વધી રહેલા ડૉલર-ફેડરલ રિઝર્વના વ્યાજદરના સંકેતોની રાહ જોતાં સોનામાં ઘટાડ

18 June, 2019 09:09 AM IST  |  મુંબઈ

વધી રહેલા ડૉલર-ફેડરલ રિઝર્વના વ્યાજદરના સંકેતોની રાહ જોતાં સોનામાં ઘટાડ

 હાજર બજારમાં શુક્રવારે સોનાના ભાવ ૧૪ મહિનાની ઊંચી સપાટી ૧૩૫૮.૦૪ ડૉલર પહોંચ્યા પછી સોમવારે ઘટી ૧૩૩૮ થયા બાદ ૧૩૪૦ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યા છે. કોમેકસ વાયદો ૧૩૪૬.૨૫ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે જે દિવસના નીચલા સ્તરથી વધેલો છે.

સોનાના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ ડૉલર આજે બે સપ્તાહની ઊંચી સપાટીએ છે અને બીજું કે ફેડરલ રિઝર્વની બેઠક અમેરિકામાં મંગળવારે શરૂ થશે એમાં વ્યાજદર ઘટાડવા અંગેનો સંકેત મળે છે કે નહીં એની બજાર રાહ જોઈ રહી છે.

દરમ્યાન ભારતીય બજારમાં એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩,૦૫૯ ખૂલી, ઉપરમાં રૂ. ૩૩,૧૪૦ અને નીચામાં રૂ. ૩૨,૮૮૬ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે રૂ. ૯૭ ઘટીને રૂ. ૩૨,૯૪૮ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે રૂ. ૨૯ વધીને ૮ ગ્રામદીઠ રૂ. ૨૬,૧૭૧ અને ગોલ્ડ-પેટલ જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે રૂ. ૬ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૩૨૭૨ થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૩ ઘટીને બંધમાં રૂ. ૩૨,૮૯૧ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ રૂ. ૩૭,૧૫૧ ખૂલી, ઉપરમાં રૂ. ૩૭,૨૨૩ અને નીચામાં રૂ. ૩૬,૯૫૦ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે રૂ. ૧ ઘટીને રૂ. ૩૭,૦૩૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન રૂ. ૯ ઘટીને રૂ. ૩૭,૦૫૧ અને ચાંદી-માઈક્રો જૂન રૂ. ૧ ઘટીને રૂ. ૩૭,૦૫૩ બંધ રહ્યા હતા.

ડૉલર મજબૂત

શુક્રવારે અમેરિકન અર્થતંત્ર હજુ મજબૂત છે એવા આંકડાઓ જાહેર થયા પછી ડૉલર બે સપ્તાહની ઊંચી સપાટીએ છે. બજારમાં અત્યારે સાવચેતીનો માહોલ છે કારણ કે આ સપ્તાહ દરમિયાન ફેડરલ રિઝર્વ, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઈંગ્લૅન્ડ પણ વ્યાજ અને ધિરાણ નીતિની સમીક્ષા કરી રહ્યા છે. આ બેઠકમાં વ્યાજદરની શક્યતા માત્ર ૨૧.૭ ટકા છે જયારે જુલાઈ મહિનામાં વ્યાજદર ઘટે તેવી શક્યતા ૮૫ ટકા લોકોએ વ્યક્ત કરી છે.

યેન સામે શુકવારે ૦.૧૫ ટકા વધેલો ડૉલર આજે લગભગ સ્થિર છે. પાઉન્ડ ડૉલર સામે ૧.૨૫૭૫ની સપાટી છે જે છેલ્લા પાંચ મહિનામાં સૌથી નીચી સપાટીએ છે. ડૉલર ઇન્ડેક્સ ૦.૧૭ ટકા ઘટી ૯૬.૯૦૩ ઉપર ચાલી રહ્યો છે.

ફેડરલ રિઝર્વના સંકેતો મહત્ત્‍વના

સોનાના ભાવમાં વધારા માટે હવે ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડે છે કે નહીં તે સૌથી મહત્વનું છે. વ્યાજદર ઘટવાનો સંકેત પણ બજારમાં ભાવને મજબૂત ટેકો આપશે. વ્યાજદર ઘટે તો ડૉલર નબળો પડે અને એવી સ્થિતિમાં સોનાના ભાવ વધી શકે છે. સતત ચાર સપ્તાહથી ભાવ વધી રહ્યા હોવાથી સોનાના ભાવ ઘટીને ૧૩૨૦ ડૉલર પ્રતિ ઔંસ પણ થઇ શકે છે પરંતુ એનાથી બજારમાં મોટી મંદી આવશે એવું ધારી લેનારો વર્ગ બહુ ઓછો છે. કોમેકસ ઉપર વાયદામાં લેણનું ઓળિયું વધી રહ્યું છે. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઇટીએફ દ્વારા ગુરુવારે ૭૫૯.૭૦ ટન સામે પોતાનું કુલ હોલ્ડિંગ શુક્રવારે વધારી ૭૬૪.૧૦ ટન કર્યું છે.

આ પણ વાંચોઃ અમેરિકાના મજબૂત આર્થિક ડેટા પછી પણ સોનું 14 મહિનાની ટોચે ટકી રહ્યું છે

બીજી તરફ, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વધારાની ૩૦૦ અબજ ડૉલરની ચીનની આયાત ઉપર ટેરીફ લાદે કે નહીં તે માટે અમેરિકાના રિટેલર્સ, ઉત્પાદકો અને અન્ય બિઝનેસ સંગઠન સાથે વ્યાપાર મંત્રાલય દ્વારા એક સપ્તાહ લાંબી મંત્રણા શરૂ કરી છે જે બજારમાં ટ્રેડ વૉરની આશા જીવંત રાખશે.

business news