વ્યાજદર હળવા કરવાની સાઈકલ શરૂ કરનાર RBI પહેલી કેન્દ્રીય બેન્કઃફિચ

25 April, 2019 10:22 AM IST  |  નવી દિલ્હી

વ્યાજદર હળવા કરવાની સાઈકલ શરૂ કરનાર RBI પહેલી કેન્દ્રીય બેન્કઃફિચ

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ) સૌમ્ય ખાદ્યાન્ન ફુગાવા અને હળવી વૈશ્વિક નાણાકીય સ્થિતિને પગલે વ્યાજદર હળવા કરવાની સ્પક્ટ સાઇકલ શરૂ કરનારી એશિયા-પૅસિફિક વિસ્તારની પ્રથમ કેન્દ્રીય બૅન્ક બની છે, એમ ફિચ રેટિંગ્સે બુધવારે કહ્યું હતું.

આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસના વડપણ હેઠળની મૉનિટરી પૉલિસી કમિટી (એમપીસી)એ ફુગાવાનો દર હળવો રહેવાની સંભાવનાએ ફેબ્રુઆરી અને એપ્રિલમાં વ્યાજદર ઘટાડ્યા છે. ૨૦૧૯ના ચાર મહિનામાં આરબીઆઇએ બે વાર પૉલિસી ઇન્ટરેસ્ટ રેટ્સમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરતાં તે એક વર્ષની ૬ ટકાની નીચી સપાટીએ પહોંચ્યા છે. ૨૦૧૬ના ઉત્તરાર્ધમાં એપીસીની રચના કરાઈ ત્યાર બાદ સતત બે વાર ઘટાડો કરાયો હોય એવી આ પ્રથમ ઘટના છે.

સૌમ્ય અન્ન ફુગાવા અને અમેરિકાએ તેની નીતિ શાંતિતરફી કરતાં હળવી બનેલી વૈશ્વિક નાણાકીય સ્થિતિને પગલે આરબીઆઇ એશિયા-પૅસિફિક વિસ્તારની પ્રથમ એવી બૅન્ક બની છે જેણે સ્પક્ટપણે વ્યાજદર હળવા કરવાની સાઇકલ શરૂ કરી છે, એમ ફિચે એશિયા-પૅસિફિક સોવેરિન ક્રેડિટ ઓવરવ્યુ રર્પિોટમાં જણાવ્યું હતું.

ફુગાવો આરબીઆઇના કમ્ફર્ટ ઝોન ચાર ટકા (બે ટકા પ્લસ કે માઇનસ)માં રહ્યો છે.

ફિચ માને છે કે આરબીઆઇ ૨૦૧૯ના બાકીના સમયગાળા માટે એનું આ વલણ જાળવી રાખશે તેમ છતાં મધ્યસ્થ બૅન્ક જ્યારે પણ તક મળશે ત્યારે વ્યાજદર વધુ હળવા કરશે, એમ ફિચે ઉમેર્યું હતું.
તાજેતરનાં વર્ષોમાં કેન્દ્ર સરકારના લક્ષ્યાંકો સામે લેવાયેલી છૂટછાટોને પગલે ખાધ અને દેવામાં ઘટાડાની પ્રક્રિયા રઝળી પડી છે.

ચૂંટણીઝુંબેશમાં ખેડૂતોની આવક વધારવા માટે સીધા રોકડાની ચુકવણી સહિતનાં વચનો વર્તમાન વર્ષે ખર્ચનું દબાણ વધારશે.

નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધીમાં સરકારનું દેવું નાણાકીય વર્ષ ૨૦૧૯ના ૬૮.૮ ટકાથી ઘટાડીને જીડીપીના ૬૦ ટકા સુધી સીમિત રાખવાના લક્ષ્યને પહોંચી વળવા નાણાકીય ખાધમાં ઘટાડો કરવો આવશ્યક છે.
નાણાકીય વર્ષ ૨૦૧૯માં સરકારનું દેવું જીડીપીના ૬૮.૮ ટકા રહેવાનો અંદાજ ફિચે મૂક્યો છે. તેને ઘટાડીને જીડીપીના ૬૦ ટકા સુધી સીમિત રાખવાના લક્ષ્યને પહોંચી વળવા નાણાકીય ખાધમાં ઘટાડો કરવો આવશ્યક છે, જે રાજકીય રીતે મુશ્કેલ છે, એમ ફિચે કહ્યું છે.

આ પણ વાંચોઃ રિઝર્વ બેન્ક સરકારને આપી શકે છે 3 લાખ કરોડ રૂપિયા, રિપોર્ટમાં ખુલાસો

ફિચે સ્ટેબલ આઉટલુક સાથે ભારતને ’બીબીબી-’ રેટિંગ આપેલું છે. ફિચે વર્તમાન વર્ષમાં વિકાસદર ૬.૮ ટકા અને આગામી વર્ષે ૭.૧ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.

reserve bank of india news