હજી ઘટશેની ધારણાએ ખરીદીમાં જોમનો અભાવ અને વેચવાલી જોરમાં

22 July, 2019 09:10 AM IST  |  મુંબઈ | શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

હજી ઘટશેની ધારણાએ ખરીદીમાં જોમનો અભાવ અને વેચવાલી જોરમાં

બજેટ બાદના સતત ઘટાડાને પગલે રોકાણકારોના નિરુત્સાહ વચ્ચે ગયા સપ્તાહના પ્રથમ દિવસની શરૂઆત ગ્લોબલ પોઝિટિવ સંકેતોને કારણે સકારાત્મક થઈ હતી. સેન્સેકસ ૧૬૦ પૉઈન્ટ અને નિફટી ૩૬ પૉઈન્ટ પ્લસ બંધ રહ્યા હતા. જેમાં ઈન્ફોસિસના ગયા શુક્રવારે જાહેર થયેલા સારા પરિણામનો નોંધપાત્ર ફાળો હતો. મોંઘવારીનો દર નીચે આવતા વ્યાજદરના ઘટાડાની આશા ફરી જાગી છે. જો કે તરતમાં આવું કોઈ પગલું આવે તેમ જણાતું નથી. મંગળવારે બજારે પોઝિટિવ દોર ચાલુ રાખતા સેન્સેકસે ૨૩૪ પૉઈન્ટ અને નિફટીએ ૭૩ પૉઈન્ટનો સુધારો નોંધાવ્યો હતો, જેમાં નિફટી ૧૧૬૦૦ ઉપર બંધ રહ્યો હતો. જ્યારે સેન્સકસે ૩૯ હજારનું લેવલ ક્રોસ કર્યું હતું. બુધવારે માર્કેટ સતત ત્રીજા દિવસે પોઝિટિવ રહ્યું હતું, જોકે તે વધીને પાછું નીચે આવ્યા બાદ સેન્સેકસ ૮૪ પૉઈન્ટ અને નિફટી ૨૫ પૉઈન્ટ પ્લસ બંધ રહ્યા હતા. અલબત્ત, માર્કેટ બ્રેડ્થ હજી પણ નેગેટિવ રહી હતી. અર્થાત ચોકકસ ઈન્ડેકસ શૅરો જ વધે છે. બાકી ઓવરઓલ માર્કેટમાં સેન્ટીમેન્ટ નબળું અને નિરુત્સાહી જણાય છે.

સુધારાનું ધોવાણ થઈ ગયું

ગુરુવારે બજારનો આગલા ત્રણ દિવસનો સુધારો ધોવાઈ ગયો હતો. યુએસ-ચીન વચ્ચેના ટેરિફ વોર ફરી ચિંતાનો વિષય બનતા મોટાભાગની બજારો ઘટી હતી, જેની અસર રૂપે સેન્સકેસ ૩૧૮ પૉઈન્ટ અને નિફટી ૯૦ પૉઈન્ટ નીચે ઊતરી ગયા હતા. ડૉલર સામે રૂપિયો નબળો પડવાની પણ અસર કંઈક અંશે હતી. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હતી. એફપીઆઈને સરચાર્જમાં રાહત નહીં આપવાનો નિર્ણય અફર રહેવાને કારણે પણ બજારમાં મંદીનો મૂડ હતો. શુક્રવારે તો બજારે કડાકા જ બોલાવ્યા હતા. સતત ઘટતા રહેલાં બજારમાં સેન્સેકસ ૫૬૦ પૉઈન્ટ અને નિફટી ૧૭૭ પૉઈન્ટ માઈનસ બંધ રહ્યા હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહેવાનું ચાલુ હતું.

બજાર કેમ ઘટે છે?

આમ સપ્તાહ દરમ્યાન પહેલા ત્રણ દિવસનો સાધારણ સુધારો છેલ્લા બે દિવસના કડાકામાં ધોવાઈ રહ્યો હતો. નિફટી ૧૧૦૦૦ તરફ અને સેન્સેકસ ૩૮ હજાર નીચે જવા આગળ વધી રહ્યા છે. સેન્ટીમેન્ટ નબળું હોવાથી બજારમાં ઉત્સાહનો સદંતર અભાવ છે, વરસાદની અછત પણ અસર કરી રહી છે. ઈકોનોમીની ગતિ હજી મંદ જ રહી છે. ફોરેન ઈન્વેસ્ટરો નેટ વેચવાલ રહ્યા છે. એ વાસ્તે બજારમાં મંદીનો ટ્રેન્ડ જોવામાં આવ્યો હતો. નવા સપ્તાહમાં પણ કોઈ મોટી આશા નથી, કેટલીક અગ્રણી કંપનીઓનાં પરિણામ આ સપ્તાહમાં જાહેર થવાનાં છે. જેના પર બજારની નજર રહેશે. સંભવત બજાર વધુ ઘટી શકે છે. રિકવર થશે તો પણ કરેકશન માથે ઊભું જ હશે. કારણ કે બજાર પાસે ઊંચે જવા માટે કોઈ તાકાતવર ટ્રિગર જ નથી.

ફોરેન ઈન્વેસ્ટરો સતત વેચવાલ

અર્થતંત્ર માટે નબળાં સમાચાર એ છે કે નિકાસ આ વખતે નવ વરસની નીચી સપાટીએ રહી છે. ગ્લોબલ સ્તરે અને ભારતમાં મંદ પડેલા સંજોગોને લીધે નિકાસમાં ઘટાડો થયો હોવાનું જણાવાય છે. કોર્પોરેટ અર્નિગ્સના સંકેત પણ સારા નથી. બીજી બાજુ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૮૪,૦૦૦ કરોડ રૂપિયાની ઈક્વિટી ખરીદનાર વિદેશી રોકાણકારો જુલાઈના ૧૩ ટ્રેડિંગ દિવસમાંથી ૧૧ દિવસમાં નેટ વેચવાલ બન્યા છે અને તેમણે અંદાજે છ હજાર કરોડ રૂપિયાની નેટ વેચવાલી કરી છે. આ વેચવાલીનું મુખ્ય કારણ તેમના પર ટૅકસ સરચાર્જનો વધારો છે. તેઓ હાલ ઈક્વિટીને સ્થાને ડેટ સાધનો તરફ વળી રહ્યા હોવાનું નોંધાયું છે. સરકારે આ સરચાર્જ ટૅકસનો વધારો પાછો નહીં ખેંચાય એવી સ્પષ્ટતા કરી દેતા આ આશા પર હવે પૂર્ણવિરામ આવી ગયો છે.

ફ્રી ફલોટ સ્ટૉકસની વૃદ્ધિથી રોકાણ વધશે?

જો કે એક નોંધવા જેવી આશાસ્પદ વાત એ છે કે બજેટે લિસ્ટેડ કંપનીઓનું પબ્લિક હોલ્ડિંગ ફરજિયાત ૨૫ ટકાથી વધારી ૩૫ ટકા કરવા માટે જોગવાઈ લાગુ કરી છે તેની લાંબે ગાળે સારી અસર થવાનો મત મોર્ગન સ્ટેનલી સંસ્થાએ મૂકયો છે અને તેના ઈન્ડેકસમાં આ માટે વેઈટેજ વધારાયું છે, કારણ કે આ પબ્લિક હોલ્ડિંગ વધવાથી માર્કેટમાં ફ્રી ફલોટ સ્ટોકસ વધશે, જેને કારણે વોલ્યુમ અને પ્રવાહિતા વધશે. આ પરિબળને ફોરેન ઈન્વેસ્ટરો આકર્ષક ગણે છે. તેઓને અને પબ્લિકને સારા શૅરો ખરીદવાની તક મળશે. મોર્ગન સ્ટેનલીના મતે આ પગલાનાં અમલ સાથે ઈમરજિંગ માર્કેટ ઈન્ડેકસમાં ભારતનું વેઈટેજ ૧૪૬ પૉઈન્ટ જેટલું વધશે. પરિણામે વિદેશી રોકાણકારો તરફથી ૨૫ અબજ ડૉલરનું રોકાણ ભારતીય ઈક્વિટીમાં ઠલવાશે એવો અંદાજ મુકાયો છે. લાંબા ગાળાના ઈન્વેસ્ટરો માટે આ એક નવી તક હશે, જેમાં તેઓને બ્લુચીપ સ્ટૉકસ ખરીદવાનો વધારાનો અવસર મળશે. જો કે આમ વાસ્તવમાં થઈ શકશેકે કેમ એ સવાલ છે, કારણ કે કંપનીઓ પબ્લિક હોલ્ડિંગ વધારી શકે એવી શકયતા હાલ તુરંત ઓછી દેખાય છે.

ભંડોળ ઊભું કરવાની તૈયારી શરૂ

કેન્દ્ર સરકાર બજેટના લક્ષ્ય મુજબ આ વરસે ઓવરસીઝ સોવરેન બૉન્ડસ ઈસ્યુ કરવાનું પ્લાનિંગ કરવા લાગી છે. આ પ્રથમ ઑફર રાઉન્ડ મારફત સરકાર ૩ થી ૪ બિલ્યન ડૉલર ઊભા કરવા ધારે છે. આ બૉન્ડસ લંડન, સિંગાપોર, ન્યુ યોર્ક અને હોંગકોંગ જેવા ટોચના ફાઈનાન્શિયલ સેન્ટર્સમાં ઑફર થશે. સરકાર તેના બોરોઈંગ કાર્યક્રમના ભાગરૂપ આ ઑફર કરવા માગે છે. બીજી બાજુ સરકાર સ્થાનિક સ્તરે કોલ ઈન્ડિયા, એનબીસીસી, એનએલસી અને હુડકોની ઑફર ફોર સેલ લાવવા માગે છે, જેના દ્વારા તે ડિસઈન્વેસ્ટમેન્ટ માર્ગે નાણાં ઊભાં કરશે. વધુમાં સરકારની સેન્ટ્રલ પબ્લિક સેકટર એન્ટરપ્રાઈસિસ (સીપીએસઈ) એકસચેંજ ટ્રેડેડ ફંડની ઑફર પણ ગયા સપ્તાહમાં જ આવી હતી.

આઈપીઓ માટે આશા જાગી

૨૦૧૯ના પ્રથમ છ મહિના મોટે ભાગે આઈપીઓ માટે શુષ્ક રહ્યા હતા. એ છ મહિનામાં માત્ર આઠ કંપનીઓના ઈસ્યુ આવ્યા હતા, જ્યારે હવે આગામી એક જ મહિનામાં છ કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે, જેમાં સ્ટર્લિંગ અૅન્ડ વિલ્સન સોલાર, સ્પંદન સ્પુરર્થી ફાઈનાન્શિયલ, એએસકે ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ, એજીએસ ટ્રાન્સજેકટ ટેકનૉલૉજી, મઝગાંવ ડોક અને એફલ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. આ કંપનીઓ આશરે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ માર્કેટમાંથી ઊભી કરવાનું લક્ષ્ય રાખે છે. અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે ૨૦૧૭માં ૩૬ કંપનીઓ ૬૭,૨૦૦ કરોડ રૂપિયા બજારમાંથી આઈપીઓ મારફત ઊભા કરી શકી હતી. આ ઉપરાંત હોમ ફર્સ્ટ ફાઈનાન્સ કંપની પણ આ વરસે આઈપીઓ લાવવાનો પ્લાન કરે છે. આમ રોકાણ પ્રવાહ સેકન્ડરી માર્કેટ કરતાં પ્રાઈમરી માર્કેટમાં વધુ વળે એવી શકયતા વિશેષ જણાય છે.

આ પણ વાંચોઃ બૅન્કોના રાષ્ટ્રીયકરણ પછીના પાંચ દાયકાની સફરમાં બૅન્કિંગથી આર્થિક પ્રગતિમાં થયો છે ફાયદો

નાની-મોટી જાણવા જેવી વાત

શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપની ડિબેન્ચર્સ ઈસ્યુ મારફત ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનો પ્લાન ધરાવે છે. આ ઈસ્ય એક મહિનો ખુલ્લો રહેશે. પિરામલ કેપિટલ પ્રવાહિતાની સમસ્યા દૂર કરવા એકસ્ટર્નલ કમર્શિયલ બોરોઈંગ (ઈસીબી) મારફત ભંડોળ ઊભું કરવા માગે છે. સેબીએ કોર્પોરેટ ગવર્નન્સના ઉલ્લંઘન બદલ સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાને સાત કરોડ રૂપિયાનો દંડ કર્યો છે.

સુઝલોન એનર્જીએ 17 કરોડ ડૉલરથી વધુ રકમના ફોરેન કરન્સી બૉન્ડસની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યો છે. કોક્ષ એન્ડ કિંગ્સે પણ તેના કમર્શિયલ પેપર્સ તેમ જ ડિબેન્ચર્સના વ્યાજની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યો છે.

jayesh.chitalia@gmail.com

business news