ડૉલરમાં વિસ્ફોટક તેજી, રૂપિયો ૮૧.૪૪ના સ્તરે ઑલટાઇમ લો

26 September, 2022 04:26 PM IST  |  Mumbai | Biren Vakil

પાઉન્ડ ૪૦ વર્ષના તળિયે : બૉન્ડ, કરન્સી, ઇમર્જિંગ ફૉરેક્સમાં ધાણીફૂટ વેચવાલી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

બુધવારે ફેડે ૭૫ બે​સિસ પૉઇન્ટ વ્યાજદર વધારતાં અને બૅલૅન્સશીટના કદમાં મોટો ઘટાડો કરવાના સંકેત આપતાં ડૉલરમાં વિસ્ફોટક તેજી શરૂ થઈ છે. ડૉલર ઇન્ડેક્સ ૨૦ વરસની ઊંચી સપાટી ૧૧૩ થયો છે. પાઉન્ડ, યુરો, યુઆન, કોરિયા વૉન સહિત લગભગ તમામ કરન્સી ડૉલર સામે ધરાશાયી થઈ ગઈ છે. અત્યાર સુધી મજબૂત રહેલી નૉર્ડિક કરન્સી જેવી કે સ્વીડશ ક્રોના, ફિનિશ માર્ક વગેરે પણ ડૉલર સામે તૂટી છે. રૂપિયો ૮૧.૪૪ના સ્તરે ઑલટાઇમ લો થઈ ગયો છે. ૮૦-૮૦.૨૦ના મથાળે રિઝર્વ બૅન્કની દરમ્યાનગીરી ન આવતાં આયાતકારોનું શૉર્ટ-કવરિંગ આવવાથી રૂપિયો ગુરુવારે ૯૦ પૈસા તૂટ્યો હતો. ઑફશૉર બજારમાં શુક્રવારે રાતે રૂપિયો ૮૧.૪૪ થઈ છેલ્લે ૮૧.૨૪ બંધ હતો. બે દિવસમાં રૂપિયો ૧૫૦ પૈસા તૂટ્યો હતો.

રિઝર્વ બૅન્ક છેલ્લા થોડા સમયથી ૭૯.૯૦-૮૦ના લેવલે ડૉલર વેચતી હતી. રૂપિયાની મંદી ધીમી પાડવામાં પાછલા નવ માસમાં ફૉરેક્સ રિઝર્વ અંદાજે ૮૦ અબજ ડૉલર ઘટતાં અને વૈશ્વિક મંદીની આશંકા, ડૉલરની અછત સર્જાવાની ભીતિ, કૅપિટલ આઉટફ્લો સામે તકેદારી અને રૂપિયાની નિકાસ સ્પર્ધાત્મકતા જાળવવા કદાચ રિઝર્વ બૅન્કે હાલપૂરતું વેઇટ ઍન્ડ વૉચની નીતિ અપનાવી હશે. બધા જ એશયાઈ ચલણ તૂટતાં હોય ત્યારે રૂપિયો મજબૂત રહે તો દેશમાં આયાતી માલોનું ડમ્પિંગ વધે અને આપણો માલ ખપે નહીં. ઘરઆંગણે મેક્રો ઇકૉનૉમિક પરિબળો થોડાં સપોર્ટિવ છે. ટૅક્સ અને જીએસટી કલેક્શનમાં મોટો ઉછાળો છે. જીડીપી વિકાસદર પણ ઘણો સારો છે, પણ બાહ્ય પરિબળો ચિંતાકારક છે. રશિયા-યુક્રેન વૉર ઘણી લાંબી ચાલી. ચીનમાં પાંચ-છ મહિના મોટાં શહેરોમાં લૉકડાઉન રહ્યા પછી આર્થિક મંદી ઘેરાઈ છે. ચીની-તાઇવાન તનાવ અને આગામી ૧૬ ઑક્ટોબરે પૉલિટ બ્યુરોની બેઠક મળશે એમાં મોટા ફેરફરોની અટકળો ચાલે છે. સાઉથ ઈસ્ટ એશિયાઈ કરન્સી સતત તૂટી રહી છે. આ સંજોગોમાં રૂપિયામાં બાહ્ય પરિબળોની નકારાત્મક અસરથી નોંધપાત્ર ઘટાડાની શક્યતા છે. શુક્રવારે રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં ૨૫-૪૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરે એવી અપેક્ષા છે.વૈશ્વિક બજારોની વાત કરીએ તો યુરોપિયન કરન્સીમાં કારમી મંદી થઈ છે. આ વરસે સૌથી કંગાળ દેખાવ પાઉન્ડનો છે. ગત સપ્તાહે પાઉન્ડ ૫૦૦ બેસિસ પૉઇન્ટ તૂટીને ૧.૦૮૪૦ થઈ ગયો છે. હવે તો પાઉન્ડમાં પણ પૅરિટીની વાતો શરૂ થઈ છે. પાઉન્ડ ૧૯૭૨માં ૨.૬૪૪૦ હતો એ આજે ૧.૦૮૩૦ થઈ ગયો છે. યુરો ડૉલર રેટ ૦.૯૭ની સપાટી તોડી ૦.૯૬૯૦ થઈ ગયો છે. વીક-એન્ડમાં રશિયા પૂર્વ યુક્રેનમાં રેફરેન્ડમ કરવાનું છે. હાર ભાળી ગયેલા પુતિને અણુશસ્ત્રની ચીમકી ઉચ્ચારી છે. યુરોપમાં સ્ટૅગફ્લેશન રિસ્ક વધ્યાં છે. યુરો પર બ્રેક-અપનાં જોખમો પણ વધ્યાં છે. અમેરિકાએ છ માહિનામાં પાંચ વાર વ્યાજદર વધાર્યા છે. ફેડ ફુગાવો ડામવા કોઈ પણ હદે જવા માગે છે. વ્યાજદર વધારાની અસર ઓછી પડે તો ફિસ્કલ ઇન્ટરવેન્શન કરી નાણાંપુરવઠો ઘટાડીને પણ ફુગાવો રોકવો-ભલે મંદી આવે. પૉવેલે બૅલૅન્સશીટનું કદ ઘટાડાવાની વાત કરી છે. મતલબ કે બજારમાંથી ડૉલર લિ​​ક્વિડિટી ઓછી થતાં ડૉલરની અછત સર્જાશે. કૅપિટલ આઉટફ્લો રોકવા વિશ્વભરમાં વ્યાજદર વધારાની હરીફાઈ શરૂ થઈ ચૂકી છે. ડૉલર સિવાય તમામ કરન્સી મંદીની લપેટમાં છે. યુક્રેન વૉર, ચાઇના લૉકડાઉન અને ફેડનું ટાઇટનિંગ-હાલની મંદી એક અર્થમાં માનવસર્જિત મંદી છે. એશિયામાં ચીની યુઆન ૭.૧૨ થઈ ગયો છે. ડૉલરની સ્ફોટક તેજીથી ઘણી ખરી ડૉલર લિન્ક કરન્સીઝ, ખાસ કરીને ગલ્ફ કરન્સી, હૉન્ગકૉન્ગ ડૉલર, યુઆનમાં અણધાર્યા સ્વિંગ આવી શકે. 

વૈશ્વિક બૉન્ડ બજારમાં કારમી મંદી છે. અમેરિકામાં ૧૦ વરસનાં બૉન્ડ અને ૩૦ વરસનાં બૉન્ડ યીલ્ડ વચ્ચે ડીપ ઇન્વર્ઝન છે જે વૈશ્વિક મંદીની શક્યતા બતાવે છે. ભારતમાં ૧૦ વરસનાં બૉન્ડ તૂટીને ૭.૩૯ થયાં છે. અમેરિકામાં બે વરસનાં યીલ્ડ ૪.૨૦ અને ૧૦ વરસનાં યીલ્ડ ૩.૬૮ ટકા છે. કરન્સી અને ઇન્ટરેસ્ટ વૉર વધવાથી આગામી બે-ત્રણ મહિના ઇમર્જિંગ બજારો, કૉમોડિટીઝ, બૉન્ડ બજારોમાં વૉલેટિલિટી ચરમસીમાએ પહોંચશે. હાલના તબક્કે કોઈ લેવલ આપવા શક્ય નથી. બ્રૉડ રેન્જ જોતાં રૂપિયામાં રેન્જ ૭૯.૫૦-૮૨.૫૦, પાઉન્ડ ૧.૦૬-૧.૧૨૦૦, યુરો ૦.૯૨૦૦-૧.૦૨૦૦૦, યેન ૧૩૭-૧૫૩, યુઆન ૭.૦૫-૭.૨૦, ડૉલેક્સ ૧૦૮-૧૧૮ ગણી શકાય. 

business news commodity market reserve bank of india