આ સમયે સ્ટૉક્સમાં રોકાણ કરવામાં અત્યંત કાળજી રાખવાની જરૂર છે

06 May, 2019 12:27 PM IST  |  મુંબઈ | બ્રોકર-કૉર્નર - દેવેન ચોકસી

આ સમયે સ્ટૉક્સમાં રોકાણ કરવામાં અત્યંત કાળજી રાખવાની જરૂર છે

દલાલ સ્ટ્રીટ

દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રની કામગીરી વર્ષાનુવર્ષ ધોરણે માર્ચ મહિનામાં સુધરી હોવાથી અર્થતંત્રમાં ગતિશીલતા આવી હોવાનું કહી શકાય. ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો હિસ્સો ૪૦ ટકા છે. અન્ય સકારાત્મક બાબત ગયા એપ્રિલ મહિનાનું જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)નું કલેક્શન છે. જીએસટીનો અમલ થયા બાદનું અત્યાર સુધીનું સૌથી વધુ મન્થ્લી કલેક્શન ગયા એપ્રિલમાં ૧.૧૪ લાખ કરોડ રૂપિયા આવ્યું હતું. હાલમાં પરિણામોની મોસમ ચાલી રહી છે અને લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કા ચાલી રહ્યા છે એથી આગામી દિવસોમાં બજારમાં વધુ ચંચળતા રહેવાની ધારણા છે.

વૈશ્વિક વહેણ

આ વર્ષે અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે ઇક્વિટીમાં કામગીરી નોંધપાત્ર રીતે સારી રહી છે. યેન, સ્વિસ ફ્રાન્ક અને સોના જેવી સલામત ગણાતી ઍસેટમાં તુલનાત્મક રીતે કામગીરી નબળી રહી છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક જેવી મધ્યવર્તી બૅન્કોએ લીધેલાં પગલાંને લીધે શૅરબજારનું માનસ સુધર્યું છે.

વિશ્વના બીજા ક્રમાંકના સૌથી મોટા અર્થતંત્ર ચીનની વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વૉર્ટરની કુલ રાષ્ટ્રીય પેદાશ ૬.૪ ટકાના દરે વધી છે. આ દર અપેક્ષા કરતાં વધારે છે. નોંધનીય છે કે ચીનનો મુખ્ય શાંઘાઈ ઇન્ડેક્સ ગયા વર્ષે ૨૫ ટકા ઘટ્યા બાદ આ વર્ષે અત્યાર સુધીમાં આશરે ૨૯ ટકા વધ્યો છે.

ભારત વિશ્વનાં મુખ્ય અર્થતંત્રોમાં વૃદ્ધિની દૃષ્ટિએ મોખરે રહે એવા સંજોગો છે. દેશમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સનો અમલ થયા બાદ હવે એની મહેસૂલી આવક પણ વધી રહી છે. એ ઉપરાંત શ્રમ સંબંધી અને જમીન સંબંધી સુધારાઓનો પણ અમલ કરવામાં આવ્યો છે.

ક્ષેત્રવાર અંદાજ

પૅસેન્જર વાહનોના સેગમેન્ટને બાદ કરતાં એકંદરે ઑટોમોબાઇલ ઉદ્યોગની કામગીરી આગામી સમયમાં સારી રહેવાનો અંદાજ છે. બજાજ ઑટોએ અપનાવેલા સ્માર્ટ વ્યૂહને પગલે એનો બજારહિસ્સો વધવાની સંભાવના છે. તેણે નિકાસની માર્કેટમાં પણ મજબૂત સ્થાન બનાવ્યું છે. એનાં નવાં લૉન્ચિસ તથા આગામી વાહનોને લીધે બજારમાં એનાં વાહનોનું પ્રમાણ વધશે. ગયા એપ્રિલમાં બજાજ ઑટોનાં વાહનોનું વેચાણ ૪.૩૨ લાખ યુનિટ્સ થયું હતું. પાછલા વર્ષે સમાન અરસામાં એનું પ્રમાણ ૪.૧૫ લાખ યુનિટ્સ હતું. કમર્શિયલ સેગમેન્ટમાં અશોક લેલૅન્ડ અને તાતા મોટર્સ અગ્રણી છે. આ કંપનીઓનું સેલ્સ વર્તમાન નાણાકીય વર્ષમાં વધવાની શક્યતા છે. સ્ક્રૅપેજની નીતિ અને ભારત સ્ટાન્ડર્ડ ૬નાં ધોરણોની પણ આ બન્ને કંપનીઓ પર સાનુકૂળ અસર થશે. અશોક લેલૅન્ડે ગયા વર્ષના એપ્રિલમાં થયેલા ૧૨,૬૭૭ વાહનોના વેચાણની તુલનાએ ગયા એપ્રિલમાં ૧૩,૬૨૬ વાહનો વેચ્યાં હતાં.

ભાવિ દિશા

ચૂંટણીઓને કારણે સ્થાનિક શૅરબજારમાં હજી પણ ભાવચંચળતા છે. ઘણા સ્ટૉક્સમાં પહેલેથી જ ચૂંટણીનાં પરિણામોનાં અપેક્ષિત પરિણામની અસરને સમાવી લેવાઈ છે. આથી આ સમયે રોકાણ કરવામાં અતિશય કાળજી લેવાની જરૂર છે. જો બજાર નીચા મથાળે તક આપશે તો ચોક્કસપણે ખરીદી જામશે. જો વર્તમાન માર્કેટ સ્થિતિમાં સ્ટૉક્સના ભાવ પડે તો એનો અર્થ એવો જરાય નહીં થાય કે અત્યાર સુધી સકારાત્મક દેખાતી પરિસ્થિતિ નકારાત્મક બની ગઈ છે. કંપનીદીઠ ફોકસ રાખવું જરૂરી છે.

આ પણ વાંચો : બજારની તેજ ગતિ સામે વૉલેટિલિટીનાં સ્પીડબ્રેકર

સારી ગુણવત્તાવાળા સ્ટૉક્સમાં વધુપડતો ઘટાડો આવી જાય તો આ ચંચળતાભર્યા બજારમાં ખરીદીની સારી તક મળી કહેવાશે.

(લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે)

sensex bombay stock exchange national stock exchange