વોડાફોનની ચેતવણી : નાણાં ખતમ થઈ રહ્યાં છે, દેવું ભરવું મુશ્કેલ બની શકે

Published: Oct 31, 2019, 16:40 IST | મુંબઈ

લગભગ ૧૪ અબજ ડૉલર (૯૮,૦૦૦ કરોડ રૂપિયા) જેટલુ દેવું, કંપનીની વધી રહેલી ખોટ અને ઘટી રહેલા ગ્રાહકો જેવી સમસ્યાથી ઘેરાયેલી બ્રિટિશ વોડાફોન અને ભારતની આઇડિયાના સંયુક્ત સાહસ ઉપર વાદળો ઘેરાયાં છે.

વોડાફોન
વોડાફોન

લગભગ ૧૪ અબજ ડૉલર (૯૮,૦૦૦ કરોડ રૂપિયા) જેટલુ દેવું, કંપનીની વધી રહેલી ખોટ અને ઘટી રહેલા ગ્રાહકો જેવી સમસ્યાથી ઘેરાયેલી બ્રિટિશ વોડાફોન અને ભારતની આઇડિયાના સંયુક્ત સાહસ ઉપર વાદળો ઘેરાયાં છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર કંપનીએ પોતાના લેણદારોને નાણાં પરત કરવામાં વિલંભ થાય અથવા તો પરત ચુકવણીની શરતો હળવી કરવી પડે એ રીતે સંપર્ક કર્યો છે.

વર્તમાન સ્થિતિમાં કંપની પોતાનું દેવું સમયસર ચૂકવી શકે એમ નથી અને તેમણે અનૌપચારિક રીતે લેણદારોને લોન થોડો સમય મુલતવી રાખવા માટે કે શરતો હળવી કરવા માટે સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

જોકે, કંપનીએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે આવી કોઈ વાતચીત થઈ રહી નથી. દરેક પરત ચુકવણી સમયસર કરવામાં આવી રહી છે. સમગ્ર ટેલિકૉમ ક્ષેત્ર ઉપર નાણાકીય તંગદિલી જોવા મળી રહી છે અને સરકાર તેમ જ અન્યને મદદ માટે જાણ કરવામાં આવી છે. બીજી તરફ બ્રિટનના ભાગીદારે જણાવ્યું હતું અગાઉ કંપની લેણદારો સાથે શરતો હળવી કરવા માટે વાતચીત કરી રહી હતી.

ગયા સપ્તાહે સુપ્રીમ કોર્ટના એક ચુકાદા અનુસાર કંપનીએ ૨૮,૩૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ સરકારને ત્રણ મહિનામાં ભરવી પડશે અને એના કારણે સ્થિતિ વધારે વણસી છે. ૨૦૧૭માં વોડાફોન અને આઇડિયા મર્જ થયા પછી કંપનીએ ગ્રાહકોની દૃષ્ટિએ પોતાનું દેશમાં નંબર વનનું સ્થાન ગુમાવ્યું છે અને એ પછી દર ત્રિમાસિક ગાળામાં કંપનીએ ખોટ પણ જાહેર કરી છે. રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર ૨૦૧૭માં ભારતમાં વૉઇસ કૉલ મફત કરતાં અને ડેટાના ભાવ ઘટાડી નાખતાં વોડાફોન આઇડિયાની હાલત વધારે કફોડી થઈ છે.

વોડાફોન ગ્રુપ યુરોપ સિવાયની બજારમાં ટેલિકૉમ સેવાઓમાંથી નીકળી રહ્યું છે અને હવે ભારતમાં પણ નવું મૂડીરોકાણ કરવા તૈયાર નથી. અગાઉ ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના રાઇટ ઇશ્યુમાં પણ વોડાફોને ઇચ્છા નહીં હોવા છતાં રોકાણ કર્યું હતું.
વોડાફોન ભારતમાં આવ્યાનાં દસ વર્ષમાં કંપની હવે સંપૂર્ણરીતે ભારતમાંથી ઉચાળા ભરવાનું વિચારી રહી છે. માત્ર કંપનીની મુશ્કેલી નહીં, પણ હચિસન પાસેથી હિસ્સો ખરીદવા માટે ઇન્કમ- ટૅક્સ વિભાગ સાથે એ ૨.૨ અબજ ડૉલરનો એક કેસ ૨૦૧૨થી લડી રહી છે.

માર્ચ મહિનાના અંતે કંપની પાસે હાથ ઉપર રોકડ લગભગ ૭૫૫૦ કરોડ રૂપિયા જેટલી હતી એટલે વર્તમાન દેવાનું વ્યાજ ભરવા કે પરત ચુકવણી માટે તાકીદે કોઈ મુશ્કેલી ઊભી થાય એમ નથી, પણ સુપ્રીમ કોર્ટના હુકમનું પાલન કરવા માટે વધારે પૈસા જોઈએ છે જે કંપની પાસે હાથ પર નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK