ટુ ગુજરાત, ફ્રૉમ રશિયા વિથ લવ...અમદાવાદથી રાજકોટ રશિયન ટ્રેનમાં પ્રવાસ!

13 February, 2020 10:58 AM IST  |  Mumbai Desk

ટુ ગુજરાત, ફ્રૉમ રશિયા વિથ લવ...અમદાવાદથી રાજકોટ રશિયન ટ્રેનમાં પ્રવાસ!

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત સરકાર અમદાવાદ અને રાજકોટ વચ્ચે વર્તમાન નૅશનલ હાઇવે પર એલિવેટેડ કૉરિડોર થકી કે એની બાજુમાં હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટ અંગે વિચારણા કરી રહી છે ત્યારે રશિયન રેલવેઝે આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની અને એનું બાંધકામ કરવાની તૈયારી દર્શાવી છે.
રાજકોટ અને અમદાવાદ વચ્ચે વર્તમાન રેલવે લાઇન ૨૪૭ કિલોમીટર લાંબી છે, જ્યારે રોડ માર્ગે આ દૂરી માત્ર ૨૧૫ કિલોમીટરની છે. જો એલિવેટેડ કૉરિડોર કે બાજુની જમીનનો ઉપયોગ કરી રેલવે લાઈન બનવવામાં આવે તો એનો ખર્ચ ઓછો આવે, યાત્રા ઝડપી થાય અને નવી જમીન સંપાદનની જરૂરિયાત પણ ઘટી જાય એટલે ૧૧,૩૦૦ કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે જેને રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે.
બુધવારે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને મુંબઈસ્થિત રશિયન કોન્સ્યુલ જનરલ અલ્કેસી સુરોવત્સેવ અને રશિયન સરકારના જાહેર સાહસ રશિયન રેલવેઝ આરઝેડડી ઇન્ટરનૅશનલના વાલ્દીમીર ફિનોવ વચ્ચે ગાંધીનગરમાં એક બેઠક થઈ હતી. આ બેઠકમાં રશિયા અને રશિયન રેલવેએ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટમાં સહભાગી થવા માટે તત્પરતા વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં કોન્સ્યુલ જનરલ અલ્કેસી સુરોવત્સેવે કહ્યું હતું કે રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટથી આ બન્ને વિસ્તારોના આર્થિક અને સર્વાંગી વિકાસ માટેની વિપુલ સંભાવનાઓ રહેલી છે એ જોતાં આ રશિયન કંપની એમાં સહભાગી થવા ઉત્સુક છે. રશિયન સરકારની આ કંપનીએ ભારતમાં નાગપુર-સિકંદરાબાદ વચ્ચે ૫૮૦ કિલોમીટરની હાઇસ્પીડ રેલવે માટેનો પ્રોજેક્ટ બનાવ્યો છે. રશિયામાં પણ સેન્ટ પિટ્સબર્ગથી મૉસ્કો સુધી ૬૨૫ કિલોમીટર લંબાઈનો હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટ તેમણે પૂર્ણ કર્યો છે.
આ પ્રોજેક્ટના ડીપીઆર ગુજરાત સરકારની જી-રાઇડ કંપની તૈયાર કરે એ પછી ડિટેઇલ્ડ એન્જિનિયરિંગ ડિઝાઇન, પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને સંપૂર્ણ ફાઇનૅન્સ માટે પણ રશિયાનું આ રેલવે સાહસ ગુજરાત - ભારત સરકાર સાથે પરામર્શ કરી આગળ વધશે એવી ખાતરી તેમણે મુખ્ય પ્રધાનને આપી હતી. ડિઝાઇન તૈયાર થયાનાં બે વર્ષમાં પ્રોજેક્ટ તેઓ પૂર્ણ કરશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
રાજકોટ-અમદાવાદના માર્ગ પરના ભારે ટ્રાફિક ભારણને ઘટાડવા અને આ બે શહેરો વચ્ચે ઝડપી મુસાફરી તથા સમગ્ર વિસ્તારના ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં આ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટ અતિમહત્ત્વપૂર્ણ બની રહે એવી શક્યતા છે.
મુખ્ય પ્રધાને આ પ્રોજેક્ટને ત્વરાએ આગળ ધપાવવા માટે આગામી શુક્રવાર ૧૪ ફેબ્રુઆરીએ જી-રાઇડ અને આ રશિયન સાહસની બેઠક યોજીને કાર્યયોજના ઘડવાનું સૂચન પણ કર્યું હતું. રશિયન રેલવેઝ આરઝેડડી ઇન્ટરનૅશનલના વાલ્દીમીર ફિનોવે ગુજરાતમાં પોર્ટ્સથી ફ્રેઇટ કૉરિડોર્સ માટે રેલવે કનેક્ટિવિટી વધારવા તેમ જ પૅસેન્જર રેલવે અને માલવાહક ટ્રેનની હયાત સ્પીડ વધારવા માટેના નવા પ્રોજેકટ્સ માટે પણ સહયોગ આપવાની ઇચ્છા દર્શાવી હતી.

business news ahmedabad rajkot gandhinagar