ઇટ્સ ઑફિશિયલ : ભારતનું અર્થતંત્ર ઝડપથી મંદ પડ્યું છે

Published: 1st June, 2019 11:29 IST | નવી દિલ્હી

ઘટી રહેલી ગ્રાહક માગ અને નવા રોકાણમાં ઘટાડાથી ભારતનો આર્થિક વિકાસદર પાંચ વર્ષના તળિયે

જીડીપી ગ્રોથ
જીડીપી ગ્રોથ

લોકસભાની ચૂંટણી પતી, નવી સરકાર સત્તા ઉપર આવી એની સાથે જ પડકારોનો પટારો ખૂલી ગયો છે. એક બાજુ ભારત સરકારની નાણાખાધ ૨૦૧૮-૧૯માં બજેટના અંદાજ કરતાં વધારે રહી છે, તેને કાબૂમાં રાખવા સરકારે પોતાનો ખર્ચ ઘટાડવો પડ્યો છે, બીજી આજુ દેશનું અર્થતંત્ર જાન્યુઆરીથી માર્ચ ક્વૉર્ટરમાં માત્ર ૫.૮નો જીડીપી વૃદ્ધિદર નોંધાવી શક્યું છે. ગ્રોસ વૅલ્યુ-ઍડેડની દૃષ્ટિએ ક્વૉર્ટરમાં ૫.૭ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

સમગ્ર ૨૦૧૮-૧૯ માટે વિકાસદર ૬.૮ ટકા અંદાજવામાં આવ્યો છે, જે ગત વર્ષે ૬.૯ ટકા હતો. વાર્ષિક ધોરણે રિયલ જીડીપી વિકાસદર (એટલે કે મોંઘવારી ઍડજસ્ટ કરી) વર્ષ ૨૦૧૮-૧૯માં ૬.૮ ટકા અંદાજવામાં આવ્યો છે, જે વર્ષ ૨૦૧૩-૧૪ પછીનો સૌથી નીચો વિકાસદર છે. ચોથા ક્વૉર્ટરનો ૫.૮ ટકાનો વિકાસદર પણ ચાર ક્વૉર્ટરમાં સૌથી નીચો છે.

જીડીપી ઘટવા માટેનાં કારણોમાં મુખ્યત્વે દેશના સ્થાનિક લોકોનો વપરાશ ઘટી રહ્યો છે એ જવાબદાર છે અને એની સાથોસાથ દેશમાં મૂડીરોકાણ પણ ઘટી ગયું છે. વાસ્તવિક રીતે ખાનગી લોકોનો વપરાશ એટલે કે માગ જાન્યુઆરીથી માર્ચના ક્વૉર્ટરમાં જીડીપીના ૫૬.૮ ટકા રહી છે જે સપ્ટેમ્બરથી ડિસેમ્બરના ત્રીજા ક્વૉર્ટરમાં ૫૮.૯ ટકા હતી. ચાલુ બજારભાવે આ વપરાશ ત્રીજા ક્વૉર્ટરમાં જીડીપીના ૬૧.૨ ટકાથી ઘટી ચોથા ક્વૉર્ટરમાં ૫૯.૩ ટકા નોંધાયો છે. એટલે કે બન્ને રીતે લોકોની માગ ઘટી છે.

મૂડીરોકાણ ત્રીજા ક્વૉર્ટરમાં ૩૩.૪ ટકા હતું, જે ચોથા ક્વૉર્ટરમાં ઘટી ૩૦.૭ ટકા થયું છે. બજારભાવે આ રોકાણ ચોથા ક્વૉર્ટરમાં ૨૭.૯ ટકા રહ્યું હતું, જે આગલા ક્વૉર્ટરમાં ૩૦.૨ ટકા નોંધાયું છે.

એપ્રિલ ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯ દરમ્યાન સરકારી ખર્ચ માત્ર ૯.૨ ટકા વધ્યો છે, જે આગલા વર્ષે ૧૫ ટકા વધ્યો હતો. બીજી બાજુ કુલ મૂડીરોકાણ વાર્ષિક ધોરણે વધ્યું છે, પણ ત્રીજા ૩૩.૪ ટકા હતું જે ચોથા ક્વૉર્ટરમાં ઘટી ૩૦.૭ ટકા થયું છે.

ચૂંટણી અગાઉ વિપક્ષો તરફથી વારંવાર એવો આક્ષેપ થયેલો કે કૃષિ ક્ષેત્રની હાલત ખરાબ છે. ખેડૂતોને વળતર મળી રહ્યું નથી અને એમાં તાકીદે રોકાણની જરૂર છે. જોકે આ આક્ષેપો સામે કૃષિ મજબૂત હોવાની વાતો થઈ હતી. સરકારે આજે જાહેર કરેલા આંકડા અનુસાર કૃષિ અને સંલગ્ન સેવાઓનો વિકાસદર ગત વર્ષના ૫ ટકાની વૃદ્ધિ સામે આ વર્ષે માત્ર ૨.૯ ટકા વિકસ્યો છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં ૨.૮ ટકાની વૃદ્ધિ સામે જાન્યુઆરીથી માર્ચ સામે નેગેટિવ ૦.૧ ટકાની વૃદ્ધિ કૃષિમાં નોંધાઈ છે. આ દર્શાવે છે કે કૃષિની હાલત ખરેખર કફોડી છે.

આ પણ વાંચો : જેવર એરપોર્ટ માટે મંગાવવામાં આવી બોલી, 2023 સુધી પૂરુ થશે પહેલું ચરણ

અન્ય નબળો દેખાવ કરનારાં ક્ષેત્રોમાં ખાણ અને ખનીજની વૃદ્ધિ ૨૦૧૮-૧૯માં માત્ર ૧.૩ ટકા રહી છે, જે આગલા વર્ષે ૫.૧ ટકા હતી. આ ઉપરાંત વીજળી, પાણી અને અન્ય સેવાઓ, વ્યાપર, હોટેલ અને ટેલિકૉમમાં પણ વૃદ્ધિદર ઘટી ગયો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK