NBFC-HFC ક્ષેત્રના મોવડીઓએ પીએમને સુધારા માટે સૂચનો કર્યાં

28 December, 2018 08:11 AM IST  | 

NBFC-HFC ક્ષેત્રના મોવડીઓએ પીએમને સુધારા માટે સૂચનો કર્યાં

નરેન્દ્ર મોદી

IL&FSએ એના ડેટની ચુકવણીમાં ડિફૉલ્ટ કર્યો એ પછી ક્ષેત્રમાં પ્રવાહિતાની સમસ્યા રહી છે. એવો ભય સેવવામાં આવી રહ્યો છે કે IL&FS જેવી મોટી NBFCના શ્રેણીબદ્ધ ડિફૉલ્ટ્સથી નાણાકીય બજારમાં પ્રવાહિતાની કટોકટી ઊભી થશે.

અસોચેમના પ્રમુખ બી. કે. ગોએન્કાએ મીટિંગ બાદ પત્રકારોને કહ્યું હતું કે ‘અમે NBFC અને હાઉસિંગ ધિરાણકંપનીઓ સમક્ષના પડકારોથી વડા પ્રધાનને વાકેફ કરવા મળ્યા હતા. ILFS કટોકટી બાદ સરકારે હકારાત્મક પગલાં લીધાં છે, પરંતુ અમે અસોચેમ દ્વારા સરકારને એ સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે એ પગલાં પર્યાપ્ત નથી અને એને હજી ઉચ્ચ સ્તરે લઈ જવાં પડશે. વડા પ્રધાને ખાતરી આપી છે કે સરકાર જરૂરી બધાં પગલાં લેશે જેથી ઉદ્યોગની ચિંતા દૂર થાય. આ મીટિંગમાં બૅન્કિંગ સેક્રેટરી રાજીવકુમાર પણ ઉપસ્થિત હતા. આજે સમસ્યા એ છે કે એક કંપનીની નિષ્ફળતાને કારણે લોકો કોઈ NBFC કે હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીને ધિરાણ આપવાનું જોખમ લેવા માગતા નથી.’

આ મીટિંગમાં ઉપસ્થિત રહેલા શ્રેઇ ઇન્ફ્રા ફાઇનૅન્સના વાઇસ ચૅરમૅન સુનીલ કનોરિયાએ કહ્યું હતું કે ‘એને પરિણામે જે કોઈ પુન: ચુકવણીઓ આવે છે એનો વપરાશ વર્તમાન લોનોની પરત ચુકવણીમાં કરવામાં આવે છે એટલે છેલ્લા કેટલાક મહિનાથી વિકાસ સ્થગિત થઈ ગયો છે. આ ક્ષેત્રમાં વિશ્વાસની સ્થાપના આવશ્યક છે.’

મીટિંગમાં અસોચેમે એવું સૂચન કર્યું છે કે ‘સિસ્ટમની દૃષ્ટિએ મહત્વની NBFCને પબ્લિક ડિપોઝિટ્સ સ્વીકારવાની છૂટ આપવી જોઈએ અને વ્યક્તિગત હાઉસિંગ ધિરાણને પુન: જીવિત કરવા નૅશનલ હાઉસિંગ બૅન્ક્સની રીફાઇનૅન્સ ફૅસિલિટી વાપરવાની છૂટ આપવી જોઈએ. હોમલોન્સ કંપનીઓની હોમલોન્સ એમની અસ્કયામતોના ૫૦ ટકાથી અધિક હોવી જોઈએ એ જોગવાઈનું પાલન કરવા હોમ ફાઇનૅન્સ કંપનીઓને ૨૦૨૦ સુધીનો સમય આપવો જોઈએ.’

એવી પણ માગણી કરવામાં આવી છે કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આ ક્ષેત્રમાં વિશ્વાસની પુન: સ્થાપના માટે લિક્વિડિટી વિન્ડો પૂરી પાડવી જોઈએ જ્યાં NBFC કે હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીઓ યોગ્ય માર્જિને એમની સિક્યૉર્ડ લોન્સનું વેચાણ કરી શકે.

narendra modi news sensex bombay stock exchange national stock exchange