બેંગલુરુ લક્ઝરી હૉમ્સના ભાવની વૃદ્ધિમાં 4 ક્રમાંક સરક્યું : દિલ્હી અને મુંબઈમાં પણ કિંમતો ઘટી ગઈ

07 May, 2021 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેંગલુરુમાં હવે લક્ઝરી રહેણાંક પ્રોપર્ટીના ભાવ પહેલાં જેવા રહ્યા નહીં હોવાનું રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઇટ ફ્રાન્કે જણાવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

બેંગલુરુમાં હવે લક્ઝરી રહેણાંક પ્રોપર્ટીના ભાવ પહેલાં જેવા રહ્યા નહીં હોવાનું રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઇટ ફ્રાન્કે જણાવ્યું છે. નાઇટ ફ્રાન્કે તેના અહેવાલ - પ્રાઇમ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ ક્વૉર્ટર ૨૦૨૧માં કહ્યું છે કે બેંગલુરુ વાર્ષિક ભાવવૃદ્ધિના માપદંડ પર ચાર ક્રમાંક નીચે ઊતરીને વૈશ્વિક સ્તરે ૪૦મા ક્રમાંકે પહોંચી ગયું છે. નવી દિલ્હી અને મુંબઈ પણ ૧-૧ ક્રમાંક ઊતરીને અનુક્રમે ૩૨મા અને ૩૬મા સ્થાને પહોંચી ગયાં છે. 

બેંગલુરુમાં ગત જાન્યુઆરી-માર્ચના ગાળામાં રહેણાંકની લક્ઝરી પ્રોપર્ટીના ભાવ વર્ષાનુવર્ષ ધોરણે ૨.૭ ટકા ઘટી ગયા હતા. નવી દિલ્હી અને મુંબઈમાં ભાવ અનુક્રમે ૦.૨ ટકા અને ૧.૫ ટકા ઘટીને સરેરાશ પ્રતિ ચો. ફૂટ ૩૩,૫૭૨ રૂપિયા અને ૬૩,૭૫૮ રૂપિયા થયા હતા. 

કોઈને પણ રહેવાનું ગમે અને સંબંધિત સ્થળે સૌથી મોંઘી મળતી હોય એવી પ્રોપર્ટીને લક્ઝરી પ્રોપર્ટી ગણવામાં આવે છે. દરેક માર્કેટમાં ટોચના પાંચ ટકામાં આવતી આ પ્રોપર્ટી હોય છે. 

નાઇટ ફ્રાન્ક વિશ્વનાં ૪૫ શહેરોમાં પ્રવર્તમાન ભાવના આધારે ઉક્ત યાદી તૈયાર કરે છે. ભાવવૃદ્ધિની દૃષ્ટિએ શેનઝેન ટોચના અને ન્યૂ યોર્ક છેલ્લા સ્થાને આવ્યા છે. શેનઝેનમાં ભાવ ૧૮.૯ ટકા વધ્યા છે અને ન્યૂ યોર્કમાં ૫.૮ ટકા ઘટ્યા છે. 

business news bengaluru mumbai new delhi