ભારતને દસ ટ્રિલ્યનનું અર્થતંત્ર બનાવવા સરકાર વ્યૂહ ઘડી રહી છે

19 August, 2019 02:07 PM IST  |  નવી દિલ્હી

ભારતને દસ ટ્રિલ્યનનું અર્થતંત્ર બનાવવા સરકાર વ્યૂહ ઘડી રહી છે

કરન્સી

સરકાર હાલની આર્થિક કટોકટીને નિવારવા, ૨૦૨૪-૨૫ સુધીમાં ભારતને પાંચ ટ્રિલ્યન ડોલર અને ૨૦૩૨ સુધીમાં ૧૦ ટ્રિલ્યન ડોલરનું અર્થતંત્ર બનાવવા મધ્યમ અને લાંબાગાળાની યોજના તૈયાર કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યારે નાણામંત્રાલય વિવિધ મંત્રાલયો પાસેથી માહિતી એકઠી કરી રહ્યું છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ અર્થતંત્રને વેગ અને રોજગાર સર્જનનો છે. નાણામંત્રાલયના અહેવાલ પર વડા પ્રધાનનાં નેતૃત્વ હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિઓ દ્વારા અભ્યાસ કરાશે.

૬ જૂનના રોજ સરકારે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં મૂડીરોકાણ અને વિકાસ તથા રોજગાર અને કૌશલ્ય વિકાસ પર કેબિનેટ કક્ષાની બે સમિતિની રચના કરી હતી. ૨૦૧૮-૧૯ના પહેલાં ત્રિમાસિકથી જ અર્થતંત્રમાં મંદી પ્રવર્તવા લાગી હતી. તાજેતરમાં જ રિઝર્વ બેન્કે આર્થિક વિકાસ દરનો અંદાજ ૭ ટકાથી ઘટાડીને ૬.૯ ટકા કર્યો છે. રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરોમાં વ્યાપક મંદી જોવા મળી રહી છે. છેલ્લા ૯ મહિનામાં મોટરકારના વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જુલાઈ મહિનામાં છેલ્લા એક વર્ષની સરખામણીમાં કારના વેચાણમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારની તાત્કાલિક પ્રાથમિકતા માગ સર્જીને વિકાસને વેગ આપવાની છે. બેન્કિંગ સિસ્ટમમાં પૂરતી લિક્વિડિટી છે. બેન્કોએ ઘટાડેલા વ્યાજદરના લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાની જરૂર છે જેથી તેઓ વાહનો અને મકાનની ખરીદી કરે. આગામી તહેવારની સિઝન પહેલાં સરકાર તરફથી પણ ગ્રાહકોને પ્રોત્સાહન મળે તેવા પગલાંની જાહેરાત કરાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો : જુલાઈ-ઑગસ્ટ મહિનામાં વરસાદ વધતાં ઍડ‍્વાન્ટેજ ઇકૉનૉમી

સરકારનો હાલનો લક્ષ્યાંક તો માગમાં વધારો કરી ભારતને ૨૦૨૪-૨૫ સુધીમાં પાંચ ટ્રિલ્યન ડોલરની ઇકોનોમી બનાવવાનો છે. વડા પ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં પણ આ લક્ષ્યાંક અંગે જાહેરાત કરી હતી. સરકાર ૨૦૩૨ સુધીમાં ભારતને ૧૦ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાની તૈયારી કરી રહી છે.

business news