29 January, 2025 07:13 AM IST | Mumbai | Anil Patel
બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પરિણામની પૂર્વસંધ્યાએ બજાજ ફાઇનૅન્સ ઝળક્યો, માથે રિઝલ્ટ વચ્ચે સનફાર્મા પટકાયો : રેટ-કટની થીમમાં ઑટો, બૅન્કિંગ, ફાઇનૅન્સ, રિયલ્ટી જેવા રેટ સેન્સિટિવ સેક્ટરના ચલણી શૅર ડિમાન્ડમાં : માર્કેટ બ્રેડ્થ ખાસ્સી નેગેટિવ, બજારના માર્કેટકૅપમાં ૧.૨૦ લાખ કરોડનો ઘટાડો : ડીપસીક ફૅક્ટરમાં અનંતરાજ, નેટવેબ ટેક્નૉ, ડિક્સન ટેક્નૉ, કીનેસ ટેક્નૉ જેવી જાતોમાં મોટાં ગાબડાં : સ્વિગી ઇશ્યુ પ્રાઇસની નીચે જઈ નહીંવત્ સુધારે બંધ : પરિણામ પાછળ ઑલટાઇમ તળિયે ગયેલી બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ બાઉન્સબૅક થઈ
બજાર મંગળવારે પૉઝિટિવ ઝોનમાં ખૂલી પુલબૅક રૅલીમાં ૧૧૪૭ પૉઇન્ટ વધી ઉપરમાં ૭૬,૫૧૩ થયું હતું, પરંતુ છેવટે ૫૩૫ પૉઇન્ટના સુધારે ૭૫,૯૦૧ બંધ થયું છે. નિફ્ટી ૨૩,૧૩૮ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી અડધો ટકો કે ૧૨૮ પૉઇન્ટ વધી ૨૨,૯૫૭ રહ્યો છે, જ્યારે બજારનું માર્કેટકૅપ ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ઘટીને ૪૦૯.૦૧ લાખ કરોડની અંદર આવી ગયું છે. સ્મૉલકૅપ ઇન્ડેક્સ પોણાબે ટકા બગડ્યો છે. હેલ્થકૅર બે ટકા નજીક, પાવર તથા યુટિલિટીઝ ઇન્ડેક્સ દોઢ ટકા નજીક, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૧.૬ ટકા, આઇટી ઇન્ડેક્સ પોણો ટકો, નિફ્ટી મીડિયા સવા ટકો, નિફ્ટી ફાર્મા સવાબે ટકા કપાયા છે. રિઝર્વ બૅન્ક તરફથી બૅન્કિંગ સિસ્ટમ્સમાં પ્રવાહિતા કે લિક્વિડિટી વધારવાનાં કેટલાંક પગલાં લેવાયાં છે. એના લીધે હવેની બેઠકમાં રેપો-રેટ કે વ્યાજદર ઘટશે એવી હવા વહેતી થઈ છે. સરવાળે બૅન્કિંગ, ફાઇનૅન્સ, ઑટો, રિયલ્ટી જેવા રેટ સેન્સિટિવ સેક્ટરના ચલણી શૅર લાઇમલાઇટમાં હતા. સંબંધિત ઇન્ડાઇસિસ સવાથી સવાબે ટકા વધ્યા હતા. માર્કેટ બ્રેડ્થ ખાસ્સી નેગેટિવ હતી. NSEમાં વધેલા ૯૪૦ શૅર સામે ૧૯૨૦ જાતો ઘટી હતી.
બજાજ ફાઇનૅન્સ પરિણામની પૂર્વસંધ્યાએ સવાચાર ટકાથી વધુ કે ૩૨૦ના જમ્પમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર હતો. ઍક્સિસ બૅન્ક, બજાજ ફીનસર્વ, શ્રીરામ ફાઇ. સવાત્રણથી પોણાચાર ટકા મજબૂત હતા. HDFC બૅન્ક અઢી ટકા વધી ૧૬૭૦ના બંધમાં બજારને ૨૬૬ પૉઇન્ટ ફળી હતી. ICICI બૅન્કે દોઢ ટકાની આગેકૂચ સાથે એમાં ૧૧૫ પૉઇન્ટનો ઉમેરો કર્યો છે. તાતા મોટર્સ બે ટકાથી વધુ, તાતા સ્ટીલ અને સિપ્લા પોણાબે ટકા પ્લસ હતા. રિલાયન્સ સામાન્ય સુધારામાં ૧૨૩૩ થઈ છે. સનફાર્માનાં પરિણામ ૩૧મીએ છે. શૅર સાડાચાર ટકા ગગડી ૧૭૦૬ના બંધમાં બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. લાર્સન, NTPC, ભારત ઇલે., ગ્રાસિમ, હિન્દાલ્કો, બ્રિટાનિયા, વિપ્રો, ડૉ. રેડ્ડીઝ લૅબ, કોઈ ઇન્ડિયા, ભારત પેટ્રો સવાથી સવાબે ટકા માઇનસ હતા. અદાણી એન્ટર સવા ટકો સુધર્યો છે. સામે અદાણી એનર્જી અને અદાણી ગ્રીન સવા ટકા જેવી નરમ હતી. NDTV બે ટકા બગડી ૧૩૭ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ થઈ છે. નફામાં તગડા વધારા છતાં એસીસી ચારેક રૂપિયા જેવી પરચૂરણ સુધરી છે. અંબુજા સિમેન્ટ દોઢ ટકો તો સાંધી ઇન્ડ પોણાબે ટકા અપ હતી.
‘એ’ ગ્રુપ ખાતે શોભાલિમેડ પોણાઆઠ ટકા, જેકે બૅન્ક સાડાસાત ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક સવાછ ટકા ઝળકી હતી. બીએસઈ ખાતે ભાવની રીતે દિવસ દરમ્યાન ૬૦ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવા શિખરે ગયા હતા. સામે ૫૬૯ જાતોમાં નવા ઐતિહાસિક બૉટમ બની છે.
હ્યુન્દાઇ મોટર નબળાં રિઝલ્ટમાં ઑલટાઇમ તળિયે ગઈ
સિપ્લાએ આવકમાં સાત ટકાની વૃદ્ધિ સામે ૪૯ ટકાના વધારામાં ૧૫૭૦ કરોડનો ત્રિમાસિક નફો કરતાં શૅર ૧૩૬૬થી ઊછળી ૧૪૭૩ વટાવી ગયા પછી ૨.૨ ટકા સુધરી ૧૪૨૬ બંધ થયો છે. હ્યુન્દાઇ મોટરે આવકમાં સવા ટકાના ઘટાડા સામે ૧૮ ટકાની પીછેહઠમાં ૧૧૬૧ કરોડ નફો કરતાં ભાવ ૧૬૧૫ના ઑલટાઇમ તળિયે જઈ સવા ટકા ઘટી ૧૬૨૩ રહ્યો છે. સ્વિગી લિમિટેડ બિલોપાર, ૩૮૯ના વર્સ્ટ લેવલે જઈ નહીંવત સુધારે ૪૧૦ હતી. ઝોમાટો એક ટકો સુધરી ૨૦૮ હતી. ટીવીએસ મોટરે ૬૧૮ કરોડના નફા સાથે સારાં પરિણામ આપતાં શૅર ૪.૯ ટકા ઊંચકાઈ ૨૩૩૫ થયો હતો. બજાજ ઑટો પરિણામ પૂર્વે અડધો ટકો વધી ૮૪૨૨ હતો. રિઝર્વ બૅન્કની ફેબ્રુઆરી મીટિંગમાં રેટ-કટનો આશાવાદ વહેતો થતાં ઑટો ઇન્ડેક્સ સવા ટકો કે ૫૭૪ પૉઇન્ટ વધ્યો છે. બાલક્રિશ્ન ઇન્ડ. સાત ટકા ઊછળી ૨૭૪૫ હતી. એમઆરએફ સવા ટકો વધી ૧,૧૨,૬૯૫ થઈ છે. બાય ધ વે, એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ પોણાત્રણ ટકા કે ૩૪૨૨ની તેજીમાં ૧,૩૧,૨૦૦ હતી.
બૅન્ક નિફ્ટી ૮૦૨ પૉઇન્ટ કે ૧.૭ ટકા વધ્યો છે. ફેડરલ બૅન્કની ૪ ટકાની બૂરાઈ બાદ કરતાં બાકીના ૧૧ શૅર પ્લસ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના સથવારે ૧.૭ ટકા અપ હતો. બૅન્કિંગના ૪૧માંથી ૩૦ શૅર વધ્યા હતા. જેકે બૅન્ક સાડાસાત ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક સવાછ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા પાંચ ટકા, યુનિયન બૅન્ક પોણાપાંચ ટકા, જનાસ્મૉલ બૅન્ક સાડાચાર ટકા, પીએનબી સાડાચાર ટકા, એયુ બૅન્ક સવાચાર ટકા ઝળકી હતી. બજાજ હાઉસિંગ ફાઇનૅન્સે ૨૫ ટકાના વધારામાં ૫૪૮ કરોડ ત્રિમાસિક નફો કર્યો છે. શૅર ૧૦૩ના ઑલટાઇમ તળિયેથી શાર્પ બાઉન્સબૅકમાં ૧૧૬ નજીક જઈને પાંચ ટકાની મજબૂતીમાં ૧૧૧ વટાવી ગયો છે. કામકાજ ચાર ગણું હતું.
ચાઇનીઝ હરીફાઈ નડતાં અપાર ઇન્ડસ્ટ્રીઝમાં ૨૦ ટકાનો કડાકો
ચાઇનાની કટ્ટર હરીફાઈ વચ્ચે નિકાસ માગમાં ઘટાડાને લઈ અપાર ઇન્ડસ્ટ્રીઝનો ત્રિમાસિક નફો વીસેક ટકા ઘટી ૧૭૫ કરોડ થયો છે જેમાં શૅર ૧૮ ગણા કામકાજમાં ૨૦ ટકા કે ૧૭૮૮ રૂપિયાના કડાકામાં ૭૧૭૭ બંધ રહ્યો છે. આદિત્ય બિરલા સનલાઇફ પ્રૉફિટ બુકિંગમાં ૫૮૯ થઈ ૪.૮ ટકા ઘટી ૬૧૨ હતો. નફા માર્જિન ભીંસમાં રહેવાની અસરમાં રેલટેલ કૉર્પોરેશન ત્રણ ગણા કામકાજમાં ૩૭૧ની ઇન્ટ્રા-ડે ટૉપથી નીચામાં ૩૩૬ થઈ ૩.૮ ટકા ખરડાઈ ૩૫૦ રહી છે. યુનિયન બૅન્ક દ્વારા ૨૮ ટકાના વધારામાં ૪૬૦૪ કરોડનો નેટ નફો દર્શાવાતાં શૅર સાતેક ગણા વૉલ્યુમે ૧૧૩ બતાવી પોણાપાંચ ટકાની મજબૂતીમાં ૧૧૧ થયો છે. પેટ્રોનેટ સીએનજીનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૨૫.૬ ટકા ગગડી ૯૦૨ કરોડ થતાં ભાવ સાડાછ ટકા બગડી ૨૯૦ બંધ આવ્યો છે.
આઇઆઇએફએલ ગ્રુપની તમામ ઑફિસ પર આવકવેરાની જડતીના અહેવાલના પગલે આઇઆઇએફએલ ફાઇનૅન્સ નીચામાં ૩૨૬ થઈ બે ટકા ઘટી ૩૫૦, આઇઆઇએફએલ કૅપિટલ ૨૧૫ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ સવા ટકો ઘટી ૨૩૦ તથા ૩૬૦ વન વામ નીચામાં ૯૪૪ થઈ સવાપાંચ ટકા ખરડાઈ ૧૦૧૯ બંધ રહી છે. અન્ય ફાઇનૅન્સ શૅરમાં પરિણામની ખરાબી આગળ ધપાવતાં પ્રુડેન્ટ કૉર્પોરેટ નીચામાં ૧૯૩૨ બનાવી ૧૫.૬ ટકા કે ૩૬૬ રૂપિયા લથડી ૧૯૮૫ હતી. બે દિવસ પહેલાં ભાવ ૨૬૫૦ જેવો હતો. સેન્ટ્રમ કૅપિટલ ૪.૬ ટકા, એસ.જી. ફીનસર્વ પાંચ ટકા, સુમિત સિક્યૉરિટીઝ ૪.૨ ટકા અને યુટીઆઇ ઍસેટ મૅનેજમેન્ટ પાંચ ટકા ડૂલ થઈ હતી. ઢીલાં પરિણામને લઈ નરમાઈ જારી રાખતાં સીડીએસએલ છ ટકાની ખરાબીમાં ૧૨૬૪ હતી. એની પેરન્ટ્સ બીએસઈ લિમિટેડ પણ વધુ સવાપાંચ ટકા કે ૨૮૪ રૂપિયા ગગડી ૫૧૫૭ રહી છે. કેફીન ટેક્નૉલૉજીઝ પાંચ ટકાના ધોવાણમાં ૧૦૭૪ હતી.
ડોન્ટ અન્ડરએસ્ટિમેટ ધ પાવર ઑફ ડ્રૅગન, મિસ્ટર ટ્રમ્પ
ટૅરિફ-વૉરના ઉધામાથી ચાઇનાની સાન ઠેકાણે લાવી દેવાનાં સપનાં જોતા ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનને સોમવારે અવળા હાથની જબરી ઝાપટ પડી છે. ચાઇનીઝ સ્ટાર્ટઅપ ‘ડીપસીક’ દ્વારા વિકસાવાયેલા આટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ઍપ્લિકેશને ટેક્નૉલૉજીની દુનિયામાં જબરું તોફાન મચાવ્યું છે જેમાં એ-આઇ ક્ષેત્રે ખેરખાં ગણાતી એન્વિડિયા સહિતની મસમોટી કંપનીઓ રીતસર હચમચી ગઈ છે. એન્વિડિયાનો શૅર એક જ દિવસમાં ૧૭ ટકા જેવો તૂટતાં એના માર્કેટકૅપમાંથી લગભગ ૫૯૦ અબજ ડૉલર એટલે કે ૫૧ લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા છે. વૉલ સ્ટ્રીટના ઇતિહાસમાં આ એક વરવો વિક્રમ છે. એન્વિડિયા હવે ૨.૯ લાખ કરોડ ડૉલરના માર્કેટકૅપ સાથે વૅલ્યુએશનની રીતે નંબર વનમાંથી નંબર થ્રી કંપની બની ગઈ છે. બાય ધ વે, આપણા ભારતના અને સમગ્ર એશિયાના એક નંબર ધનકુબેર ગણાતા મુકેશ અંબાણીની નેટવર્થ ૮૯ અબજ ડૉલરની જ છે. એન્વિડિયાની સાથે સંબંધિત ક્ષેત્રનો અન્ય કંપનીઓના શૅર પણ ગગડતાં નૅસ્ડૅક ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ ખરડાયો હતો.
ચૅટ જીપીટી, જેમિની સહિતના અન્ય એઆઇ ઍપની તુલનામાં ડીપસીકની ઍપ ઘણી સસ્તી, ચડિયાતી અને એનર્જી એફિશિયન્ટ છે. ડીપસીકની યુવાન ટીમ દ્વારા અન્ય હરીફોના મુકાબલે ઘણા ઓછા, માંડ ૧૦-૧૫ ટકા રોકાણથી આ સફળતા હાંસલ કરવામાં આવી હોવાનું કહેવાય છે. ડીપસીકની ઍપ એ-આઇની દુનિયામાં એક મોટો ઝંઝાવાત બની રહેશે. હાઇટેક એક્સપોર્ટ ઉપર અમેરિકાના અનેકવિધ અંકુશ વચ્ચે ચાઇનાએ ‘ડીપસીક’ની કમાલ કરી બતાવી છે એની ખાસ નોંધ લેવી રહી. બીજું, અત્યાસ સુધી ચાઇનીઝ માલ કહી નાકનાં ટેરવાં ચડાવતી, પોતાની પ્રોડક્ટ્સને સુપિરિયર હોવાની આત્મશ્લાઘામાં રાચતી જમાતે હવે પોતાના તકલાદી માનસને તિલાંજલિ આપવાની જરૂર છે. ચીજ-વસ્તુઓનું માસ-પ્રોડક્શન કરી વર્લ્ડની ફૅક્ટરી બની ગયેલું ચીન વિજ્ઞાન અને ટેક્નૉલૉજીની દુનિયામાંય ક્યાંય આગળ વધી ચૂક્યું છે. આથી જ ડીપસીક એ અમેરિકા માટે સ્પુતનિક મોમેન્ટ હોવાનું અમેરિકન વિશ્લેષકો કહેવા માડ્યા છે. ડોન્ટ અન્ડરએસ્ટિમેટ ધ પાવર ઑફ ડ્રૅગન, મિસ્ટર ટ્રમ્પ.
ડીપસીક ડીસરપ્શનના પગલે આપણા શૅરબજારમાંય સંબંધિત શૅરોને માઠી અસર થવા માંડી છે. કૉલ સેન્ટરની થીમમાં ચગેલી અનંતરાજ સતત બીજા દિવસે ૨૦ ટકાના કડાકામાં ૧૩૪ તૂટી ૫૩૪ બંધ થઈ છે. કીનેસ ટેક્નૉલૉજીઝ પાંચ ગણા વૉલ્યુમે ૬૦૨ રૂપિયા કે ૧૧.૪ ટકા ગગડી ૪૬૬૬ હતી. આ ઉપરાંત ડીકસન ટેક્નૉલૉજીઝ સાડાપાંચ ટકા કે ૮૪૨ રૂપિયા ખરડાઈને ૧૪,૫૮૩, નેટવેબ ટેક્નૉ ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૧૪૬૦, મિક ઇલેક્ટ્રૉનિક્સ નીચલી સર્કિટ મારીને પોણાપાંચ ટકા બગડી ૭૧ બંધ હતી. આઇટી ઇન્ડેક્સ જે આગલા દિવસે ૧૪૧૨ પૉઇન્ટ કપાયો હતો એ ગઈ કાલે ૩૨૫ પૉઇન્ટ કે પોણો ટકો નરમ હતો. એના ૫૬માંથી ફક્ત ૪ શૅર સુધર્યા હતા. ઇન્ફોબીન્સ ટેક્નૉ ૩૦૮ના વર્સ્ટ લેવલે જઈ ૧૮.૬ ટકાના કડાકામાં ૩૧૦ થયો છે. ઇન્ફી સાધારણ પ્લસ તો ટીસીએસ પોણો ટકો ડાઉન હતો. ક્વીક હીલ સાડાઆઠ ટકા ગગડી ૪૨૯ રહ્યો છે. માસ્ટેક પોણાત્રણ ટકા મજબૂત થઈ ૨૪૫૫ હતો.