વ્યાપાર સંધિની અનિશ્ચિતતા વચ્ચે પણ સોના અને ચાંદીમાં તેજીનો ચમકારો નથી

22 November, 2019 10:43 AM IST  |  Mumbai

વ્યાપાર સંધિની અનિશ્ચિતતા વચ્ચે પણ સોના અને ચાંદીમાં તેજીનો ચમકારો નથી

File Photo

રાષ્ટ્રપતિ ટ્રમ્પ હૉન્ગકૉન્ગના પ્રદર્શનકારીઓને ટેકો આપતા ખરડા ઉપર સહી કરે એવી શક્યતા છે. એવા પણ અહેવાલ આવ્યા છે કે બન્ને દેશ વચ્ચે વ્યાપાર મંત્રણા 2020 સુધી ખેંચાશે. ચીને સત્તાવાર રીતે એવી જાહેરાત કરી છે કે મંત્રણા ચાલુ છે અને બન્ને દેશ મતભેદો ઉકેલવા માટે પ્રયત્નશીલ છે. આમ છતાં, સોનાના ભાવમાં આજે કોઈ મોટો ઉછાળો આવ્યો નથી. જોખમી બજારમાં રોકાણ કરતા શૅરહોલ્ડર માટે શૅરમાં પણ થોડી નરમી જોવા મળી હોવા છતાં ભાવ ઘટેલા જોવા મળી રહ્યા છે એ દર્શાવે છે કે વર્તમાન સ્થિતિમાં સોનામાં તેજી કે મંદી કરતાં રાહ જોવી વધારે હિતાવહ છે.

ભાવ નબળા હોવાનાં બે અન્ય કારણો પણ છે. બુધવારે ઑક્ટોબર મહિનાની ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સ જાહેર થઈ હતી જેમાંથી વ્યાજના દર આગામી બેઠકમાં ઘટશે કે વધશે એના કોઈ ચોક્કસ નિર્દેશ મળ્યા હતા નહીં. બીજી તરફ ફિલાડેલ્ફીઆના ઇન્ડેક્સમાં આજે ધારણા કરતા વધારે વૃદ્ધિ જોવા મળી હતી. અમેરિકામાં મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રની નાડ સમા આ ઇન્ડેક્સમાં બજારમાં 7નો આંકનો અંદાજ હતો એની સામે નવેમ્બરનો આંક 10.4 આવ્યો હતો. વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું 1474.5 ડૉલરની સપાટીએ બુધવારે બંધ આવ્યું હતું. ગઈ કાલે ભાવ 1474.2 ડૉલર અને ઘટીને 1468 ડૉલર પ્રતિ ઔંસની સપાટી વચ્ચે અથડાયા બાદ 1468.6 ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ન્યુ યૉર્ક ખાતે સોનાના વાયદામાં ભાવ 3.95 ડૉલર ઘટી 1470.25 અને ચાંદી 0.13 ટકા ઘટી 17.093 ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ભારતમાં આજે હાજરમાં સોનાનો ભાવ મુંબઈ ખાતે 150 ઘટી 39,390 રૂપિયા અને અમદાવાદ ખાતે ૩૯,૪૩૦ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ 38,155 ખૂલી ઉપરમાં 38,193 રૂપિયા અને નીચામાં 38,020 રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૯૬ ઘટીને ૩૮,૦૫૯ રૂપિયા બંધ રહ્યો હતો. મુંબઈ હાજર ચાંદી 190 ઘટી 45,959 રૂપિયા અને અમદાવાદ ખાતે 240 ઘટી 46,020 રૂપિયાની સપાટીએ હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ 44,829 ખૂલી ઉપરમાં 44,850 રૂપિયા અને નીચામાં 44,593 રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે 172 ઘટીને 44,647 રૂપિયા બંધ રહ્યો હતો.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

રૂપિયામાં સામાન્ય વૃદ્ધિ
ભારતીય ચલણ રૂપિયો ડૉલર સામે બુધવારના બંધ 71.82 ની સપાટી સામે ગઈ કાલે પાંચ પૈસા વધી 71.77 ની સપાટીએ બંધ આવ્યો હતો.

business news bombay stock exchange national stock exchange