા વિના ન રહે એ પણ સ્વાભાવિક છે. જોકે અમેરિકાના ધારણા કરતાં સારા જૉબ ડેટા અને ઇકૉનૉમિક રિકવરીનું પરિબળ પૉઝિટિવ હતું, તેમ છતાં ભારતીય માર્કેટ પર તો કોરોનાની નવી મહામારીવાળી સવારી ભારે પડી હતી.

અલબત્ત, હાઈ વૅલ્યુએશનને ધ્યાનમાં રાખી પ્રૉફિટ બુકિંગ પણ થતું હતું. રોકાણકારો આ સંજોગોમાં ઊંચા ભાવ અંગે વિચારતા થયા હોવાનું નોંધવામાં આવ્યું હતું. જોકે દિવસના અંતે સેન્સેક્સ ૪૦૦ પૉઇન્ટ રિકવર થઈને ૮૭૦ માઇનસ અને નિફ્ટી ૨૨૯ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો. ભારતનો પર્ચેઝિંગ મૅનેજિંગ ઇન્ડેકસ પણ ફેબ્રુઆરી કરતાં માર્ચમાં નીચે આવતા બજારને વધુ એક નેગેટિવ કારણ પ્રાપ્ત થયું હતું.

રિઝર્વ બૅન્કે રાજી કર્યા

મંગળવારે ભારત માટે ગુડ ન્યુઝ એ હતા કે આઇએમએફ (ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ)એ ઊંચા ગ્રોથ-રેટની ધારણા બહાર પાડી હતી. કપરા સમયમાં પણ ભારત ૧૨ ટકા ઉપરનો ગ્રોથ-રેટ પ્રાપ્ત કરશે એવો આશાવાદી અને પ્રોત્સાહક અંદાજ આઇએમએફ તરફથી તેના વાર્ષિક અહેવાલમાં મુકાયો છે. આ વિકાસદર ચીન કરતાં પણ વધુ કહેવાય છે. બૅન્ક ઑફ અમેરિકાએ પણ ભારતની કામગીરીની સરાહના કરી છે અને વિકાસની આશા દર્શાવી છે. બજાર સોમવારના કડાકા બાદ આમ તો વધુ નીચે ઊતરી ગયું હતું, પરંતુ ગ્લોબલ રૅલીની અસર રૂપે રિકવર થઈ અંતમાં પૉઝિટિવ બંધ રહ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી સાધારણ પ્લસ બંધ રહ્યા હતા. સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સની રિકવરી સારી હતી. બુધવારે રિઝર્વ બૅન્કની નાણાં નીતિએ બજારને રાજી કર્યું હતું. ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ ફેરફાર નહીં કરીને રિઝર્વ બૅન્કે એકંદરે રાહત આપી હતી. પરિણામે બજારને બૂસ્ટ મળતાં સેન્સેક્સ ૪૬૦ પૉઇન્ટ વધીને ૪૯૬૬૧ અને નિફ્ટી ૧૩૫ પૉઇન્ટ વધીને ૧૪૮૧૯ બંધ રહ્યા હતા. બાય ધ વે, રિઝર્વ બૅન્કના પગલાંમાં અર્થતંત્રના વિકાસને સહયોગ આપવા સંબંધી પણ સારા નિર્દેશ હતા.

વધે તો કરેક્શન,ઘટે તો રિકવરી

ગુરુવારે બજારે વૉલેટિલિટી સાથે રંગ તો તેજીનો જ રાખ્યો હતો, પરંતુ ૪૦૦ પૉઇન્ટ ઉપર ગયેલું બજાર બંધ થતી વખતે માત્ર ૮૪ પૉઇન્ટ પ્લસ રહ્યુ હતું. નિફટી માત્ર ૫૪ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો. સેન્સેક્સ ૫૦૦૦૦ કુદાવીને પાછો ફરી ગયો હતો. પ્રૉફિટ બુકિંગનું ચલણ હતું, જોકે સ્મૉલ અને મિડ કૅપ સારા વધ્યા હતા. માર્ચમાં મ્યુચ્યુઅલ ફન્ડસનું રોકાણ ઇક્વિટીમાં નેટ ખરીદીનું રહ્યું હતું, આમ આઠ મહિના બાદ બન્યું હતું. અર્થાત માર્ચમાં ફન્ડસ પર રિડમ્પ્શનનું દબાણ ઘટ્યું હતું. શુક્રવારે બજારે ત્રણ દિવસ બાદ કરેક્શન નોંધાવ્યું હતું. જોકે આ કરેક્શન નજીવું ગણાય એવું હતું. સેન્સેક્સ ૧૫૫ પૉઇન્ટ અને નિફ્ટી ૩૯ પૉઇન્ટ માઇનસ સાથે અનુક્રમે  ૪૯૫૯૧ અને ૧૪૮૩૪ બંધ રહ્યા હતા. કોવિડના વધતા કેસ અને વૅક્સિનની અછતના અહેવાલની બજાર પર નેગેટિવ અસર હતી. આમ માર્કેટ વધે છે તો તરત કરેક્શન, જ્યારે ઘટે તો  રિકવરી પણ આવી જતી હોવાનું જોવામાં આવે છે. આ સપ્તાહમાં પણ બજાર ૪૮થી ૫૦૦૦૦ની રેન્જમાં રહેવાની ધારણા છે. કૉર્પોરેટ પરિણામ શરૂ થયા બાદ બજાર પર સ્પેસિફિક સ્ટૉક્સની વધઘટ વધુ જોવાશે. દરમ્યાન ફિચ રેટિંગ્સે ભારતમાં કોરોનાના બીજા ગંભીર મોજાને ચિંતાજનક અને જોખમી ગણાવ્યું છે.

નવા સપ્તાહમાં બે સરકારી બૅન્કોના ખાનગીકરણ સંબંધી મિટિંગ યોજાવાની છે, જેની અસર રૂપે વીતેલા સપ્તાહમાં બે સરકારી બૅન્કોના શૅરના ભાવને કરન્ટ મળ્યો હતો. નવા સપ્તાહમાં પણ આ શૅરોમાં રસ જોવા મળશે.

કેપિટલ ગેઇનની વિગતો છુપાવી નહીં શકાય

શૅરબજારના રોકાણકારો-ટ્રેડર્સ માટે એક મહત્ત્વના સમાચાર એ છે કે આવકવેરા વિભાગ આ માર્કેટમાં જેમને કેપિટલ ગેઈન (મૂડીલાભ) થયો છે અને તેઓ વિભાગથી છુપાવી રહ્યા હશે તો હવે પછી આ ચાલાકી તેમને ભારે પડી શકે છે. જેઓ પોતાના મૂડીલાભની વિગત કર ટાળવાના ઉદ્દેશથી છુપાવવા જશે તો ઝડપાઈ જશે, કેમ કે આવકવેરા વિભાગ હવે દરેકના કેપિટલ ગેઈનની વિગતો શૅરબજાર, ડિપોઝિટરી અને રજિસ્ટ્રાર પાસેથી મેળવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ માટે વિભાગે એક્સચેન્જ સહિતની એજન્સીને સોદા વ્યવહારો સુપરત કરવા કહ્યું છે. કંપનીઓ પોતે ચૂકવેલા ડિવિડંડની વિગત આવકવેરા વિભાગને આપશે. બૅન્કો, પોસ્ટ ઑફિસ, નોન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ વ્યાજની વિગત આઇટી વિભાગને પૂરી પાડશે. મ્યુચ્યુઅલ ફન્ડના યુનિટસ લે-વેચ અને ડિવિડંડની માહિતી પણ આઇટી વિભાગને આપવાની રહેશે. અત્યાર સુધી કરદાતા પોતે રિટર્નમાં ફાઇલ કરે તે જ વિગતો આઇટીને પહોંચતી હતી, હવે આ તમામ વિગતો રિટર્નમાં ભરાઈને આવશે અને આ હેતુસર આઇટી વિભાગ બીજી સંબંધિત સંસ્થાઓ પાસેથી આ તમામ વિગત મેળવી લેશે. આમ આ કર ટાળવાની પ્રવૃત્તિને બ્રેક લાગશે એ ચોક્કસ છે.

business news jayesh chitalia