અમેરિકાના મજબૂત આર્થિક ડેટા પછી પણ સોનું 14 મહિનાની ટોચે ટકી રહ્યું છે

Published: Jun 15, 2019, 11:41 IST | બુલિયન વૉચ | મુંબઈ

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં આજે ૧૪ મહિનાની ઊંચી સપાટી જોવા મળી હતી. બજારમાં એપ્રિલ ૨૦૧૮ની ૧૩૪૮ ડૉલરની સપાટી તોડી સોનું હાજર અને વાયદામાં સડસડાટ ૧૩૫૦ પાર કરી ગયું હતું.

ગોલ્ડ
ગોલ્ડ

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં આજે ૧૪ મહિનાની ઊંચી સપાટી જોવા મળી હતી. બજારમાં એપ્રિલ ૨૦૧૮ની ૧૩૪૮ ડૉલરની સપાટી તોડી સોનું હાજર અને વાયદામાં સડસડાટ ૧૩૫૦ પાર કરી ગયું હતું. હાજરમાં સોનું વધીને ૧૩૫૬ ડૉલર થયા પછી અમેરિકામાં આર્થિક ડેટા મજબૂત આવતા થોડો નફો બાંધવાની વૃત્તિએ અત્યારે ૧૩૪૭.૩૦ ડૉલર ચાલી રહ્યું છે. કૉમેકસ ઉપર વાયદો ૧૦.૯૦ ડૉલર વધી ૧૩૫૪.૬૦ પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે. વાયદામાં ભાવ એક તબક્કે ૧૩૬૧.૯૫ ડૉલર પહોંચી ગયા હતા.

અમેરિકામાં મે મહિનાના રિટેલના આંકડા મજબૂત આવ્યા હતા જ્યારે એપ્રિલના આંકડામાં પણ સુધારો કરી વૃદ્ધિ કરવામાં આવી હતી. બીજી તરફ મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો દર અપેક્ષા કરતાં બમણો આવ્યો હતો.

આગામી સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠક થવાની છે જેમાં વ્યાજદર અંગે નિર્ણય લેવાશે. છેલ્લા થોડા દિવસોમાં વ્યાજદર ઘટશે એવી અપેક્ષા વધી છે પણ જૂન મહિનાની બેઠકમાં આ નિર્ણય નહીં લેવાય એવું બધાનું માનવું છે. જોકે, ટ્રેડ વૉરના કારણે કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં વ્યાજદર ચોક્કસ બે વખત ઘટશે એવી અપેક્ષા ટ્રેડર્સ રાખી રહ્યા છે.

ભારતમાં માગ ઘટતાં હાજર સોનાનું ડિસ્કાઉન્ટ પાંચ મહિનાની ટોચે

વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા સોનાના વપરાશકર ભારત દેશમાં ભાવ વધે ત્યારે માગમાં ઘટાડો જોવા મળે છે. સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ૧૪ મહિનાની ઊંચી સપાટીએ ચાલી રહ્યા હોવાથી આયાતકાર અને સ્ટોકિસ્ટ ત્યારે ખરીદીથી દૂર થઈ રહ્યા છે તેના કારણે વૈશ્વિક ભાવ સામે ભારતમાં હાજર સોનાના ભાવમાં ડિસ્કાઉન્ટ પાંચ માસની ઊંચી સપાટી ૭ ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું છે. ગત સપ્તાહે માત્ર ૫૦ સેન્ટનું ડિસ્કાઉન્ટ ભારતીય બજારમાં ચાલી રહ્યું હતું. બીજી તરફ, ચીન અને સિંગાપોરમાં માગ ઘટી વધી રહી છે. અત્યારે કોઈ મોટી સીઝન નહીં હોવાથી ગ્રાહકની ખરીદી નરમ જોવા મળી રહી છે તેની અસરના કારણે પણ બજારમાં સુસ્તી છે એવું ડીલર્સ જણાવી રહ્યા છે.

દરમિયાન ચીનમાં પ્રીમિયમ ગત સપ્તાહની ૭ ડૉલરની સપાટીથી વધી ૧૦ ડૉલર થઈ ગયું છે અને સિંગાપોરમાં તે વધીને ૭૦ સેન્ટ થઈ ગયું છે.

ભારતમાં સોનાનો વાયદો ચાર મહિનાની ઊંચી સપાટીએ

વૈશ્વિક બજારની પડખે ભારતમાં પણ સોનાનો ભાવ ઊંચકાયો હતો. ભાવ વધવાની સાથે રૂપિયો પણ નબળો રહેવાથી વૃદ્ધિની અસર વધારે જોવા મળતી હતી. એમસીએક્સ ઉપર સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૨,૯૮૦ ખૂલી, ઉપરમાં રૂ. ૩૩,૩૪૪ અને નીચામાં રૂ. ૩૨,૯૮૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે રૂ. ૩૫૨ વધીને રૂ. ૩૩,૩૧૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે રૂ. ૧૬૩ વધીને ૮ ગ્રામદીઠ રૂ. ૨૬,૩૩૮ અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૭ વધીને ૧ ગ્રામદીઠ રૂ. ૩૨૯૪ થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૨૦ વધીને બંધમાં રૂ. ૩૩૨૦૪ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૩૭,૧૫૧ ખૂલી, ઉપરમાં રૂ. ૩૭,૫૯૫ અને નીચામાં રૂ. ૩૭,૧૩૮ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે રૂ. ૪૦૨ વધીને રૂ. ૩૭,૫૦૭ બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન રૂ. ૪૦૦ વધીને રૂ. ૩૭,૫૨૨ અને ચાંદી-માઈક્રો જૂન રૂ. ૪૦૦ વધીને રૂ. ૩૭,૫૨૩ બંધ રહ્યા હતા.

આ પણ વાંચો : Airtel ને પછાડી Reliance Jio બન્યું બાદશાહ

દરમિયાન મુંબઈ હાજર બજારમાં સોનું ૯૯૯ રૂ. ૪૧૮ વધી રૂ. ૩૩,૨૦૪  પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૯૯૯ રૂ. ૬૩૫ વધી રૂ. ૩૭,૩૮૫ પ્રતિ કિલો બંધ આવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK