ચીન-તાઇવાન તંગદિલીથી રૂપિયા અને ડૉલેક્સમાં વૉલેટિલિટી વધી

08 August, 2022 05:25 PM IST  |  Mumbai | Biren Vakil

આરબીઆઇએ વ્યાજદર અડધો ટકો વધાર્યો : અમેરિકામાં સૉલિડ જૉબડેટા રાહતના સમાચાર

પ્રતીકાત્મક તસવીર

ફેડનો વ્યાજદર વધારો, અમેરિકામાં જુલાઈ માસના સૉલિડ જૉબ ડેટા, ચીન-તાઇવાન તંગદિલી જેવા અનેક પડકારો વચ્ચે કરન્સી બજારોમાં વૉલેટિલિટી વધતી જાય છે. રૂપિયામાં પાછલાં બે સપ્તાહમાં દૈનિક વધઘટની માત્રા વધી છે. રૂપિયો ૮૦.૩૦થી ૭૮.૮૦ અને ફરી ૭૯.૮૦ થયો, ટૂંકા ગાળામાં બે બાજુ મોટી વધઘટ આવી છે. ડૉલર ઇન્ડેક્સમાં પણ તેજી-મંદીની માત્રા અસાધારણ મોટી છે. ૧૦૪થી ૧૦૯.૫૦ સુધીની ઝડપી તેજી અને એ પછી મોટા કડાકામાં ડૉલેક્સ ૧૦૪.૯૨ થઈ છેલ્લે ૧૦૬ રહ્યો. સપ્ટેમ્બર સુધી આવી મોટી વધઘટ જળવાશે. ફૉરેક્સ રિસ્ક મૅનેજમેન્ટમાં વિશેષ સાવધાની હોય તો આવા પડકારોને તકમાં ફેરવી શકાય એવો દિલધડક માહોલ રચાયો છે. આ કૉલમમાં અમે છેલ્લા કેટલાયે સમયથી વારંવાર લખીએ છીએ કે થર્ડ ક્વૉર્ટરમાં વૉલેટિલિટી વધશે. ૧૫ નવેમ્બર સુધીમાં વૉલેટિલિટી પીક બની જશે, એ પછી કદાચ કરન્સી અને ઇન્ટરેસ્ટ રેટ માર્કેટ્સ, બૉન્ડ બજારો સ્ટૅબલ થશે.

અમેરિકી હાઉસ સ્પિકર નૅન્સી પેલોસીની તાઇવાન મુલાકાત પછી ચીને તાઇવાન પર હુમલાનું સિમ્યુલેશન કર્યું છે. અમેરિકા સાથે સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જની વાતો રોકી દીધી છે. આ તંગદિલી ટાળી શકાઈ હોત, પણ રાજકીય મજબૂરીઓએ કદાચ બેઉ દેશોને શક્તિ પ્રદર્શન માટે પ્રેર્યા હશે. ગયા શુક્રવારે જૉબ ડેટા સુપર સૉલિડ આવ્યો છે એટલે બજાર ફરી અમેરિકાના ફુગાવા અને ફેડની નાણાનીતિ પર આવી જશે. જુલાઈ માસમાં રોજગારી ૫.૨૮ લાખ વધી. આગાહી ૩.૭૮ લાખ વધારાની હતી. બેકારીદર ૩.૫ ટકા થયો જે પૅનડેમિક પછી નીચામાં નીચો છે. અમેરિકાનું જૉબ માર્કેટ ઓવરહીટેડ છે, હાઉસિંગ બજાર પણ ઓવરહીટેડ છે. વેજ ઇન્ફ્લેશન, કૉમોડિટી ઇન્ફ્લેશન અને ઍસેટ ઇન્ફ્લેશન - બધી બાજુથી ફુગાવાનો માર છે. મંદીની વાતો ચાલે છે, પણ આ ડેટા કહે છે કે આ લાખેણી મંદી છે. એસઍન્ડપી ૫૦૦ કંપનીઓ સૉલિડ ફૉર્મમાં છે. અમેરિકામાં વ્યાજદર વધારાની દિશા તો નક્કી છે, પણ ફેડ ઝડપ કેવી રાખે છે એ ચર્ચાનો વિષય છે. ગત સપ્તાહે ફેડ ચૅરમૅને કહ્યું હતું કે રેટ કદાચ ન્યુટ્રાલિટીની નજીક છે. બજારે આ વાતને ડોવિશ ગણી અને શૅરબજારો ઊછળ્યાં હતાં. ડૉલર તૂટ્યો હતો. જો ફેડ વ્યાજદર વધારાની ઝડપ ઘટાડે તો ઍસેટ બજારો ફરી તેજીમાં જતાં રહેશે.

 બુધવારનો વપરાશી ફુગાવાનો ડેટા થોડો સોફ્ટ આવે અને ફેડ એમ ધારી લે કે અમારી નીતિઓ કારગત થઈ છે, ફુગાવો કાબૂમાં આવ્યો છે. જો સપ્ટેમ્બરનો વ્યાજદર અડધા ટકા જેવો નીચો આવે તો ફેડનું કર્યું કારવ્યું ધૂળધાણી થઈ જાય. ૧૯૭૦ના ફુગાવામાં ફેડથી આવી ભૂલ થઈ હતી. વ્યાજદર વધારાની ઝડપ ધીમી પડી એમાં ફુગાવો બેકાબૂ બન્યો, વ્યાજદર ૧૬ ટકા સુધી વધ્યા હતા. સપ્ટેમ્બરની ફેડ મીટિંગ અગાઉ ફેડની વાર્ષિક બેઠક જેક્સન વિલે ફેડ સિમ્પોઝિયમ પર પણ બજારની નજર છે. ફેડની આ બેઠકમાં વિશ્વના અગ્રણી બૅન્કરો, નિષ્ણાતો ભાગ લે છે અને અમેરિકા અને વૈશ્વિક અર્થતંત્ર અંગે મહત્ત્વના નીતિવિષયક સંકેતો સાંપડે છે. બજારના જિજ્ઞાસુઓ માટે આ બેઠક ખૂબ જ્ઞાનપ્રદ હોય છે.

 ઘરઆંગણાની વાત પર પાછા ફરીએ તો રિઝર્વ બૅન્કે ફુગાવો રોકવાની ઝુંબેશ ચાલુ રાખવા અને વૈશ્વિક વ્યાજદરો સાથે કદમ મિલાવવા વ્યાજદરમાં અડધા ટકાનો વધારો કરી વ્યાજદર ૪.૯૦ ટકા કર્યો. વરસના અંત પહેલાં વ્યાજદર ૫.૫૦ ટકા જેવો થઈ શકે. વેપારખાધ ૩૧ અબજ ડૉલરની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી છે. ચાલુ ખાતાની ખાધ પણ વધી છે.
યુરોપમાં યુકેએ પાંચમી વાર વ્યાજદર વધારીને રેટ દોઢ ટકા કર્યો છે જે ૧૯૯૫ પછીનો ઊંચો આંક છે. યુકેમાં મંદીની વાતે વેગ પકડ્યો છે. યુરોમાં પણ આર્થિક મંદીના સંકેતો છે. યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ અટકતું નથી. આરમેનિયા-અજરબૈઝાન વચ્ચે પણ તંગદિલી ચાલુ થઈ છે. 

ટેક્નિકલ ઍનૅલિસિસ મુજબ મુખ્ય કરન્સીમાં શૉર્ટ ટર્મ રેન્જ નીચે મુજબ છે. રૂપિયો ૭૮.૮૦-૮૦.૫૦, યુરો ૧.૦૦-૧.૦૩૫૦, પાઉન્ડ ૧.૧૯૦૦-૧.૨૨૦૦, યેન ૧૩૦-૧૩૭, ડૉલેક્સ ૧૦૫-૧૦૮ ગણાય. 

business news reserve bank of india