ચાઇનીઝ બૂસ્ટર ડોઝથી વિશ્વની સાથોસાથ ભારતીય બજારનો શુક્રવાર સુધરી ગયો

21 May, 2022 01:09 PM IST  |  Mumbai | Anil Patel

તમામ સેક્ટોરલ તથા બધા જ શૅર પ્લસમાં આપી સેન્સેક્સ ૧૫૩૪ પૉઇન્ટ બાઉન્સ-બૅક, માર્કેટ-કૅપ ૫.૦૫ લાખ કરોડ સુધર્યું

પ્રતીકાત્મક તસવીર

સારા બજારમાં પણ એલઆઇસી નવા તળિયે જઈ ઘટાડામાં બંધ, પ્રુડેન્ટનું લિસ્ટિંગ ખોટનો સોદો પુરવાર થયું : રિલાયન્સમાં પોણાછ ટકાની તેજીથી સેન્સેક્સ ૪૩૭ પૉઇન્ટને કારણે રોકાણકારો ૯૬,૭૦૬ કરોડ રૂપિયાના ફાયદામાં : લંડન ધાતુબજાર પાછળ ઘરઆંગણે મેટલ શૅર મજબૂત, અશોક લેલૅન્ડ સારાં પરિણામો પાછળ ૬ ટકાની તેજીમાં : ઝાયડ્સ લાઇફ શૅરદીઠ ૬૫૦ના ભાવે બાયબૅક પાછળ સાડાપાંચ ટકા અપ

ફુગાવાને નાથવા દુનિયાભરના દેશો વ્યાજદર વધારવા માંડ્યા છે, ત્યારે ચાઇનાએ વ્યાજદરમાં ઘટાડો જાહેર કર્યો છે. ચાઇના છે, તેની ચાલ હંમેશાં આગવી રહી છે. થોડાક સમય પૂર્વે ત્યાં પૉલિટ બ્યુરોની મીટિંગમાં કોવિડ અને લૉકડાઉનગ્રસ્ત અર્થતંત્રને સતેજ બનાવવાનો નિર્ધાર જાહેર થયો હતો તેનો અમલ શરૂ થઈ ગયો છે. વ્યાજદરમાં ઘટાડાની સાથે સ્ટિમ્યુલસ ડોઝ પણ કામે લગાડાશે, જેનું કદ ૫.૩૦ લાખ કરોડ ડૉલરનું હશે. મતલબ કે ૪૧૧ લાખ કરોડ રૂપિયા થયા. આપણી ઇન્ડિયન ઇકૉનૉમિની સાઇઝ હાલ માંડ ત્રણ લાખ કરોડની હશે. ચાઇનીઝ ઇકૉનૉમીનું કદ ૧૭ લાખ કરોડ ડૉલરનું છે. આની અસરમાં શુક્રવારે તમામ અગ્રણી એશિયન બજારો સવા ટકાથી લઈ ત્રણેક ટકા સુધર્યાં છે, તાઇવાન પોણો ટકો અપ હતું. યુરોપ પણ સ્ટ્રૉન્ગ ઓપનિંગ બાદ એકથી પોણાબે ટકા મજબૂત જણાતું હતું. જોકે ચાઇનીઝ સ્ટિમ્યુલસનો ઊભરો વિશ્વબજારમાં કેટલો ટકશે એ એક સવાલ છે. ચાઇનીઝ બૂસ્ટર ડોઝ ઇન્ડસ્ટ્રીયલ મેટલને પણ ફળ્યો છે. કોપર, એલ્યુમિનિયમ, ઝિન્ક, ટીન લંડન ધાતુ બજાર ખાતે પોણાબેથી પોણાચાર ટકા ઊંચકાયા છે. ક્રૂડ ૧૧૨ ડૉલર આસપાસ ટકેલું હતું. ઘરઆંગણે સેન્સેક્સનોય શુક્રવાર સુધરી ગયો છે. આશરે સવાસાતસો પૉઇન્ટની ગૅપમાં ઉપર ખૂલ્યા બાદ ક્રમશઃ વધુ ચડતું રહી બજાર ગઈ કાલે ૧૫૩૪ પૉઇન્ટ વધી ૫૪,૩૨૬ તથા નિફ્ટી ૪૫૭ પૉઇન્ટના બાઉન્સ-બૅકમાં ૧૬,૨૬૬ બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૫૪,૩૯૬ની ટોચે ગયો હતો. બીજી એક મજાની વાત એ છે કે બન્ને બજારોના તમામ સેક્ટોરલ સારા એવા, સવા ટકાથી લઈને સવાચાર ટકા ઊંચકાયા છે. સેન્સેક્સના ૩૦માંથી ૩૦ તેમ જ નિફ્ટીના ૫૦માંથી ૪૮ શૅર વધ્યા છે. ડૉ. રેડ્ડીઝ લૅબ પોણાપાંચ ગણા કામકાજમાં ૪૨૯૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ આઠ ટકા કે ૩૧૮ રૂપિયાની તેજી સાથે ૪૨૪૬ બંધ આપી અત્રે ટૉપ ગેઇનર બન્યો છે. વન ટાઇમ ઇમ્પેરમેન્ટમાં નફામાં ૭૬ ટકાના ધોવાણ છતાં શૅરમાં આવેલી આ પોણાબે વર્ષની મોટી તેજી સમજવી અઘરી છે. વિશ્લેષકો કહે છે કંપની ચાલુ વર્ષે અમેરિકા, ચાઇના સહિત વિવિધ બજારોમાં સંખ્યાબંધ નવી પ્રોડક્ટસ લૉન્ચ કરવાની છે એટલે અચ્છે દિન આવશે. નિફ્ટી ખાતે શ્રી સિમેન્ટ પોણા ટકાથી વધુ તથા યુપીએલ પોણા ટકા જેવી નરમ રહ્યા છે. બાઉન્સ-બૅક મજબૂત તથા વ્યાપક હોવાથી માર્કેટ બ્રેડ્થ ઘણી સ્ટ્રૉન્ગ રહી છે. એનએસઈમાં ૧૬૯૯ શૅર પ્લસ તો ૩૭૦ જાતો ડાઉન હતી. 
રિલાયન્સ બજારને ૪૩૭ પૉઇન્ટ અને રોકાણકારોને ૯૬,૭૦૬ કરોડ રૂપિયા ફળ્યો 
હેવીવેઇટ્સ રિલાયન્સ ૨૪૭૯ના આગલા બંધ સામે ગઈ કાલે ઉપરમાં ૨૬૪૩ બતાવી ૫.૮ ટકા કે ૧૪૩ રૂપિયાની તેજીમાં ૨૬૨૨ બંધ આપી સેન્સેક્સને ૪૩૭ પૉઇન્ટ તો રોકાણકારોને ૯૬,૭૦૬ કરોડ રૂપિયા ફળ્યો છે. મુકેશ અંબાણી ગ્રુપના અન્ય શૅરમાં રિલા. ઇન્ડ. ઇન્ફ્રા ચાર ટકા, ડેન નેટવર્ક અઢી ટકા, હેથવે કેબલ પોણાબે ટકા, નેટવર્ક૧૮ પોણાસાત ટકાની નજીક, ટીવી૧૮ ચાર ટકા, આલોક ઇન્ડ. અઢી ટકા તથા સ્ટર્લિંગ-વિલ્સન સાડાત્રણ ટકા પ્લસ હતા. અદાણી ગ્રુપ ખાતે ફ્લેગશિપ અદાણી એન્ટર ૧૧૨ રૂપિયા કે સવાપાંચ ટકા, અદાણી પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટે, અદાણી પોર્ટસ ૫.૪ ટકા, અદાણી વિલ્મર તેજીની એક વધુ સર્કિટમાં પાંચ ટકા અને અદાણી ટોટલ પોણો ટકો અપ હતા. અદાણી ગ્રીન બે ટકા જેવો નરમ હતો. સેન્સેક્સ નિફ્ટીની ૨.૯ ટકાની મજબૂતી સામે ગઈ કાલે અત્રે ડૉ. રેડ્ડીઝ લૅબ, જેએસડબ્લ્યુ સ્ટીલ, તાતા મોટર્સ, નેસ્લે, તાતા સ્ટીલ, સિપ્લા, લાર્સન, ઇન્ડસઇન્ડ બૅન્ક, અૅક્સિસ બૅન્ક, સનફાર્મા, એચડીએફસી જેવા કાઉન્ટર્સ લગભગ સાડાત્રણ ટકાથી માંડીને પોણાઆઠ ટકા જેવા ઊછળ્યા છે. ફ્યુચર ગ્રુપ ખાતે ફ્યુચર એન્ટર સાડાત્રણ ટકા, તેનો ડીવીઆર ઉપલી સર્કિટમાં પાંચ ટકા, ફ્યુચર લાઇફ સવા ટકો, ફ્યુચર સપ્લાય પોણાચાર ટકા વધ્યા છે. ફ્યુચર રીટેલ પાંચ ટકા તૂટી ૧૧.૪૦ના નવી વર્સ્ટ બૉટમે બંધ હતો. ફ્યુચર નેટવર્ક પોણો ટકો તો ફ્યુચર કન્ઝ્યુમર અડધા ટકાની આસપાસ નરમ હતા. 
તમામ શૅરની મજબૂતી દાખવી મેટલ નિફ્ટી ૪.૨ ટકા ઊછળ્યો 
વિશ્વબજારમાં મેટલના ભાવ વધીને આવતાં મેટલ નિફ્ટી તમામ ૧૫ શૅરના સથવારે સવાચાર ટકા નજીક તો બીએસઈનો મેટલ ઇન્ડેક્સ પોણાચાર ટકા કે ૬૯૬ પૉઇન્ટ ઊંચકાયો છે. જેએસડબ્લ્યુ સ્ટીલ, એનએમડીસી, તાતા સ્ટીલ, જિંદલ સ્ટીલ, વેદાન્તા, સેઇલ, હિન્દાલ્કો, નાલ્કો ત્રણ ટકાથી લઈ પાંચ ટકા પ્લસની તેજીમાં હતા. વેલસ્પન કૉર્પો. ૧૭ ટકાની છલાંગમાં ૨૪૪ની નવી ટોચે બંધ થયો છે. હિન્દુ. કોપર પાંચ ટકા વધ્યો છે. ગોવા કાર્બન સાડાછ ટકા, સાંડૂર મેંગેનિઝ પોણાપાંચ ટકા, જીએમડીસી ૩.૪ ટકા, આશાપુરા માઇન ૧.૯ ટકા અપ હતા. રિલાયન્સની તાકાતમાં એનર્જી ઇન્ડેક્સ ૨૬માંથી ૨૪ શૅરના સુધારામાં ત્રણ ટકા તો ઑઇલ-ગૅસ બેન્ચ માર્ક ૧૦માંથી નવ શૅર પ્લસમાં આપી સવાબે ટકા વધ્યો છે. અત્રે ઇન્ડિયન ઑઇલ તથા ઑઇલ ઇન્ડિયા અડધા ટકા સુધી ઢીલા હતા. એજીસ લોજિસ્ટિક્સ ૧૨.૭ ટકાના જમ્પમાં ૨૨૬ થયો છે. એમઆરપીએલ અને ચેન્નઈ પેટ્રો પાંચ-પાંચ ટકા ઊછળ્યા છે. ઇન્દ્રપ્રસ્થ ગૅસ સવાચાર ટકા, પેટ્રોનેલ પોણાચાર ટકા, ભારત પેટ્રો ૧.૮ ટકા, ઓએનજીસી સવા ટકો, ગુજરાત ગૅસ અને હિન્દુ. પેટ્રો સવાબે ટકા સુધર્યા છે. બૅઝિક મટીરિયલ્સમાં જેકે લક્ષ્મી રિઝલ્ટ પાછળ તેજી જારી રાખતાં ૧૭ ટકાની છલાંગમાં ૪૯૪ થયો છે. મેઘમણિ પાઇનકેમ ૧૫.૪ ટકા કે ૧૮૬ રૂપિયાની તેજીમાં ૧૩૯૮ બંધ હતો. સૂર્યા રોશની ૧૩ ટકા, ફોસેકો ઇન્ડિયા બાર ટકા, મેઘમણિ ઓર્ગે. ૧૧.૯ ટકા, ગુજરાત આલ્કલીઝ ૧૧ ટકા, મુકંદમાં ૧૦.૭ ટકા મજબૂતી હતી. 
બૅન્કિંગમાં મજબૂત વલણ વચ્ચે ઇક્વિટાસ અને સૂર્યોદય બૅન્ક તૂટ્યા
બૅન્ક નિફ્ટી તમામ ડઝન શૅરના બાઉન્સ બૅન્કમાં ૯૬૧ પૉઇન્ટ કે ૨.૯ ટકા વધ્યો છે. અત્રે એયુ બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, અૅક્સિસ બૅન્ક, સ્ટેટ બૅન્ક તથા બૅન્ક ઑફ બરોડા સવા ત્રણથી ચારેક ટકાની તેજીમાં હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૧ શૅરના સુધારે ત્રણ ટકા અપ હતો. યુકો બૅન્ક સાધારણ નરમ રહ્યો છે. કૅનરા બૅન્ક ૩.૯ ટકા ઊંચકાઈને ૧૯૪ હતી. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રની ૩૬માંથી ૨૯ જાતો વધી છે. ઉજ્જીવન સ્મૉલ બૅન્ક જૈસે-થે હતી. સૂર્યોદય સ્મૉલ બૅન્ક બમણા વૉલ્યુમે ૫.૬ ટકા ખરડાઈને ૧૧૩ રહી છે. ઇક્વિટાસ સ્મૉલ બૅન્ક અઢી ગણા કામકાજમાં ૧૧.૪ ટકાના કડાકામાં ૫૩ નજીક જોવાઈ છે. ઇક્વિટાસ હોલ્ડિંગ્સ પણ સાડાછ ટકા ગગડી ૧૦૮ થયો છે. અૅક્સિસ બૅન્ક ૩.૬ ટકા, ઇન્ડ્સ ઇન્ડ સાડાત્રણ ટકા, સ્ટેટ બૅન્ક સવા ત્રણ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૮ ટકા, કોટક બૅન્ક તથા એચડીએફસી બૅન્ક અઢી ટકા વધી ૨૨૦૩ હતો. એચડીએફસી ટ્વીન્સ બજારને ૨૩૭ પૉઇન્ટ લાભદાયી નીવડ્યાં છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ અઢી ટકા અપ હતો, અત્રે ૧૨૮માંથી ૧૦૨ જાતો પ્લસ હતી. પૈસાલો ડિજિટલ, રેલિગેર, કેમ્સ, મહા. સ્કૂટર્સ,  એલઆઇસી હાઉ. ફાઇ., સ્ટાર હેલ્થ, કેનફીન હોમ્સ, ક્રેડિટ એક્સેસ, સાટિન ચારથી સાડાઆઠ ટકા વધ્યા છે. એમસીએક્સ વધુ દોઢ ટકાની આગેકૂચમાં ૧૨૯૩ થયો છે. 
સારા બજારમાં એલઆઇસી ડાઉન, પ્રુડેન્ટનું લિસ્ટિંગ લૉસમાં 
શુક્રવારે પ્રુડેન્ટ કૉર્પોરેટ અૅડ્વાઇઝરી શૅરદીઠ ૬૩૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૬૬૦ ખૂલી નીચામાં ૫૪૧ બતાવી ૬૭ રૂપિયા કે ૧૦.૭ ટકાના લિસ્ટિંગ લૉસમાં ૫૬૩ નજીક બંધ થયો છે. એનએસઈ ખાતે શૅર ૬૫૦ ખૂલી છેલ્લે ૫૬૨ નીચે બંધ આવ્યો છે. હાઈ પ્રોફાઇલ એલઆઇસી ૯૨૫ની નવી વર્સ્ટ બૉટમ બનાવી પોણાબે ટકા ઘટીને ૮૨૬ થયો છે. દરમ્યાન આઇટી ઇન્ડેક્સ આગલા દિવસની ૧૬૦૦ પૉઇન્ટની ખુંવારી બાદ શુક્રવારે ૪૪૦ પૉઇન્ટ કે દોઢ ટકો સુધર્યો છે. અત્રે ૬૨માંથી ૫૫ શૅર પ્લસ હતા. ઇન્ફી બે ટકા, વિપ્રો પોણાબે ટકા, ટેક મહિન્દ્ર અઢી ટકા, એચસીએલ ટેક્નૉ બે ટકા નજીક અને ટીસીએસ પોણા ટકાની નજીક સુધર્યા છે. રામકો સિસ્ટમ્સ ૭.૯ ટકા વધી ૨૬૭ હતો. નેલ્કો અને ૬૩ મૂન્સ પાંચ ટકાની તેજીમાં હતા. ઓરેકલ અને માસ્ટેકમાં ચાર ટકાની મજબૂતી હતી. ભારતી એરટેલ બે ટકા, ઇન્ડ્સ ટાવર ચાર ટકા, વોડાફોન અઢી ટકા અપ હતા. રાઉટ મોબાઇલ છ ટકા બાઉન્સ-બૅક થયો છે. સનટીવી સવાઆઠ ટકાના બુલ રનમાં ૪૩૭ હતો. પીવીઆર પાંચ ટકા, આઇનોક્સ લિઝર સાડાછ ટકા તો ઝી એન્ટર સાડાત્રણ ટકા વધ્યા છે. અશોક લેલૅન્ડ બહેતર પરિણામમાં ૬ ટકા ઊછળી ૧૩૦ હતો. તાતા મોટર્સ ૪.૮ ટકા, હીરો મોટોકોર્પ ૨.૯ ટકા, મહિન્દ્ર અને મારુતિ અઢી ટકાની આસપાસ વધ્યા છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૭માંથી ૮૨ શૅરની મજબૂતીમાં ત્રણ ટકા મસ્ત હતો. ગ્રેન્યુઅલ્સ ૧૧ ટકા, અરબિંદો ૬.૭ ટકા, ઝાયડસ લાઇફ ૫.૫ ટકા, સનફાર્મા ૩.૫ ટકા વધ્યા છે. 

business news share market stock market nifty sensex national stock exchange bombay stock exchange