ઑઇલ ઍન્ડ ગૅસ ક્ષેત્રે રિલાયન્સ વિશ્વની મૂલ્યવાન કંપનીઓમાં છઠ્ઠી

31 October, 2019 04:44 PM IST  |  મુંબઈ

ઑઇલ ઍન્ડ ગૅસ ક્ષેત્રે રિલાયન્સ વિશ્વની મૂલ્યવાન કંપનીઓમાં છઠ્ઠી

રિલાયન્સ

ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની અત્યારે દેશની સૌથી વધુ મૂલ્યવાન કંપની પણ છે. આની સાથે એ વિશ્વની ઑઇલ ઍન્ડ ગૅસ ક્ષેત્રની છઠ્ઠા ક્રમની સૌથી મૂલ્યવાન કંપની પણ બની ગઈ છે. આ માટે રિલાયન્સે પોતાની જ ભાગીદાર બ્રિટનની બીપી પીએલસીને પાછળ ધકેલી છે. જોકે, છેલ્લાં બે વર્ષમાં રિલાયન્સના બજારમૂલ્યમાં થયેલો વધારો રીટેલ અને ટેલિકૉમ ક્ષેત્રની પોતાની સાથી કંપનીઓને આભારી છે.

બુધવારે રિલાયન્સનું કુલ બજારમૂલ્ય ૧૩૦.૭૬ અબજ ડૉલર થયું હતું જે બીપી પીએલસીના ૧૨૮ અબજ ડૉલર કરતાં વધુ છે. રિલાયન્સના શૅર આજે એક તબક્કે ૧૪૮૬ રૂપિયાની સપાટીએ હતા અને શૅરના ભાવમાં એક વર્ષમાં ૩૧ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.

લંડન ખાતે મંગળવારે બીપી પીએલસીના શૅર ૬.૩૩ ડૉલર બંધ આવ્યા હતા. કંપનીની આવક ધારણા કરતાં વધારે ૨.૨૫ અબજ ડૉલર રહી હતી. કંપનીએ શૅરહોલ્ડરને ડિવિડન્ડ આપવાના બદલે અમેરિકામાં ૧૦.૫ અબજ ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરતાં શૅરના ભાવ ૩.૮ ટકા ઘટ્યા હતા અને એનું માર્કેટ કૅપ ૧૨૮.૮૬ અબજ ડૉલર રહ્યું હતું.

લિસ્ટેડ કંપનીઓ એક્ઝોન મોબિલનું માર્કેટ કૅપ ૨૯૦.૪૨ અબજ ડૉલર છે જે ઑઇલ ઍન્ડ ગૅસ ક્ષેત્રની કંપનીઓમાં સૌથી વધુ છે. આ પછી રૉયલ ડચ શેલનું મૂલ્ય ૨૩૮.૧૫ અબજ ડૉલર, શેવરોન ૨૨૪.૯૨ અબજ ડૉલર, પેટ્રોચાઇના ૧૪૯.૨૦ અબજ ડૉલર અને ટોટલનું ૧૪૧.૭૪ અબજ ડૉલર છે. હવે છઠ્ઠા ક્રમે મુકેશ અંબાણીની રિલાયન્સ આવે છે.

જોકે, ઑઇલ ઍન્ડ ગૅસ ક્ષેત્રે આજે પણ સાઉદી અરામ્કો વિશ્વની સૌથી મોટી કંપની છે જેની પાસે વિશ્વના દૈનિક ક્રૂડ ઑઇલ ઉત્પાદનનો ૧૦ ટકા જેટલો હિસ્સો છે. અરામ્કોનો નફો પણ એક્ઝોન મોબિલ કરતા વધારે છે અને આ કંપની નવેમ્બર મહિનામાં ૨ ટ્રિલ્યન ડૉલર (એટલે કે લગભગ ૧૪૪ લાખ કરોડ રૂપિયા)નું મૂલ્ય થાય એ પ્રકારનું ભરણું લઈ આવી રહી છે.

આ પણ વાંચો : વોડાફોનની ચેતવણી : નાણાં ખતમ થઈ રહ્યાં છે, દેવું ભરવું મુશ્કેલ બની શકે

બીપી ભારતમાં રિલાયન્સ સાથે કૃષ્ણ ગોદાવરી બેઝિનમાં ક્રૂડ અને ગૅસનાં કૂવામાં ભાગીદાર છે અને તાજેતરમાં જ બન્ને કંપનીઓએ ભારતમાં રીટેલ પમ્પ ક્ષેત્રે પણ ભાગીદારી આગળ વધારવાની જાહેરાત કરી છે. બન્ને કંપનીઓ ભેગી મળી ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનું ભારતમાં રોકાણ કરી રહી છે.

business news reliance