06 August, 2024 05:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
સોમવારના મોટા ઘટાડા બાદ એશિયન બજારોમાંથી મળેલા સંકેતોને કારણે મંગળવારના ટ્રેડિંગ સેશનની શરૂઆત ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળા સાથે થઈ હતી. સેન્સેક્સમાં 1100 પોઈન્ટ અને નિફ્ટીમાં 300 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ બપોરે (Closing Bell) યુરોપિયન માર્કેટમાં ઘટાડો અને ભારતીય બજારોમાં વેચવાલીથી શેરબજારે તેનો સંપૂર્ણ ફાયદો ગુમાવ્યો હતો. બેન્કિંગ અને મિડકેપ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 13 પોઈન્ટ ઘટીને 78,745 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 21 પોઈન્ટ ઘટીને 24,034 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
આ શેરોમાં વધઘટ
આજના ટ્રેડિંગ (Closing Bell)માં વધતા શેરોમાં ગોદરેજ પ્રોપર્ટીઝ 3.49 ટકાના વધારા સાથે, બ્રિટાનિયા 2.81 ટકાના વધારા સાથે, આઈપીસીએ લેબ 2.69 ટકાના વધારા સાથે, આઈજીએલ 1.40 ટકાના વધારા સાથે બંધ થયા છે. આ સિવાય જેએસડબ્લ્યુ સ્ટીલ 2.41 ટકા, ટેક મહિન્દ્રા 2.07 ટકા, એલઍન્ડટી 1.62 ટકા, એચયુએલ 1.55 ટકા, ટાટા સ્ટીલ 0.97 ટકાના વધારા સાથે બંધ થયા છે. ઘટતા શેરોમાં મેરિકો 6.49 ટકા, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ 5 ટકા, પાવર ફાઇનાન્સ 4.82 ટકા, એચડીએફસી લાઇફ 4.40 ટકા, બાટા ઇન્ડિયા 2.70 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
રોકાણકારોએ 2 દિવસમાં 17 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
આજે પણ બપોર બાદ બજાર (Closing Bell)માં ઘટાડાથી રોકાણકારોને નુકશાની વેઠવી પડી છે. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂા. 440.27 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા સત્રમાં રૂા. 441.84 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોને 1.57 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તે જ સમયે, રોકાણકારોને બે સત્રમાં 17 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
ક્ષેત્રોની સ્થિતિ
બજારમાં બેન્કિંગ શેર્સમાં પ્રોફિટ-બુકિંગના કારણે બેન્કિંગ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ઑટો, ફાર્મા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઑઈલ ઍન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે આઈટી, મીડિયા, રિયલ એસ્ટેટ, મેટલ્સ, એફએમસીજી શેરો ઉછાળા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી ચાલુ રહી હતી. બીએસઈ પર 4028 શેરમાં ટ્રેડિંગ થયું હતું જેમાં 1592 શેરો લાભ સાથે અને 2344 શેર નુકસાન સાથે બંધ થયા હતા.
આનંદ મહિન્દ્રએ શૅરબજારના રોકાણકારોને ટિપ આપી, ‘પ્રાણાયામ કરો, લાંબી ગેમ રમો’
સપ્તાહના પહેલા જ દિવસે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીના આંકડા ઘટ્યા છે અને રોકાણકારોએ ૧૦ લાખ કરોડથી વધુ રૂપિયા ગુમાવ્યા છે. શૅરબજારની આ ઉતાર-ચડાવની સ્થિતિ વિશે મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રએ રોકાણકારોને ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સની સાથોસાથ ધીરજ રાખવાની ટિપ્સ પણ આપી છે. તેમણે ‘ઍક્સ’ પર લખ્યું છે કે ‘પ્રાણાયામની પ્રાચીન ભારતીય પદ્ધતિ અમલમાં મૂકવા માટે આનાથી વધુ શ્રેષ્ઠ સમય ન હોઈ શકે. એ ઊંડા શ્વાસ લેવા અને અંદરની તરફ જોવા વિશે છે. હું જોઉં છું કે ભારત વિશ્વનું એક ઓએસિસ છે, તેનો ઉદય મધ્યમથી લાંબાગાળા સુધી બંધાયેલો નથી હોતો. લાંબી ગેમ રમો...’