વર્ષ 2018-19: નાણાખાધને વળગી રહેવા સરકારી ખર્ચ ઉપર કાપ

01 June, 2019 11:34 AM IST  |  નવી દિલ્હી

વર્ષ 2018-19: નાણાખાધને વળગી રહેવા સરકારી ખર્ચ ઉપર કાપ

ઈન્ડિયન કરન્સી

ગત કેન્દ્ર સરકારના છેલ્લા નાણાકીય વર્ષમાં નાણાખાધ વધશે એવી દહેશત ખરેખર સાચી પડી છે. બજેટ ૨૦૧૮-૧૯ની રજૂઆત સમયે ૬,૩૪,૩૯૮ કરોડ રૂપિયાની નાણાખાધ રહેવાનો અંદાજ હતો. ભારતીય અર્થતંત્ર મંદ પડી રહ્યું છે, જીએસટીની આવક ઘટી રહી છે એવી વાત વચ્ચે પણ સરકારે ખાધનો લક્ષ્યાંક પહોંચી વળીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ખરેખર ખાધ ૬,૪૫,૩૬૭ કરોડ રૂપિયા આવી છે જે બજેટના અંદાજ કરતા ૧૦,૯૬૯ કરોડ રૂપિયા વધારે છે. ખાધમાં આંશિક વધારાનું પણ કારણ છે. સરકારે કુલ કરની આવક ૧૪,૮૪,૪૦૬ કરોડ રૂપિયા અંદાજી હતી, જ્યારે વાસ્તવિક આવક ૧૩,૧૬,૯૫૧ કરોડ રૂપિયા થઈ છે એટલે કે કરની આવકમાં ૧,૬૭,૪૫૫ કરોડ રૂપિયાનો અંદાજ સામે ઘટાડો જોવા મળે છે. સરકારી ખર્ચનો અંદાજ ૨૪,૫૭,૨૩૫ કરોડ રૂપિયાનો હતો. આટલો જ ખર્ચ સરકારે કર્યો હોત તો સરકારની નાણાખાધ ઘણી વધારે હોત. દેશના જીડીપીના ૩.૪ ટકા ખાધ રહેશે એવો અંદાજ અને વિશ્વાસ આપ્યો હોવાથી, દેશના ક્રેડિટરેટિંગ ઉપર કોઈ જોખમ થાય નહિ એટલે સરકારે પોતાનો ખર્ચ પણ ૧,૪૫,૮૧૩ કરોડ રૂપિયા ઘટાડી નાખ્યો છે. સરકારે ઘટાડેલા ખર્ચમાં ૧,૩૨,૮૮૮ કરોડ રૂપિયા મહેસૂલી ખર્ચ છે અને ૫,૦૭૫ કરોડ રૂપિયાનો કાપ મૂડીખર્ચ ઉપર પણ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ઇટ્સ ઑફિશિયલ : ભારતનું અર્થતંત્ર ઝડપથી મંદ પડ્યું છે

ખર્ચ ઉપર કાપ મૂક્યો હોવાના કારણે દેશની નાણાખાધ જીડીપીના ૩.૪ ટકાના લક્ષ્યાંક ઉપર જ આવી છે. જો ખર્ચ બજેટ અનુસાર જ કરવામાં આવ્યો હોત તો ખાધ જીડીપીના ૪.૨ ટકા રહી હોત. દેશનું અર્થતંત્ર જ્યારે સ્થાનિક લોકોની વપરાશ અને સરકારી ખર્ચ ઉપર નભી રહ્યું હોય ત્યારે ખર્ચમાં ઘટાડો અર્થતંત્રને ધીમું કરે છે. બીજી તરફ જ્યારે ખાધ વધે છે ત્યારે દેશમાં ફુગાવો અને મોંઘવારી ફાટી નીકળે છે. સરકારે મોંઘવારીના બદલે નરમ આર્થિક સ્થિતિ પસંદ કરી હોય એમ લાગે છે.

business news