સહકારી સમિતિઓ પોતાના નામમાં `બેંક` શબ્દનો ઉપયોગ નહીં કરી શકે: RBI

22 November, 2021 07:41 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય રિઝર્વ બેન્ક(RBI)એ સહકારી સમિતિઓના નામમાંથી `બેંક` શબ્દનો ઉપયોગ કરવા પર લોકોને સતર્ક રહેવા કહ્યું છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા

ભારતીય રિઝર્વ બેન્ક(RBI)એ સહકારી સમિતિઓના નામમાંથી `બેંક` શબ્દનો ઉપયોગ કરવા પર લોકોને સતર્ક રહેવા કહ્યું છે. RBIએ  સોમવારે એક નિવેદનમાં કહ્યું કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949માં કરાયેલા સુધારા પછી, કોઈપણ સહકારી મંડળી તેના નામમાં `બેંક, બેંકર અથવા બેંકિંગ` શબ્દનો ઉપયોગ કરી શકશે નહીં. જો કે, રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરીને આધીન આમ કરવાની સ્વતંત્રતા રહેશે.

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારા 29 સપ્ટેમ્બર, 2020થી અમલમાં આવ્યા છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે તેને કેટલીક સહકારી મંડળીઓ દ્વારા તેમના નામમાં `બેંક` શબ્દનો ઉપયોગ કરવાની ફરિયાદો મળી છે, જે આ સુધારેલા નિયમનું ઉલ્લંઘન છે. આ ઉપરાંત કેટલીક સહકારી મંડળીઓ બિન-સભ્યો પાસેથી થાપણો પણ સ્વીકારી રહી છે, જે બેંકિંગ વ્યવસાયમાં જોડાવા સમાન છે. રિઝર્વ બેંકે પણ સહકારી મંડળીઓના આ વર્તનને બેંકિંગ રેગ્યુલેશન એક્ટનું ઉલ્લંઘન ગણાવ્યું છે.


રિઝર્વ બેંકે કહ્યું કે આવી સ્થિતિમાં, સામાન્ય જનતાને જાણ કરવામાં આવે છે કે આવી સહકારી મંડળીઓને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ બેંકિંગ માટે કોઈ લાઇસન્સ આપવામાં આવ્યું નથી, ન તો તેમને આરબીઆઈ દ્વારા આવું કરવા માટે અધિકૃત કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બેંકે લોકોને ચેતવણી આપી છે કે આવી સહકારી મંડળીઓમાં જમા કરવામાં આવેલી રકમ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC)ના કાર્યક્ષેત્રમાં આવતી નથી. તેથી લોકોએ આવી સહકારી મંડળીઓમાં તેમના નાણાં જમા કરાવતી વખતે સાવચેતી રાખવી જોઈએ.

કેન્દ્રીય બેંકે લોકોને બેંકિંગ કામગીરી માટે અધિકૃત લાઇસન્સ ધરાવતી સંસ્થાઓ સાથે જ વ્યવહાર કરવા જણાવ્યું છે. બેંકે સામાન્ય લોકોને બેંક હોવાનો દાવો કરતી સહકારી મંડળીઓ સાથે કોઈપણ વ્યવહાર કરતા પહેલા આરબીઆઈ દ્વારા જારી કરાયેલ લાઇસન્સ તપાસવા જણાવ્યું છે.

business news reserve bank of india