દિવાળી સુધી ડુંગળીના ભાવ ઊંચા રહેશે, સરકારી દખલની બહુ મોટી અસર થશે નહીં

26 September, 2019 12:49 PM IST  |  મુંબઈ

દિવાળી સુધી ડુંગળીના ભાવ ઊંચા રહેશે, સરકારી દખલની બહુ મોટી અસર થશે નહીં

કાંદા

જાન્યુઆરી મહિનામાં ડુંગળીના ભાવ અચાનક જ ઘટી ગયા હોવાથી ખેડૂતોને અન્ય પાક તરફ નજર દોડાવવી પડી હતી. આ પછી વાવેતર બાદ મોડા અને ભારે વરસાદના કારણે નવો પાક દિવાળી સુધી બજારમાં આવી શકે એમ ન હોવાથી ગ્રાહકોએ ડુંગળી માટે ઊંચા ભાવ ચૂકવવા તૈયાર રહેવું પડશે. 

ઑગસ્ટ મહિનામાં ડુંગળીનો ભાવ ૧૩ રૂપિયા પ્રતિ એક કિલો હતો જે આજે દેશના ડુંગળીના સૌથી મોટા હોલસેલ બજાર નાશિકમાં ૪૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયાે છે. આ ભાવ ત્રણ વર્ષની સૌથી ઉપરની સપાટીએ છે. કેન્દ્ર સરકારના ઉપભોક્તા વિભાગના આંકડા અનુસાર દિલ્હી, મુંબઈ અને લખનઉમાં ભાવ ૬૦ રૂપિયા પ્રતિ કિલો છે, પણ વેપારીઓના મતે ભાવ ૭૦-૮૦ રૂપિયા પ્રતિ કિલો છે. પ્રદેશ અને પુરવઠાના આધારે ભાવ ઉપર કે નીચે રહે છે.

સરકારે એક તબક્કે ડુંગળીના સંગ્રહ પર લિમિટ લાદવાની ધમકી પણ આપી છે. વિદેશથી ડુંગળી આયાત કરવા માટે ટેન્ડર બહાર પાડ્યાં છે, પણ મહારાષ્ટ્રનો પાક ઑક્ટોબરના અંતે બજારમાં આવે ત્યાં સુધી ભાવમાં મોટો ઘટાડો થાય એવી શક્યતા વેપારીઓ જોતા નથી.

કર્ણાટકનો પાક ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં બજારમાં આવે છે. મહારાષ્ટ્ર દેશની ત્રીજા ભાગની ડુંગળીનું ઉત્પાદન કરે છે અને એનો પાક ઑક્ટોબર અને નવેમ્બરમાં બજારમાં આવે છે. ભારે વરસાદના કારણે કર્ણાટકમાં પાકને નુકસાન થયું છે અને પુરવઠો ઓછો આવી રહ્યો છે જેના કારણે ભાવ વધી રહ્યા છે. મહારાષ્ટ્રનો પાક બજારમાં આવે ત્યાં સુધી ભાવમાં મોટો ઘટાડો થઈ શકે એમ નથી. કેટલાક વેપારીઓ પાસે સ્ટૉક છે, સરકાર લિમિટ લાદે તો ઘટાડો આવી શકે, પણ એ ઘટાડો બહુ મોટો હોય એવી શક્યતા નથી.
ભારતમાં લગભગ ૨.૩૦ કરોડ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે. ચીન, ઇજિપ્ત, રશિયા અને ટર્કીથી આયાત શક્ય છે પણ એની પડતર પણ ૩૫ રૂપિયા આસપાસ રહેશે એવી બજારની ધારણા છે. જો કસ્ટમમાં કોઈ કારણોસર માલ અટકી પડે અને સ્થાનિક પાક બજારમાં આવી જાય તો આયાતકારને મોટી ખોટ સહન કરવી પડે એમ છે.

આ પણ વાંચો : આગલા દિવસના ઉછાળા બાદ આજે શરૂઆતી કામકાજમાં સોનાની તેજીને બ્રેક

ભારત સરકાર પાસે ડુંગળીનો ૫૦,૦૦૦ ટન જેટલો સ્ટૉક છે એમાંથી ૧૫,૦૦૦ ટન બજારમાં વેચવા માટે મૂકવામાં આવ્યો છે. દરેક રાજ્યને ક્વૉટા અનુસાર પુરવઠો આપવામાં આવી રહ્યો છે. સરકાર ૧૫.૫૯ રૂપિયા પ્રતિ કિલોના ભાવે આ ડુંગળી બજારમાં વેચી રહી છે, પરંતુ ભારે વરસાદના કારણે સ્થાનિક પાકને નુકસાન, પરિવહનમાં પડી રહેલી મુશ્કેલીઓના કારણે અત્યારે તાત્કાલિક રાહત મળે એવું લાગી રહ્યું નથી એમ બજારનાં સૂત્રોએ જણાવ્યું હતું.

business news