સાંકડી વધઘટ વચ્ચે શૅરબજારમાં ઘટાડોઃ ભારતી ઍરટેલ, વોડાફોન વધ્યા

19 November, 2019 10:50 AM IST  |  Mumbai

સાંકડી વધઘટ વચ્ચે શૅરબજારમાં ઘટાડોઃ ભારતી ઍરટેલ, વોડાફોન વધ્યા

વોડાફોન અને એરટેલ (PC : Jagran)

ભારતીય શૅરબજાર માટે ગઈ કાલનો દિવસ સામાન્ય રહ્યો હતો. દિવસભર સાંકડી વધઘટ અને સ્ટૉક સ્પેસિફિક કામકાજ જોવા મળ્યું હતું. જુલાઈથી સપ્ટેમ્બરના ક્વૉર્ટરનાં પરિણામોની મોસમ પૂરી થઈ જતાં કોઈ મોટા સમાચાર પણ હતા નહીં. હવે થોડા દિવસ બજારની નજર વૈશ્વિક પરિબળ આધારિત જ રહે એવી શક્યતા છે. દિવસના અંતે સેન્સેક્સ ૭૨.૫૦ પૉઇન્ટ કે ૦.૧૮ ટકા ઘટી ૪૦,૨૮૪.૧૯ અને નિફ્ટી ૧.૨૦ પૉઇન્ટ ઘટી ૧૧,૮૯૪.૨૫ની સપાટીએ બંધ આવ્યા હતા. મેટલ્સ અને ફાર્મા કંપનીઓમાં વૃદ્ધિ જોવા મળી હતી તો સામે એફએમસીજી અને ઑટો કંપનીઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ સેક્ટરમાં ત્રણ ઘટીને બંધ આવ્યાં હતાં. સૌથી વધુ વૃદ્ધિ મેટલ્સ અને બૅન્કિંગમાં જોવા મળી હતી. એક્સચેન્જ પર ૨૬ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૮૩ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૦૦ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૪૦ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૫૮ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૧૪૫ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૭૬ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૮૮માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૨૭ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૪૪ ટકા વધ્યા હતા. મુખ્ય ઇન્ડેક્સની કંપનીઓમાં ભારતી ઍરટેલ વધ્યો હતો તો સામે રિલાયન્સ, એચડીએફસી બૅન્ક, ટીસીએસ, લાર્સન અને એશિયન પેઇન્ટ ઘટ્યા હતા.

મેટલ્સ શૅરોમાં ખરીદી
અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સંધિ આગળ વધી રહી છે એવા અહેવાલ વચ્ચે શુકવાર સુધી સતત ૬.૦૨ ટકા ઘટેલા નિફ્ટી મેટલ્સના શૅરમાં આજે ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મેટલ્સ આજે ૧.૭૯ ટકા વધીને બંધ આવ્યા હતા. ચીને પોતાનું અર્થતંત્ર ફરી બેઠું કરવા માટે ટૂંકા ગાળાના વ્યાજ ઘટાડ્યા હોવાથી પણ ખરીદી જોવા મળી હતી. આજે હિન્દાલ્કો ૨.૯૮ ટકા, સ્ટીલ ઑથોરિટી ૨.૬૧ ટકા, જેએસડબ્લ્યુ ૨.૦૪ ટકા, જિન્દલ સ્ટીલ ૧.૨૨ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ૧.૧૮ ટકા, હિન્દુસ્તાન કૉપર ૧.૦૭ ટકા, વેદાન્ત ૦.૯૧ ટકા, નાલ્કો ૦.૫૯ ટકા વધ્યા હતા. ક્રેડિટ રેટિંગ યથાવત્ રહેતાં તાતા સ્ટીલ પણ ૪.૦૧ ટકા વધ્યો હતો.

ઍરટેલ અને વોડાફોનમાં તેજી
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુકવારે જણાવ્યું હતું કે પોતે કોઈ પણ ટેલિકૉમ કંપની બંધ થાય એવું ઇચ્છતા નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દેવા હેઠળ જ્યારે આ ક્ષેત્ર છે ત્યારે સરકાર એને ટેકો પણ આપશે. આ જાહેરાતના પગલે વોડાફોન આઇડિયાનો શૅર ૨૧.૪૭ ટકા વધી ૪.૪૭ રૂપિયા અને ભારતી ઍરટેલ ૪.૦૬ ટકા વધી ૪૦૯.૧૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા. ભારતી ઍરટેલનો શૅર એક તબક્કે ૪૨૦ રૂપિયા થઈ ગયો હતો જે છેલ્લા ૨૧ મહિનાની ઊંચી સપાટી છે. એટલે કે જિયો બજારમાં આવ્યું એ પહેલાંની સપાટીએ ઍરટેલના શૅરના ભાવ થઈ ગયા હતા. બીજી તરફ અનિલ અંબાણીએ પોતાની ફડચામાં જઈ રહેલી કંપની રિલાયન્સ કમ્યુનિકેશનમાંથી રાજીનામું આપ્યું હોવાથી શૅરના ભાવ આજે ૩.૩૯ ટકા ઘટી ૦.૫૭ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા.

ગ્લૅનમાર્કને તેજીનો ડૉઝ
વિદેશી બ્રોકરેજ સીએલએસએ દ્વારા આજે ગ્લૅનમાર્ક ફાર્માના શૅર ખરીદવાની પોતના ગ્રાહકોને સલાહ આપી હતી અને કંપનીના શૅરનો લક્ષ્યાંક વધારી ૪૧૦ રૂપિયા કર્યો હતો. આજે શૅર ૨૧.૩૫ ટકા વધી ૩૬૫.૫૦ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા. કેડિલા હેલ્થના શૅર પણ ૩૦૯ ટકા વધી ૨૪૧.૬૦ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા, કારણ કે કંપનીની આર્થરાઇટીસની સારવારમાં વપરાતી એક દવાને અમેરિકન ડ્રગ રેગ્યુલેટરે મંજૂરી આપી હતી. યુનીકેમ લૅબના ભાવ પણ ૪.૩૦ ટકા વધી ૧૫૬.૩૦ રૂપિયા બંધ આવ્યા હતા.

પરાગ મિલ્કમાં તેજી
પરાગ મિલ્કમાં કંપનીના પ્રમોટરે હિસ્સો વધાર્યો હોવાના અહેવાલ વચ્ચે ગઈ કાલે શૅરનો ભાવ ૧૫.૧૧ ટકા વધી ૧૪૫.૯૦ રૂપિયા બંધ આવ્યો હતો. અગાઉ ગઈ કાલે જ કંપનીના ભાવ ૧૨૫ રૂપિયાની પોતાના ઇતિહાસની સૌથી નીચી સપાટીએ પટકાયા હતા. ફાઉન્ડર દેવેન્દ્ર શાહે પોતાનો હિસ્સો ૦.૨૪ ટકા વધાર્યો હતો.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

ડિસઇન્વેસ્ટમેન્ટના અહેવાલથી ભારત પેટ્રો વધ્યો
માર્ચ ૨૦૨૦ સુધીમાં ભારત પેટ્રોલિયમ અને ઍર ઇન્ડિયામાં સરકાર પોતાનો હિસ્સો વેચવાની પ્રક્રીયા પૂર્ણ કરશે એવી નાણાપ્રધાનની એક અખબારને આપેલી મુલાકાતમાં જાહેરાતના પગલે શૅર આજે વધુ ૩.૦૯ ટકા વધી ૫૨૧.૫૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા.

business news vodafone airtel