અનિલ અંબાણીની રિલાયન્સ નેવલમાં શંકા ઊપજાવે એવી તેજી: 1000% વધી ગયો!

27 November, 2019 11:28 AM IST  |  Mumbai

અનિલ અંબાણીની રિલાયન્સ નેવલમાં શંકા ઊપજાવે એવી તેજી: 1000% વધી ગયો!

અનિલ અંબાણી

શૅરબજારમાં ભાવની વધઘટ કંપનીઓની ભવિષ્યની કમાણીના અંદાજો ઉપર થતી હોય છે. કંપનીના ફન્ડામેન્ટલ જેટલા મજબૂત એટલી શૅર ખરીદવાની લાલસા વધારે, પણ ક્યારેક બજારમાં આવી ઘટનાઓથી વિપરીત ભાવમાં વધારો કે ઘટાડો જોવા મળે છે. રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ નામની કંપની અનિલ અંબાણીના રિલાયન્સ જૂથની છે. આ કંપની પાસે લેણદારો નાણાં વસૂલ કરવા માટે લાઈન લગાવી ઊભા છે, પણ નૌસેના માટે જહાજો બનાવતી આ કંપની અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. જોકે, શૅરના ભાવ કંઈક અલગ જ સ્ટોરી દર્શાવી રહ્યા છે.

શૅરના ભાવમાં ક્યારેક અતાર્કિક વધઘટ પણ જોવા મળે છે. રિલાયન્સ નેવલના ભાવ એક તબક્કે માત્ર 70 પૈસા થઈ ગયા હતા જે 11 સપ્તાહમાં અનેકગણા વધી આજે 7.67 રૂપિયા થઈ ગયા છે. કંપનીના શૅરમાં 2009 માં ટ્રેડિંગ શરૂ થયું પછી આટલી મોટી તેજી ક્યારેય જોવા મળી નથી. આ ઉછાળો 1000 ટકા થવા જાય છે. શૅરના ભાવમાં છેલ્લાં 51 સત્રથી દરરોજ પાંચ ટકાની તેજીની સર્કિટ લાગી રહી છે. આટલા મોટા ઉછાળા પછી પણ શૅરનો ભાવ વાર્ષિક ધોરણે 45 ટકા ઘટેલો છે.

બજાર વિશ્લેષકોના મતે રિલાયન્સ નેવલના શૅરમાં જોવા મળી રહેલો ઉછાળો સંપૂર્ણપણે સટ્ટાને આધારિત છે. કંપની તરફથી નાણાકીય સ્થિતિ સુધરે એવી કોઈ કામગીરી હાલના તબક્કે કરવામાં આવી રહી નથી. છેલ્લા 14 ક્વાર્ટરથી રિલાયન્સ નેવલ સતત ખોટ જાહેર કરી રહી છે. માર્ચ 2019 ના અંતે કંપની ઉપર કુલ 10,916.15 કરોડ રૂપિયાનું દેવું હતું. નાણાકીય વર્ષ 2018-19 માં કંપનીની કુલ આવક 184.63 કરોડ રૂપિયા હતી જે આગલા વર્ષે 413.84 કરોડ હતી. કંપનીની ખોટ વર્ષ 2017-18માં 956.08 કરોડ હતી જે આ વર્ષે વધીને 10,481.04 કરોડ રૂપિયા રહી છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

કંપની ઉપર દેવું વધી રહ્યું છે અને રોકડ પ્રવાહ લગભગ બંધ છે. આ ઉપરાંત નવા ઓર્ડર પણ બંધ થઈ ગયા છે એવું કંપનીએ પોતાના એન્યુઅલ રિપોર્ટમાં જણાવ્યું છે. કંપની સામે લેણદારોએ નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં નાદારીની કાર્યવાહી શરૂ કરવા માટે અરજી પણ કરવામાં આવી છે. ભારત સરકારે ડિફેન્સ માટે ભારતમાં જ ઉત્પાદન વધે અને વિદેશથી આયાત કરવી પડે નહીં એવી યોજના અમલમાં મૂકી છે અને રિલાયન્સ નેવલ તેના ઓર્ડર આવે તેના ઉપર આધારિત છે. માર્ચના અંતે કંપનીએ 646 કરોડ રૂપિયાનું દેવું પરત કરવામાં નિષ્ફળતા દાખવી હતી અને એટલે જ આઇડીબીઆઇ બૅન્ક, યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા અને સેન્ટ્રલ બૅન્ક કંપની સામે નાદારીની કાયર્વાહી થાય એવું ઈચ્છી રહ્યા છે.

business news reliance anil ambani