1500 ડૉલરની સપાટી જાળવી રાખવા માટે સોનાનો મરણિયો પ્રયાસ

11 October, 2019 11:55 AM IST  |  મુંબઈ | બુલિયન વૉચ

1500 ડૉલરની સપાટી જાળવી રાખવા માટે સોનાનો મરણિયો પ્રયાસ

ગોલ્ડ

સોનાની બજારમાં આજે કોઈ ચોક્કસ મોટું પરિબળ ભાવની વધ-ઘટ માટે કારણભૂત નથી. બજારની નજર આજથી અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉરનો અંત આણવા માટે શરૂ થઈ રહેલી મંત્રણા પર ટકી રહી છે. જો મંત્રણા નિષ્ફળ જશે તો સોનાના ભાવમાં ઉછાળો આવશે અને જો મંત્રણામાં કોઈ ચોક્કસ જાહેરાત થશે તો સોનાના ભાવમાં ઘટાડો આવી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં અમેરિકામાં ફુગાવો સ્થિર રહ્યો હતો, જ્યારે બેરોજગારીના આંકડા પણ બજારની અપેક્ષા જેટલા જ આવ્યા હોવાથી સોનાના ભાવમાં અત્યારે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.

ટેક્નિકલ ચાર્ટ પર સોના માટે ૧૫૨૦ ડૉલરની સપાટી તોડી ઉપર જવું જરૂરી છે અન્યથા ભાવમાં દરેક ઉછાળે વેચવાલી જોવા મળી રહી છે. ભાવ ઘટીને ૧૪૮૮ ડૉલર આસપાસ જઈ શકે છે.

બુધવારે વૈશ્વિક બજારમાં હાજર સોનું આગલા બંધ ૧૫૦૮.૭ સામે સામાન્ય ઘટીને ૧૫૦૬.૮ની સપાટીએ બંધ આવ્યું હતું. ગુરુવારે સોનાના ભાવ એક તબક્કે ૧૫૧૫.૬૫ ડૉલરની સપાટીએ પહોંચ્યા બાદ ફરી ઘટીને ૧૫૦૩.૨૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ રહ્યા હતા. ન્યુ યૉર્કમાં કૉમેકસ ડિસેમ્બર સોનું બુધવારે ૯ ડૉલર વધીને ૧૫૧૨.૮૦ પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યું હતું જે આજે ઘટીને ૧૫૦૮.૭૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદીનો વાયદો બુધવારે ૦.૧૦ ડૉલર વધી ૧૭.૮૧ની સપાટીએ બંધ હતો જે આજે ૦.૮૯ ટકા ઘટી ૧૭.૬૮૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.

ભારતમાં વાયદા અને હાજરમાં સામસામા રાહ

મુંબઈ હાજર બજારમાં સોનું ૧૫૦ વધીને ૩૯,૬૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને અમદાવાદમાં ૧૬૦ વધી ૩૯,૬૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યું હતું. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮૫૨૬ ખૂલી, ઉપરમાં ૩૮૫૪૫ અને નીચામાં ૩૮૩૮૭ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૦ ઘટીને ૩૮૪૭૭ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૮ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૦૪૪૧ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે બે રૂપિયા વધીને ૧ ગ્રામદીઠ ૩૮૨૯ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો બંધમાં ૧૦ ગ્રામદીઠ ૩૮૩૮૪ રૂપિયા રહ્યો હતો. જોકે સાંજના સત્રમાં સોનું ૧૩૪ ઘટીને ૩૮,૩૭૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે.

હાજરમાં ચાંદીનો ભાવ મુંબઈમાં ૨૦ ઘટીને ૪૬,૯૮૦ રૂપિયા અને અમદાવાદમાં ૪૭,૦૪૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૬૨૩૪ ખૂલી, ઉપરમાં ૪૬૨૩૪ અને નીચામાં ૪૫૬૮૬ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૭૬ ઘટીને ૪૫૯૬૮ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૫૭ ઘટીને ૪૫૯૮૯ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૪૮ ઘટીને ૪૫૯૯૪ રૂપિયા બંધ રહ્યા હતા. સાંજના સત્રમાં ચાંદીનો વાયદો ૫૪૧ ઘટી ૪૫,૫૦૩ રૂપિયા ચાલી રહ્યો છે.

આ પણ વાંચો : મૂડીઝે ભારતનો 2019-2020નો આર્થિક વિકાસદર ઘટાડી 5.8% રહેશે એવી આગાહી કરી

સાંકડી વધ-ઘટે રૂપિયો સ્થિર

ડૉલર સામે ભારતીય રૂપિયો આજે ૭૦.૯૯ની સપાટીએ મજબૂત ખૂલ્યો હતો, પણ પછી ક્રૂડ ઑઇલના વધી રહેલા ભાવને કારણે ઘટી ૭૧.૧૪ થઈ ફરી વધી ૭૦.૯૩ થયા બાદ દિવસના અંતે ૭૧.૦૭ની સપાટીએ બંધ આવ્યો હતો. ડૉલર સામે રૂપિયો બુધવારે પણ આ સપાટીએ જ બંધ આવ્યો હતો.

business news