નાણાપ્રવાહિતા ભલે વધી, પણ કંપનીઓને સસ્તું ભંડોળ મળતું નથી

24 August, 2019 09:58 AM IST  |  મુંબઈ

નાણાપ્રવાહિતા ભલે વધી, પણ કંપનીઓને સસ્તું ભંડોળ મળતું નથી

રિઝર્વ બૅન્કે જુલાઈ મહિનામાં વ્યાજદર ઘટાડવાના સંકેતો આપ્યા ત્યારે બજારમાં એવો સૂર હતો કે સિસ્ટમમાં નાણાપ્રવાહિતા જ્યાં સુધી વધે નહીં ત્યાં સુધી ભંડોળ એકત્ર કરવું મોંઘું જ રહેશે. બૅન્કો, કંપનીઓ અને નોન બૅન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ હંમેશાં સરકારી બૉન્ડ કરતાં ઊંચા વ્યાજે નાણાં ઊભાં કરે છે, પરંતુ સિસ્ટમમાં છેલ્લાં ૧૧ સપ્તાહથી પુષ્કળ નાણાં પુરવઠો છે. માગ કરતાં પુરવઠો વધારે છે અને ક્યારેક આ પુરાંત બે લાખ કરોડ જેટલી ઊંચી હોય છે છતાં કંપનીઓ માટે તે કોઈ રાહતના સમાચાર લાવી નથી. ઊલટું કંપનીઓ માટે સરકારી જામીનગીરી કરતાં પોતાના બૉન્ડનો વ્યાજનો તફાવત (સ્પ્રેડ) વધી ગયો છે.

બજારમાં નાણાં પુરવઠો વધી જતા ૧૦ વર્ષના સરકારી બૉન્ડ ઉપરના યિલ્ડ ૬.૮થી ૬.૯ કરતાં ઘટી અત્યારે ૬.૫થી ૬.૬ થઈ વચ્ચે જોવા મળી રહ્યા છે, પણ સારી કંપનીઓ કે જેનું ક્રેડિટ રેટિંગ ત્રિપલ-એ કે તેથી વધારે હોય તેને પણ સસ્તું ધિરાણ મેળવવામાં તકલીફ પડી રહી છે. તાતા કેપિટલે જૂન મહિનામાં જ્યારે પાંચ વર્ષ માટે નાણાં એકત્ર કર્યાં તો તેનું સ્પ્રેડ બે ટકા જેટલું વધારે હતું. એટલે કે કંપનીએ સરકારી જામીનગીરી કરતાં બે ટકા વધારે વ્યાજ ચૂકવવું પડશે. સપ્ટેમ્બર ૨૦૧૮માં આ જ કંપનીને માત્ર ૦.૭૨ ટકાના સ્પ્રેડમાં પાંચ વર્ષ માટે નાણાં મળ્યાં હતાં. મહિન્દ્રા અૅન્ડ મહિન્દ્રા ફાઈનેન્સને ૧.૮૨ ટકા સ્પ્રેડમાં નાણાં મળ્યાં હતાં જે ગત વર્ષે ૦.૮૫ ટકા હતા. એની સામે એચડીએફસીને ૧.૨૮ ટકાના સ્પ્રેડથી ૧૦ વર્ષ માટે નાણાં મળ્યાં હતાં જે ગત વર્ષે ૧.૧૮ ટકા હતા.

બજાર વિશ્લેષકોના મતે આ દર્શાવે છે કે હજી પણ નાણાબજારમાં વિશ્વાસનો અભાવ છે. ત્રિપલ- એ ક્રેડિટ રેટિંગ હોય તો પણ કંપનીઓ નાણાં પરત કરશે કે નહીં તેનો વિશ્વાસ નથી. ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ લીઝિંગ ફાઈનેન્સ લિમિટેડ જ્યારે ડિફોલ્ટ થઈ તેના એક મહિના પહેલાં તેનું ક્રેડિટ રેટિંગ પણ ત્રિપલ-એ જ હતું.


વિશ્લેષકો માને છે કે રોકાણકારો પાસે પોતાની રીતે નાણાંની અછત હોય અથવા તો તે વિશ્વાસના અભાવે હાથ ઉપર રોકડ રાખીને પણ જોખમ નિવારી રહ્યા હોય.

આ પણ વાંચોઃ 

ટ્રેડ-વૉર : ચીનના અમેરિકા ઉપર વળતા પ્રહારથી સોનામાં વૃદ્ધિ

કૅર રેટિંગ્સના કવિતા ચાકોના જણાવ્યા અનુસાર બજારમાં લોકો જોખમથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા હોય એવું લાગી રહ્યું છે. બજારમાં કેટલીક કંપનીઓના ક્રેડિટ રેટિંગમાં નિરંતર ઘટાડો જોવા મળ્યો છે અને ગત વર્ષે બે મોટી એનબીએફસીએ ડિફોલ્ટ કર્યું હોવાથી ડરનું વાતાવરણ પણ છે. બજારમાં કેટલીક ચોક્કસ અને સારી કંપનીઓ સિવાય કોઈને પણ સસ્તું ધિરાણ ઉપલબ્ધ બને એવું લાગતું નથી.

business news