Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારની તેજ ગતિ સામે વૉલેટિલિટીનાં સ્પીડબ્રેકર

બજારની તેજ ગતિ સામે વૉલેટિલિટીનાં સ્પીડબ્રેકર

06 May, 2019 12:22 PM IST | મુંબઈ
શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

બજારની તેજ ગતિ સામે વૉલેટિલિટીનાં સ્પીડબ્રેકર

બીએસઈ

બીએસઈ


ગયા સોમવારે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ભાગમાં મતદાનનો દિવસ હોવાથી શૅરબજાર બંધ રહ્યું હતું. મંગળવારે બજારે રોલર કોસ્ટર ચાલ બતાવી હતી. શરૂમાં નેગેટિવ ખૂલીને સવા બસો પૉઇન્ટથી વધુ માઇનસ થયા બાદ બજાર બંધ થતાં પહેલાં લેવાલી નીકળતાં રિકવરી થઈ હતી, જેમાં એચડીએફસી અને એચડીએફસી બૅન્ક તેમ જ આઇટી સ્ટૉક્સે મહત્વની ભૂમિકા ભજવી હતી. પરિણામે સેન્સેકસ માત્ર ૩૬ પૉઇન્ટ અને નિફટી માત્ર છ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. જોકે માર્કેટ બ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. ક્રૂડના ભાવ સાધારણ હળવાં થતા રૂપિયો ડૉલર સામે રિકવર થયો હતો, જેની પણ રિકવરી રૂપે અસર હતી. બુધવારે મહારાષ્ટ્ર દિન-ગુજરાત દિન નિમિત્તે તેમ જ લેબર ડે નિમિત્તે બજાર બંધ રહ્યું હતું.

ગુરુવારે બજારમાં વૉલેટિલિટી જોવા મળી હતી. બજાર સતત પ્લસ-માઇનસ થયા કરી અંતમાં સેન્સેકસ ૫૦ પૉઇન્ટ અને નિફટી ૨૩ પૉઇન્ટ નીચે બંધ રહ્યા હતા. આ નવર્સનનેસનાં કારણોમાં ઉત્પાદન પ્રવૃત્તિ નબળી પડવાનું કારણ પણ સામેલ હતું, જે ઇલેક્શન માહોલને લીધે નબળી પડી હતી. વધુમાં ઑટો સેક્ટરની નબળાઈની પણ અસર હતી. સેન્સેકસ ૩૯ હજારની નીચે ઊતરી ગયો હતો, પણ નિફટી ૧૧,૭૦૦ ઉપર ટકી રહ્યો હતો. યુએસ હાલ રેટકટનો વિચાર કરતું નથી એ પરિબળે પણ બજારમાં પૉઝિટિવ અસર કરી હતી. શુક્રવારે સપ્તાહના આખરી દિવસે બજાર એ જ સાધારણ વધઘટવાળી ચાલ સાથે નજીવા ઘટાડે બંધ રહ્યું હતું. સેન્સેકસ ૧૮ પૉઇન્ટ અને નિફટી ૧૨ પૉઇન્ટ માઇનસ રહ્યા હતા. ઇન શૉર્ટ, સમગ્ર સપ્તાહમાં માર્કેટ કૉન્સોલિડેશન મોડમાં પ્રવેશી રહ્યું હતું. સેન્સેકસના ૪૦ હજાર માટે હજી દિલ્હી દૂર હોવાનું જણાય છે. આગામી સપ્તાહમાં પણ વધઘટવાળી ચાલ જ જોવા મળે તો નવાઈ નહીં. માર્કેટમાં ત્રણ પરિબળ મુખ્યત્વે કામ કરી રહ્યાં છે. ઇલેક્શન, ગ્લોબલ અને કૉર્પોરેટ અર્નિંગ્સ. ઇન્વેસ્ટરોએ હાલ તો આ પરિબળો પર ધ્યાન આપવાનું છે.



બેઠકોની કોની જીત અને ઇન્ડેકસની ધારણા


જો ભાજપને આ વખતની ચૂંટણીમાં ૨૭૨ પ્લસ બેઠકો મળશે તો નિફટી ૧૫,૦૦૦ પાર કરી જશે, જો એનડીએને ભાજપ અને સાથી પક્ષો મળીને ૨૭૨ પ્લસ બેઠક આવી તો નિફટી ૧૨,૦૦૦ પાર કરશે, જો યુપીએને ૨૭૨ પ્લસ સીટ્સ મળી તો નિફટી ૧૦૦૦૦ સુધી જશે અને યુપીએ તેમ જ યુનાઇટેડ ફ્રન્ટ (યુએફ) મળીને ૨૭૨ પ્લસ સીટ્સ થશે તો નિફટી ૮૦૦૦ના લેવલે પહોંચી જશે. જો યુનાઇટેડ ફ્રન્ટ ૨૭૨ પ્લસ બેઠકો મેળવશે તો નિફટી તૂટીને ૬૦૦૦ના લેવલે આવી જશે. આવી એક ધારણા બજારમાં ફરતી થઈ છે.

ચૂંટણીનાં પરિણામનો આશાવાદ


આપણા દેશમાં ચૂંટણીનાં પરિણામ બજાર પર અસર કરતાં હોય છે. અલબત્ત, એ અસર ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની રહે એ પરિણામ પર આધાર રાખે છે. આ વખતે આશાવાદ ઊંચો છે, પણ સાથે-સાથે અનિશ્રિતતાની શક્યતા પણ ઊભી છે. ફૉરેન ઇન્વેસ્ટરો જે છેલ્લા બે મહિનાથી આશાવાદને લીધે સતત ખરીદી કરી રહ્યા છે તે સ્થિર સરકાર નહીં આવે તો વેચવાલી પણ એટલા જ જોરથી કરશે એવું ચોક્કસ માની શકાય. ભારતની ચૂંટણીનું પરિણામ તો મે મહિનાના ચોથા સપ્તાહમાં આવી જશે. જ્યારે કે કેટલાક ઊભરતા દેશોની ચૂંટણીનાં પરિણામ ડિસેમ્બર સુધીમાં આવશે, જેમાં થાઇલૅન્ડ, સાઉથ આફ્રિકા અને ઇન્ડનેશિયાનો સમાવેશ થાય છે. વિદેશી રોકાણનો પ્રવાહ એ મુજબ ફંટાશે.

કૉર્પોરેટ કડાકા અને આંચકા

અનિલ અંબાણી ગ્રુપની વધુ બે કંપનીઓનાં ડેટ સાધનોના રેટિંગને ડાઉનગ્રેડ કરાયું છે, જેમાં રિલાયન્સ હોમ ફાઇનૅન્સ અને રિલાયન્સ કમર્શિયલ ફાઇનૅન્સનો સમાવેશ થાય છે. આની સીધી અસર આ સાધનોમાં રોકાણ કરનાર મ્યુચ્યુઅલ ફંડ તેમ જ નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ પર પડી શકે છે. એક તરફ મ્યુચ્યુઅલ ફંડ્સ જેટ ઍરવેઝ, ઝી-એસ્સેલ ગ્રુપ વગેરેના રોકાણથી પરેશાન છે ત્યાં આવી વધુ મુસીબત તેમની દશા વધુ કપરી કરી શકે છે કે તેમની વધુ કસોટી લઈ શકે છે. કૉર્પોરેટ સેક્ટરમાં આવા આંચકા અત્યાર સુધી બૅન્કોને વધુ પડતા રહ્યા છે, હવે આવા આંચકાનો સામનો કરવાનો વારો એનબીએફસી અને મ્યુચ્યુઅલ ફંડ્સનો પણ આવી ગયો છે. આની પરોક્ષ અસર રીટેલ રોકાણકારો પર પણ પડે છે.

ઇન્ટરનૅશનલ ફંડની સારી કામગીરી

ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સની ઇન્ટરનૅશનલ સ્કીમ કે ફંડ્સ હાલમાં સારી કામગીરી બજાવી રહ્યાં છે. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સની આશરે ૩૦થી વધુ ઇન્ટરનૅશનલ સ્કીમ ચાલી રહી છે, જેણે છેલ્લા ત્રણ મહિનામાં સારું વળતર આપ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં સેન્સેક્સ ૮ ટકા વધ્યો છે તો યુએસ એસ ઍન્ડ પી ઇન્ડેકસ ૧૦ ટકા અને નાસ્ડેક કૉમ્પોઝિટ ઇન્ડેકસ ૧૩ ટકા વધ્યો છે, જ્યારે કે ચીનનો બ્રૉડ માર્કેટ ઇન્ડેકસ ૨૨ ટકા ઊંચો ગયો છે. આમ ભારતની તુલનાએ યુએસ તથા ચીનના માર્કેટમાં વધુ સારું વળતર ગયા ત્રણ મહિનામાં ઊપજ્યું છે. પરિણામે ગ્લોબલ ફંડ ઑફર કરનાર ભારતીય મ્યુચ્યુઅલ ફંડ સારું વળતર મેળવી શક્યા છે. આ ફંડ્સમાં એડલવાઇઝ ગ્રેટર ચાઇના ઈક્વિટી ફંડ, મોતીલાલ ઓસવાલ નાસ્ડેક ૧૦૦ ઈટીએફ, ફ્રેન્કલિન યુએસ ઑપોચ્યુર્નિ ટી ફંડ, સુંદરમ વર્લ્ડ બ્રૅન્ડ અને એચએસબીસી ગ્લોબલ કન્ઝ્યુમર ઑપોર્ચ્યુનિટી ફંડનો સમાવેશ થાય છે.

એશિયા ફોકસ ફંડનું ધ્યાન ભારત

આની સામે ઇન્ડિયા ડેડિકેટેડ ફંડ તરફથી ભારતમાંથી માર્ચ મહિનામાં ૪૦૦ મિલ્યન ડૉલરનું ફંડ પાછું ખેંચાયું છે, જ્યારે કે જાન્યુઆરીથી માર્ચ એમ ત્રણ મહિનામાં ૧.૪ અબજ ડૉલરનું ફંડ પાછું ખેંચાયું હોવાનું નોંધાયું છે. જોકે કોટક સિક્યોરિટીઝના અભ્યાસ મુજબ જપાનને બાદ કરતાં એશિયા ફોકસ ફંડમાંથી માર્ચમાં ભારતીય માર્કેટને ૧૩ ટકા વધુ ફાળવણી થઈ હતી, જે ૨૦૧૯માં સૌથી વધુ હતી, જ્યારે કે ગ્લોબલ ઇમર્જિંગ માર્કેટ ફંડ્સનું પણ દસ ટકા રોકાણ આવ્યું હતું, જે ચાલુ નાણાકીય વરસમાં સૌથી ઊંચું છે. આ અભ્યાસ પ્રમાણે વિદેશી રોકાણકારો તેમનું ફંડ સાઉથ કોરિયાથી ભારત તરફ વાળી રહ્યાં છે.

સ્ટૉક સ્પેસિફિક

એવિયેશન સેક્ટરમાં હજી અનિશ્રિતતાની સ્થિતિ ચાલુ છે, જેથી આ શૅરોમાં રોકાણ કરવામાં મૂંઝવણ પ્રવર્તે છે. જોકે ઇન્ડિગો અને સ્પાઇસ જેટ પર નજર રહે છે.

રૂપિયાની નબળાઈને લીધે ચોક્કસ આઇટી શૅર તેમ જ ફાર્મા શૅર માટે તક વધવાની આશા છે, એનએસઇએલના કેસમાં તેનું પેરન્ટ કંપની ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીસ સાથે મર્જર કરવાની સરકારની અરજીને સુપ્રીમ ર્કોટે નકારી કાઢતાં આ કંપનીના શૅરના ભાવમાં ઉછાળો આવ્યો હતો. કંપનીમાં હવે પછી રોકાણકારોનો રસ વધવાની શક્યતા રહેશે.

આ પણ વાંચો : એલચીમાં આસમાની તેજી : ભાવ ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા

મંગળવારે વાડિયા ગ્રુપ જુદા કારણસર ચર્ચામાં હતું. તેના ડિરેક્ટર નેસ વાડિયા પરના ગંભીર (ડ્રગ્સ સંબંધી) આક્ષેપની અસર કંપનીના શૅર પર પડી હતી.

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2019 12:22 PM IST | મુંબઈ | શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK