ટ્રમ્પ-જિનપિંગની મંત્રણા અને ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલાં સોનું નરમ

20 June, 2019 11:07 AM IST  | 

ટ્રમ્પ-જિનપિંગની મંત્રણા અને ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલાં સોનું નરમ

ટ્રેડવૉર: ચીન અને અમેરિકા નરમ પડ્યાં

અમેરિકામાં આજે ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક બાદ વ્યાજદરનો નિર્ણય જાહેર કરવામાં આવશે. ટ્રેડર્સના મતે આજે વ્યાજદર ઘટે એવી શક્યતા નહીંવત્ છે, પણ ફેડરલ રિઝર્વ વ્યાજદર અંગે, હળવા ધિરાણ અંગે કેવું નિવેદન આપે છે તેના ઉપર બજારની અસર છે. બીજી તરફ, જી-૨૦ રાષ્ટ્રોની બેઠકમાં અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર અંગે પૂર્ણ સહમતી થાય કે નહીં બન્ને પક્ષ થોડી શાંતિ ઇચ્છે છે એવા સંકેત મળી રહ્યા છે. આ મુખ્ય કારણો વચ્ચે સોનાના ભાવ બુધવારે થોડા ઘટ્યા હતા.

કોમેકસ ઉપર સોનાનો ઑગસ્ટ વાયદો ૩.૮૫ ડૉલર કે ૦.૩ ટકા ઘટી ૧૩૪૬.૮૫ ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના નિવેદન પછી વાયદો ૧૩૫૭ની ૧૪-મહિનાની ઊંચી સપાટીએ હતો. જોકે, યુરોપ અને અમેરિકા બન્ને વ્યાજદર ઘટાડશે, બજારમાં નાણાપ્રવાહિતા જાળવી રાખશે એવી આશા વચ્ચે શૅરબજાર પણ વધ્યાં અને મંગળવારે જ સોનાના ભાવ ઊંચેથી ઘટવાના શરૂ થયા હતા. દરમ્યાન, હાજરમાં સોનું ૧.૯૩ ડૉલર ઘટી ૧૩૪૫ની સપાટીએ છે. ચાંદી વાયદો ૦.૪ ટકા ઘટી ૧૪.૯૩ પ્રતિ ઔંસ, પૅલેડિયમ ૧ ટકો વધી ૧૪૮૮.૫૫ અને પ્લેટિનમ ૦.૩ ટકા ઘટી ૭૯૯.૩૦ ડૉલર પ્રતિ ઔંસ છે.

દરમ્યાન, એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૨,૯૮૫ રૂપિયા ખૂલી, ઉપરમાં ૩૩,૦૮૦ રૂપિયા અને નીચામાં ૩૨,૯૭૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૭ રૂપિયા વધીને ૩૩,૦૪૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૦ રૂપિયા વધીને ૮ ગ્રામદીઠ ૨૬,૧૮૯ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧ રૂપિયા વધીને ૧ ગ્રામદીઠ ૩૨૭૭ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ ૬ રૂપિયા વધીને બંધમાં ૩૨,૯૪૫ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૩૭,૨૭૭ રૂપિયા ખૂલી, ઉપરમાં ૩૭,૩૯૦ રૂપિયા અને નીચામાં ૩૭,૨૪૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૭ રૂપિયા ઘટીને ૩૭,૨૬૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૩૬ રૂપિયા ઘટીને ૩૭,૨૮૮ અને ચાંદી-માઇક્રો જૂન ૩૯ રૂપિયા ઘટીને ૩૭,૨૮૯ રૂપિયા બંધ રહ્યા હતા.

ટ્રેડવૉર: ચીન અને અમેરિકા નરમ પડ્યાં

અમેરિકા અને ચીન ટ્રેડવૉરના મામલે નબળાં પડી રહ્યાં હોય એવા સંકેતો બજારને મળી રહ્યા છે. મંગળવારે ચીનના રાષ્ટ્રપતિ અને ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલુફોનિક ચર્ચા થઈ હતી. ચર્ચા બાદ ટ્રમ્પે નિવેદન આપ્યું હતું કે જી-૨૦ રાષ્ટ્રોની બેઠક બાદ બન્ને નેતાઓ વચ્ચે સમયમર્યાદા કરતાં લાંબી ચર્ચા થશે અને એમાં વ્યાપાર મંત્રણા ઉપર પણ બન્ને દેશ વાતચીત કરશે. બીજી તરફ, ચીનના વિદેશ મંત્રાલયે પણ આશા વ્યક્ત કરી હતી કે મંત્રણા થકી કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવી શકે છે અને બન્ને દેશ આ માટે પ્રયત્નશીલ છે. આ ટ્રેડવૉરની સમસ્યાનો ઉકેલ આવે તો સોનાના ભાવ માટે મોટી મંદી આણી શકે છે.

આ પણ વાંચો: આઇફોનનું ઉત્પાદન ચીનના બદલે ભારતમાં ખસેડવા અંગે વિચારણા

ફેડરલ રિઝર્વ ઉપર નજર
જૂનની બેઠક નહીં, પણ જુલાઈમાં વ્યાજદર ઘટશે એવી સંભાવના વધીને ૮૦ ટકા થઈ ગઈ છે, જ્યારે કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં કુલ ત્રણ વખત ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડશે એવું માનનારો વર્ગ વધી રહ્યો છે. અમેરિકામાં વ્યાજનો દર ઘટે તો ડૉલરના ભાવ પણ ઘટી શકે છે, જેના કારણે સોનાના ભાવને ફાયદો થઈ શકે છે. હળવા વ્યાજદરની નીતિમાં સોનાના ભાવ વધે છે, કારણ કે અન્ય ચીજો ફુગાવાની ગેરહાજરીમાં ઓછું વળતર આપતી બને છે. દરમ્યાન, ડૉલર સામે યુરો ૦.૧૩ ટકા વધી ૧.૧૨૦૭, યેન સામે ડોલર ૦.૦૧ ટકા વધી ૧૦૮.૪૪, પાઉન્ડ ડૉલર સામે ૦.૩૫ ટકા વધી ૧.૨૬૦૨ હતો.

business news gujarati mid-day