Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બેંકોનું રાષ્ટ્રીયકરણ નિવડ્યું છે ફાયદાકારક

બેંકોનું રાષ્ટ્રીયકરણ નિવડ્યું છે ફાયદાકારક

21 July, 2019 08:20 AM IST | નવી દિલ્હી

બેંકોનું રાષ્ટ્રીયકરણ નિવડ્યું છે ફાયદાકારક

બેંકોનું રાષ્ટ્રીયકરણ નિવડ્યું છે ફાયદાકારક

બેંકોનું રાષ્ટ્રીયકરણ નિવડ્યું છે ફાયદાકારક


ગ્રામ્ય વિસ્તારોને બૅન્કિંગનો લાભ નથી મળતો, કૃષિ અને અન્ય પ્રાથમિક ક્ષેત્રોને ધિરાણ નથી મળતું, બૅન્કિંગ ક્ષેત્ર માત્ર મુઠ્ઠીભર મૂડીવાદીઓની જ સેવામાં લાગી રહ્યું છે એવી દલીલ સાથે વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ૧૯૬૯માં દેશની ૧૪ ખાનગી બૅન્કોનું રાષ્ટ્રીયકરણ ર્ક્યું. આ વર્ષે આપણે દેશની નાણાં વ્યવસ્થાનું વહેણ પલટી નાખનાર આ ઘટનાની ગોલ્ડન જ્યુબિલી ઊજવી રહ્યા છીએ. સ્વાભાવિક રીતે રાષ્ટ્રીયકરણનું આ પગલું સફળ રહ્યું કે નિષ્ફળ તે અંગે મતમતાંતર છે.

વધુને વધુ દલીલ થઈ રહી છે કે દેશની સરકારી માલિકીની બૅન્કોને ફરીથી ખાનગીકરણ તરફ લઈ જવી જોઈએ. ખાનગીકરણની વાત કરનારાઓની દલીલ છે કે બૅન્કિંગ સિસ્ટમ ખાડે ગઈ છે. ધિરાણ અટકી ગયું છે. સમયાંતરે ભારત સરકારે હસ્તક્ષેપ કરી, વધુ મૂડી નાખી બૅન્કોને વધી રહેલી નોન પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ – એટલે કે એવી લોન જેની પરત ચુકવણી થઈ રહી નથી, માંડવાળ કરવી પડે તેવી સ્થિતિ છે)ની સ્થિતિમાંથી ઉગારવી પડે છે. બૅન્કોમાં સરકાર વધારેને વધારે મૂડી રોકે રાખે છે અને તેનાથી સમસ્યાનો અંત આવતો નથી.



બીજી બાજુએ, કૃષિ ક્ષેત્રમાં ધિરાણ સતત વધી રહ્યું છે. ધિરાણ વધવાને કારણે આ ક્ષેત્રમાં મૂડીરોકાણ થઈ રહ્યું છે અને દેશમાં રોજગારીનું સર્જન કરનાર સૌથી મોટો વર્ગ આ ધિરાણના કારણે ટકી રહ્યો છે. આ ઉપરાંત બૅન્કિંગનો વ્યાપ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં વધ્યો છે. વધુને વધુ લોકો બૅન્કિંગ સિસ્ટમનો લાભ ઉઠાવી રહ્યા છે. વતર્માન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી જનધન યોજનામાં નવા ખૂલેલાં ખાતાં અને તેમાં જમા થયેલી રકમ સરકારી બૅન્કોની સફળ કામગીરી માટેનું એક ઉદાહરણ પણ છે.
વૈશ્વિક પરિવર્તન, ટેકનૉલૉજી અનેક પડકાર હોવા છતાં બૅન્કિંગ ક્ષેત્ર અડીખમ રહ્યું છે. સરકારી બૅન્કોમાં મૂડી ઉમેરવાની ફરજ ચોક્કસ પડી છે પણ ભારતીય બૅન્કોની શક્તિ અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના કડક નિયમનના કારણે બૅન્કોએ દરેક પડકાર ઝીલ્યા છે. સરકારી હોય કે ખાનગી બૅન્કોએ નવી ટેકનૉલૉજીને અપનાવી છે, સંપૂર્ણ રીતે બૅન્કિંગ સિસ્ટમ કમ્પ્યુટરાઈઝડ બની છે, વ્યવહારો ઝડપી બન્યા છે અને કામગીરી વધારે કાર્યક્ષમ. સરકારી બૅન્કોનો ક્યારેક રાજકીય ઉપયોગ થયો હોઈ શકે, ક્યારેક સરકારી જવાબદારી પૂરી કરવા માટે નફો બાજુએ મૂકી સામાજિક ઉત્થાનના કાર્યો પણ થયા હશે, પણ દેશનો બહુ મોટો ભાગ જ્યારે વિકાસથી વંચિત હોય ત્યારે આવાં કાર્યોની પ્રશંસા થવી જોઈએ, નહીં કે ટીકા.


થોડા સમય માટે રાષ્ટ્રીયકરણ અને ખાનગીકરણની આ ચર્ચાને કોરાણે મૂકીએ અને માત્ર એટલું જ વિચારીએ કે બૅન્કોનો ભારતમાં વિકાસ થયો છે કે નહીં? – આનો જવાબ ચોક્કસ હા છે. ભારતમાં બૅન્કિંગ ક્ષેત્રનો વિકાસ ૧૯૬૯થી ૨૦૧૯ વચ્ચે અનેકગણો થયો છે.

ઉપરોક્ત ટેબલ દર્શાવે છે કે બૅન્કોએ મુખ્ય માપદંડની દૃષ્ટિએ ચોક્કસ વિકાસ સાધ્યો છે. બૅન્કોમાં થાપણ વધી છે, ધિરાણ વધ્યું છે, શાખાઓ વધી છે અને બ્રાંચ નેટવર્ક વિકસતા વધુને વધુ લોકો સુધી બૅન્કો પહોંચી છે.


આ દલીલને આગળ ધપાવતા બૅન્કોનું અલગ – અલગ ક્ષેત્રમાં થયેલું ધિરાણ પણ ચકાસીએ. આ આંકડાઓ દર્શાવે છે કે વ્યક્તિગત, કૃષિ, ઉદ્યોગો અને વ્યાપાર દરેક ક્ષેત્રને મળેલી લોનમાં પણ ધરખમ વધારો થયો છે. ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રમાં ધિરાણ નથી થઈ રહ્યું, માત્ર કેટલાક ઉદ્યોગો જ બૅન્કોનો લાભ ઉઠાવી રહ્યા છે એવી માન્યતા સાથેના રાષ્ટ્રીયકરણના કારણે ઉદ્યોગોને મળતું ધિરાણ પણ બંધ નથી થયું. ઊલટું એમાં પણ વધારો થયો છે.

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા બીજા ક્રમના દેશની બૅન્કિંગ વ્યવસ્થા હજુ બહુ મોટી નથી, એની પૂર્ણ ક્ષમતાએ વિકસી નથી કે દુનિયાની ટોચની ૧૦ બૅન્કોમાં ભારતની એક પણ બૅન્ક નથી – આવી દલીલ એક અલગ દૃષ્ટિકોણ છે અને તેનો આધાર રાષ્ટ્રીયકરણ વિરુદ્ધ ખાનગીકરણની ચર્ચા હોઈ શકે નહીં.

દેશનો આર્થિક વિકાસ, તેની ગતિ અને દિશા માટે બૅન્કિંગ એક મહત્ત્વનું અને અવિભાજ્ય અંગ છે. જે દેશની બૅન્કિંગ સિસ્ટમ મજબૂત એટલી જ તેની આર્થિક શક્તિઓ. બૅન્કોનું મુખ્ય કાર્ય એક મધ્યસ્થીનું છે કે જેની પાસે ફાજલ નાણાં છે તે બચતના સ્વરૂપે એકત્ર કરી જેને જરૂર છે એને ધિરાણના સ્વરૂપે આપે છે. ફાજલ નાણાં એકત્ર કરતી સમયે બૅન્કો વ્યાજ ચૂકવે છે અને ધિરાણ કરતી સમયે બૅન્કો વ્યાજ વસૂલે છે. આ બન્ને વ્યાજદરનો તફાવત બૅન્ક માટે નફો છે, પરંતુ બૅન્કિંગ બચતના આકર્ષક વ્યાજદર રાખી ફાજલ નાણાં હોય તેને વધુ બચત કરવા, તેની બચત તિજોરીમાં રોકડ સ્વરૂપે પડી રહે નહીં અને ઉત્પાદક કાર્યમાં લાગે એ પ્રકારનું પ્રોત્સાહન આપે છે. સામે, ધિરાણ કરતી સમયે આકરા વ્યાજના દરે આકર્ષક વ્યાજ વસૂલે છે જેથી ધિરાણ લેનાર પણ તેને પરવડી શકે, એ નાણાંનો ઉપયોગ કરી વધારે આર્થિક પ્રવૃત્તિ કરે તે જરૂરી છે.

ભારતમાં બૅન્કિંગ ક્ષેત્રનું વિકાસ

  વર્ષ  ૧૯૬૯ વર્ષ ૨૦૧૯ કેટલા ગણો વધારો
બૅન્કોની સંખ્યા ૮૯ ૧૪૭ ૧.૭
બૅન્કોની શાખાઓ ૮,૨૬૨ ૧,૪૧,૭૫૬ ૧૭.૨
ગ્રામ્ય શાખાઓ ૧,૮૩૩ ૫૦,૦૮૧ ૨૭.૩
બૅન્કો પાસે ડિપોઝિટ રૂ. કરોડ ૪,૬૪૬ ૧૧૧,૧૧,૪૦૦ ૨૩૯૧.૬

ઉદ્યોગોને મળતું ધિરાણ

  ૧૯૭૧-૭૨ ૨૦૧૭-૧૮ કેટલા ગણો વધારો
કૃષિ ધિરાણ ૮૦૦.૯૧ ૧૦,૩૦,૨૧૫ ૧૨૮૬
ઉદ્યોગો ૩૩૯૬.૨૦ ૨૯,૯૯,૨૬૭ ૮૮૩
વ્યાપાર ૮૨૪.૮૨ ૪,૬૬,૯૩૮ ૫૬૬
પર્સનલ લોન ૧૯૦.૯૮ ૧૯,૦૮,૪૬૯ ૯૯૯૩

પ્રથમ તબક્કો

તા.૧૯ જુલાઈ ૧૯૬૯ના રોજ રૂ. ૫૦ કરોડથી વધારે ડિપોઝિટ ધરાવતી ૧૪ બૅન્કોને રાષ્ટ્રીયકૃત જાહેર કરવામાં આવી હતી. આ બૅન્કોમાં સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, દેના બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક, સીન્ડીકેટ બૅન્ક, કેનેરા બૅન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, યુનિયન બૅન્ક, અલાહાબાદ બૅન્ક, યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયા, યુકો બૅન્ક અને બૅન્ક ઑફ ઇન્ડિયાનો સમાવેશ થતો હતો.

બીજો તબક્કો
બીજા તબક્કામાં રૂ. ૨૦૦ કરોડથી વધારે ડિપોઝિટ ધરાવતી વધારાની છ બૅન્કો આંધ્ર બૅન્ક, કોર્પોરેશન બૅન્ક, ન્યુ બૅન્ક ઑફ ઇન્ડિયા, ઓરીએન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ, પંજાબ અૅન્ડ સિંધ બૅન્ક અને વિજયા બૅન્કને એપ્રિલ ૧૯૮૦માં રાષ્ટ્રીયકૃત જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો

ઉપરોક્ત, આંકડાઓ – બચતમાં વૃદ્ધિ અને ધિરાણમાં વૃદ્ધિ દર્શાવે છે કે ભારતમાં બૅન્કિંગ ક્ષેત્રનો ચોક્કસ વિકાસ થયો છે. વધારે ઝીણવટભરી રીતે અભ્યાસ કરીએ તો એ પણ સ્વીકારવું પડે કે દેશનો આર્થિક વિકાસ પણ આ ૫૦ વર્ષના સમયગાળામાં સેંકડોગણો વધ્યો છે. વર્ષ ૧૯૬૯-૭૦માં ભારતનું અર્થતંત્ર (દેશનો જીડીપી) રૂ. ૪૩,૨૯૮ કરોડ હતો જે વર્ષ ૨૦૧૮-૧૯ના અંતે રૂ. ૧૯૦,૧૦,૧૬૪ કરોડ રહે તેવો અંદાજ છે. આ સમયગાળામાં દેશનો આર્થિક વિકાસ ૪૩૯ ગણો વધ્યો છે. એટલે કે આર્થિક વિકાસમાં પણ બૅન્કનું રાષ્ટ્રીયકરણ આડખીલીરૂપ સાબિત થયું નથી.

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2019 08:20 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK