અમેરિકાએ ચીન પર ટૅરિફ વધારતાં બજારોમાં ગભરાટ

13 May, 2019 01:13 PM IST  |  | કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

અમેરિકાએ ચીન પર ટૅરિફ વધારતાં બજારોમાં ગભરાટ

સ્ટૉક માર્કેટ

વચગાળાના વિરામ પછી ડોનલ્ડ ટ્રમ્પે ટ્વિટરનો તરખાટ મચાવતાં અને ચીની આયાતો પર ટેરિફ ઝીંકતા બજારોમાં તોફાન મચ્યું હતું. શૅરબજારો, મેટલ્સ અને ઍગ્રી-કૉમોડિટી બજારો તૂટ્યાં હતા. ખાસ કરીને કૉટન અને સોયાબીનમાં મંદીની સુનામી આવી ગઈ હતી. ઇમર્જિંગ ફૉરેક્સ અને યુઆન પણ ઘટ્યાં હતાં. ડૉલરમાં પણ તેજી અટકી ઘટાડો થયો હતો. રૂપિયો પણ ઘટ્યો હતો. એશિયામાં માત્ર યેન મજબૂત હતો. અમેરિકાએ ચીનથી આયાત થતી ૨૦૦ અબજ ડૉલરના મૂલ્યની ચીજો પર ૧૦ ટકા ટેરિફ નાખી છે, અને વધુ ૩૨૫ અબજ ડૉલરની આયાત પર જકાત નાખવા ચીનને એક માસની મહેતલ આપી છે. જો આ પગલું અમલી બને તો ચીનમાંથી અમેરિકામાં જતી તમામ આયાતો ૫૨૫ અબજ ડૉલરનો પૂરો વેપાર ટેરિફમાં આવી જશે. માર્કેટિંગના મહારથી ટ્રમ્પ ટેરિફને અમેરિકી સરકારને થતી આવક ગણાવે છે. અને ચીનને મોટો ફટકો પડશે અને અમેરિકા તરી જશે એમ ઠસાવે છે. વાસ્તવમાં આ ટેરિફનો બોજો અમેરિકન નાગરિકો પર જ આવવાનો છે. શુક્રવારે અમેરિકી શૅરબજારમાં ઘટ્યા ભાવથી ઉછાળો હતો, પણ બીજાં શૅરબજારો નરમ હતાં.

ચીન-અમેરિકા વચ્ચેના વેપારી ઘર્ષણથી સમગ્ર વિશ્વના આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર થશે. ઘરઆંગણે ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા બેહદ નબળા આવ્યા છે. વપરાશની સાઇકલ ધીમી પડી ગઈ છે. આર્થિક પંડિત અને સરકારના ઉચ્ચપદે સલાહકાર રહેલા રથિન દાસે ભારત મિડલ ઇન્કમ ટ્રેપમાં ફસાવા અંગે ચેતવણી ઉચચારી છે. રૂપિયો ૬૮.૫૦થી ઘટીને ૭૦.૦૫ થઈ ૬૯.૮૫ રહ્યો છે. ચાર્ટમાં રૂપિયો નબળો પડતો દેખાય છે. ચૂંટણી હવે અંતિમ તબક્કામાં આવી છે અને ૧૯ મેથી એક્ઝિઝટ પોલ શરૂ જાહેર થશે. જેણે પોલ કર્યા છે તેમને તો અંદાજ આવી ગયો હશે અને તેમણે એ ડેટા મ્યુચ્યુઅલ ફંડો કે મોટા ફંડ મૅનેજરોને વેચ્યો હશે અને એ પ્રિવિલેજ માહિતીનો બખૂબી ઉપયોગ બજારમાં થઈ પણ ગયો હશે. રૂપિયાની ચાલ હાલમાં તો નબળી દેખાય છે. ચૂંટણી પછી સ્થિર સરકાર આવે અને ચોમાસું સારું રહે તો રૂપિયામાં મંદી મર્યાદિત રહેશે. અન્યથા રૂપિયો સપ્ટેમ્બર પહેલાં ૭૨.૫૦-૭૪ સુધી જવાની પ્રબળ સંભાવના છે.

ટેક્નિકલી રેન્જ ૬૯.૩૦-૭૧.૭૮ છે. સપોર્ટ ૬૯.૭૧, ૬૯.૪૪, ૬૯.૧૫ અને ૬૮.૮૮ તેમજ રેઝિસ્ટન્સ ૭૦.૩૭, ૭૦.૮૫, ૭૧.૩૭, ૭૧.૩૭ - ૭૧.૭૮ છે. ૭૧.૬૨ વટાવાય તો ઝડપી ૭૨.૨૪ સુધી પણ નકારાય નહી.

એશિયામાં યુઆનમાં નરમાઈ હતી. યુઆન ૬.૬૮થી ઘટી ૬.૮૨ થઈ ગયો હતો. યેનમાં સેફ હેવન ખરીદી આવતાં ઉછાળો આવી યેન ૧૦૯ થઈ ગયો હતો. ઇમર્જિંગ કરન્સીમાં તુર્કી લીરામાં નરમાઈ ચાલુ હતી. તાજેતરની નગરપાલિકા ચૂંટણીઓમાં શાસક એર્ડોગાન હારી જતાં ફરી મતદાનની માગ કરતાં માનસ નરમ થયું છે. બ્રાઝિલમાં પણ શૅરબજાર અને રિયાલ તૂટ્યા છે. તુર્કી, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, રૂપિયો અને સાઉથ આફ્રિકા આ પાંચ દેશોની કરન્સીને ફ્રાજાઇલ ફાઇવ કહે છે, અને તેજી-મંદીમાં આ કરન્સીઓ હમ સાથ સાથ હૈ વિચારધારામાં માને છે.

યુરોપમાં જર્મનીના નિકાસના આંકડા ખૂબ સારા આવતાં યુરોમાં ૧.૧૧૭૦થી સુધરીને ૧.૧૨૫૦ થયો હતો. પાઉન્ડમાં પણ એકંદરે મજબૂતાઈ હતી. યુરોપમાં મે મહિનાની આખરમાં સંસદીય ચૂંટણીઓ છે, અને એ ખૂબ મોટી ઘટના છે. એ સિવાય ફિલિપીન્સમાં મધ્યસત્ર ચૂંટણીઓ જાહેર થઈ છે. નવેમ્બરમાં અમેરિકામાં પણ ચૂંટણીજ્વર પરાકાષ્ઠાએ હશે. ૨૦૨૦માં ટ્રમ્પની સામે ડેમોક્રેટ પક્ષમાંથી કોણ આવશે એ નક્કી નથી. સૌથી મજબૂત નામ હોય તો એ જો બિડેન છે. અત્યારે તો ટ્રમ્પનો અશ્વમેધ ચાલી રહ્યો છે. અને ૨૦૨૦માં તેમને પ્રમુખ થતાં રોકી શકે એવી કોઈ અડચણ દૂર દૂર પણ દેખાતી નથી.

આ પણ વાંચો : રૂ માર્કેટમાં આગામી ત્રણ મહિનામાં અફરાતફરીની શક્યતા

અમેરિકી ડૉલરમાં તેજી અટકી હતી. ડૉલેક્સ ૯૮.૨૦થી અટકી ૯૭.૩૨ હતો. ૯૬.૫૫ તૂટે તો ફરી ૯૫.૩૦ સુધીની સંભાવના છે. સોનામાં બજાર સુસ્ત છે. રેન્જ ૧૨૬૦-૧૩૨૦ છે. ક્રૂડ ઑઇલની રેન્જ ૫૮-૬૫ ડૉલર છે.

business news