દેશમાં હવે કોઈ પણ કંપની પેટ્રોલ, ડીઝલનું વિતરણ કરી શકશે

24 October, 2019 11:15 AM IST  |  મુંબઈ

દેશમાં હવે કોઈ પણ કંપની પેટ્રોલ, ડીઝલનું વિતરણ કરી શકશે

પેટ્રોલ પમ્પ

અદાણી ગૅસમાં ફ્રાન્સની ઑઇલ દિગ્ગજ કંપની ટોટલ દ્વારા ૩૭.૪ ટકા હિસ્સો ખરીદશે એવી જાહેરાતના એક જ સપ્તાહમાં ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ સહિતના પરિવહનમાં વપરાતા ઇંધણનું વિતરણ અને વેચાણ કરવા માટેની નીતિમાં છૂટ આપવાની જાહેરાત કરી છે.

અગાઉના નિયમો અનુસાર કોઈ પણ કંપની ક્રૂડ ઑઇલ રિફાઇનિંગ કે ક્રૂડ ઑઇલ ઉત્પાદન સાથે સંકળાયેલી હોય અને એની નેટવર્થ (મૂડી અને અનામત) ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધારે હોય એ જ ભારતમાં પેટ્રોલિયમ ફ્યુઅલનું વિતરણ અને વેચાણ કરી શકતી હતી. કેન્દ્રીય પ્રધાનમંડળે આજે મળેલી બેઠકમાં રિફાઇનિંગ અને ઉત્પાદનનો નિયમ કાઢી નાખ્યો છે અને નેટવર્થ હવેથી માત્ર ૨૫૦ કરોડ રૂપિયા હોવાની જાહેરાત કરી છે. આ પગલાથી ભારતમાં વિદેશી કંપનીઓ પોતાની રીતે કે ભાગીદાર શોધી હવે પેટ્રોલ પમ્પ ખોલી શકશે. આ નવી જોગવાઈ અનુસાર માત્ર રીટેલ જ નહીં, પણ જથ્થાબંધ વેચાણ કરવાની છૂટ પણ આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ગૅસના કેસમાં કંપનીએ ટોટલ હિસ્સો લઈ દેશમાં ફ્યુઅલ સ્ટેશન ઊભાં કરશે એવી જાહેરાત અગાઉથી કરી હતી.

આ પણ વાંચો : બ્રેક્ઝિટની અનિશ્ચિતતાથી સોનામાં નીચલા મથાળે કરન્ટ, ભાવ હજી પણ 1500 ડૉલર નીચે

નવી નીતિ અનુસાર કંપનીઓને વેચાણ કરવાની કેન્દ્ર સરકાર છૂટ આપે એનાં પાંચ વર્ષમાં પોતાના કુલ રીટેલ વેચાણ કેન્દ્રોના પાંચ ટકા ગ્રામીણ ભરતમાં શરૂ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નવા પમ્પ ઉપર સીએનજી, બાયોફ્યુઅલ, ઇલેક્ટ્રિક ચાર્જિંગ જેવી સવલત પણ ત્રણ વર્ષમાં શરૂ કરવી ફરજિયાત કરવામાં આવી છે. પેટ્રોલ પમ્પ માટે કોઈ પણ વ્યક્તિ દેશમાં અત્યારે સરકારી કે ખાનગી પમ્પનો માલિક હોય એ અરજી કરી શકે છે અને અત્યારે જે લોકેશન છે એનાથી અન્ય સ્થળે તે શરૂ કરી શકે એવી જોગવાઈ કરવામાં આવી છે.

business news