N‍‍ews In Shorts: બજેટમાં કસ્ટમ્સ ડ્યુટીના ફેરફાર મેક ઇન ઇન્ડિયાને બૂસ્ટ આપશે

04 February, 2023 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશ્યેટિવ (જીટીઆરઆઇ)એ એમ પણ જણાવ્યું હતું કે બજેટમાં આયાત ડ્યુટી ફેરફારો એવાં ઉત્પાદનોને અસર કરે છે જે ૧૪ અબજ ડૉલર કરતાં ઓછા અથવા ભારતના વર્તમાન આયાત બાસ્કેટમાં મૂલ્યના બે ટકા ગણાય છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

‍‍ બજેટમાં કસ્ટમ્સ ડ્યુટીના ફેરફાર મેક ઇન ઇન્ડિયાને બૂસ્ટ આપશે

આયાત ડ્યુટીમાં ફેરફાર દેશની કુલ આયાતના બે ટકાના મૂલ્યને લાગુ પડશે

બજેટમાં કીમતી ધાતુઓ, નાની કાર, સાઇકલ, રમકડાં અને ટેલિકમ્યુનિકેશન ઘટક જેવાં અનેક ઉત્પાદનો માટે કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે, એમ આર્થિક થિન્ક ટૅન્ક જીટીઆરઆઇએ જણાવ્યું હતું. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશ્યેટિવ (જીટીઆરઆઇ)એ એમ પણ જણાવ્યું હતું કે બજેટમાં આયાત ડ્યુટી ફેરફારો એવાં ઉત્પાદનોને અસર કરે છે જે ૧૪ અબજ ડૉલર કરતાં ઓછા અથવા ભારતના વર્તમાન આયાત બાસ્કેટમાં મૂલ્યના બે ટકા ગણાય છે. બજેટની કવાયતનો મોટો ભાગ ડ્યુટી સ્લૅબ અને મુક્તિની સંખ્યા ઘટાડવા માટે સમર્પિત હતો. સરકારે વર્તમાન આયાત ડ્યુટી માળખું ચાલુ રાખ્યું, જ્યારે એની પાસે આવું કરવાનું મોટું કારણ હોય ત્યારે જ ફેરફાર કરે છે. આનાથી કંપનીઓને લાંબા ગાળા માટે વિચારવાની તક મળશે એમ જીટીઆરઆઇના સહ-સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

સુધારેલી ઇન્કમ ટૅક્સ પદ્ધતિને સારો રિસ્પૉન્સ મળવાની આશા

સુધારેલા ઇન્કમ ટૅક્સ શાસનનો લાભ કરદાતાના દરેક વર્ગ સુધી પહોંચશે અને સરકાર એને માટે ‘કલ્પિત’ પ્રતિસાદની અપેક્ષા રાખે છે, એમ આવકવેરા વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું. બજેટમાં નવી વૈકલ્પિક કર-પ્રણાલીમાં ફેરફારની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ૭ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ કર વસૂલવામાં આવશે નહીં.એણે કરદાતાઓને ૫૦,૦૦૦ રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન કપાતનો દાવો કરવાની મંજૂરી પણ આપી હતી, જે પગારદાર વર્ગ માટે નવી કર વ્યવસ્થામાં સ્વિચ કરવા દબાણ તરીકે જોવામાં આવે છે, જ્યાં રોકાણ પર કોઈ છૂટ આપવામાં આવતી નથી.
આ લાભ કરદાતાના દરેક વર્ગ સુધી પહોંચે છે. નવી કર-પ્રણાલીમાં પગારદાર કરદાતાઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન કપાત ઉપલબ્ધ થશે એને ધ્યાનમાં લેતાં અસરકારક રીતે ૭.૫ લાખ રૂપિયા આવક ધરાવતા પગારદાર કર્મચારીને કોઈ કર ચૂકવવાની જરૂર રહેશે નહીં એમ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (સીબીડીટી)ના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું.

શૅરબજાર ઊછળતા રૂપિયામાં ૩૫ પૈસાનો સુધારો 

શૅરબજારમાં સુધારો અને ક્રૂડ તેલના ભાવ નરમ પડ્યા હોવાથી રૂપિયામાં સપ્તાહના અંતે સરેરાશ ૩૫ પૈસાનો સુધરો જોવા મળ્યો હતો. રૂપિયામાં આગામી સપ્તાહે પણ વૉલેટિલિટી જોવા મળે એવી ધારણા છે, કારણ કે આગામી સપ્તાહે રિઝર્વ બૅન્કની બેઠક મળવાની છે. ભારતીય રૂપિયો ડૉલર સામે શુક્રવારે ૮૨.૧૭૫૦ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન એક તબક્કે નબળો પડીને ૮૨.૩૦ સુધી પહોંચ્યા બાદ દિવસના અંતે ૮૧.૮૩૭૫ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૮૨.૧૯ પર બંધ હતો.

union budget business news make in india