રૂ માર્કેટમાં આગામી ત્રણ મહિનામાં અફરાતફરીની શક્યતા

Published: May 13, 2019, 13:04 IST | કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા | મુંબઈ

અમેરિકા-ચીન ટ્રેડવૉર અને અલ નીનોના આધારે ભારતીય ચોમાસાની પ્રગતિ અને ચૂંટણી પરિણામો બાદની કરન્સી મૂવમેન્ટ રૂના ભાવ પર મોટી અસર કરશે : સીએઆઇએ રૂનું ઉત્પાદન ગત વર્ષથી ૫૦ લાખ ગાંસડી ઘટાડ્યું હોવાથી ભાવ બૉટમઆઉટ થવાનો મત

કૉટન
કૉટન

ભારત વિશ્વનું રૂનું સૌથી મોટું ઉત્પાદક બન્યા બાદ હવે વિશ્વમાં ભારતીય રૂના ભાવનું મહત્વ અનેકગણું વધ્યું છે. છેલ્લાં બે વર્ષ દરમ્યાન દેશમાં અનેક રાજ્યોમાં કપાસ-રૂમાં રોગનું પ્રમાણ અનેકગણું વધતાં ચાલુ વર્ષે ખેડૂતોએ કપાસ-રૂનું વાવેતર ઘટાડ્યું હતું, એમાં વળી ચોમાસાની પ્રગતિ સાનુકૂળ ન રહેતાં ભારતમાં ઉતારા ઘટતાં રૂનું ઉત્પાદન ગત વર્ષથી ૫૦ લાખ ગાંસડી ઓછું રહ્યું હોવાનો અંદાજ સીએઆઇ (કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયા)એ ગત સપ્તાહે યોજાયેલી મીટિંગમાં મૂક્યો હતો. સીએઆઇએ રૂના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને ૩.૧૫ કરોડ ગાંસડીનો મૂક્યો હતો, જે ગત વર્ષે ૩.૬૫ કરોડ ગાંસડીનું ઉત્પાદન થયું હતું. (એક ગાંસડી ૧૭૦ કિલોની.)

રૂની માર્કેટને અસર કરનારી અનેક ઘટનાઓ આગામી ત્રણ મહિનામાં આકાર લેવાની હોવાથી હવેના ત્રણ મહિનામાં રૂમાં મોટી અફરાતફરી થવાની શક્યતા દેખાઈ રહી છે. અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડવૉરની રૂ માર્કેટમાં મોટી અસર પડી છે અને હવે ટ્રેડવૉર અંગે જે પણ ઘટના બનશે એની પણ રૂ માર્કેટમાં અસર પડશે. અમેરિકા વિશ્વમાં રૂનું સૌથી મોટું એક્સપોર્ટર છે અને ચીન વિશ્વમાં રૂનું સૌથી મોટું ઇમ્પોર્ટર હોવાથી બન્ને દેશો વચ્ચે રૂનો મોટો ટ્રેડ વર્ષોથી થઈ રહ્યો છે. અમેરિકાએ ચાઇનીઝ પ્રોડક્ટ પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારતાં ચીને પણ અમેરિકન રૂની ઇમ્પોર્ટ પર ૨૫ ટકા ડ્યુટી લાદી હતી એની અમેરિકાની રૂની એક્સપોર્ટને અત્યાર સુધીમાં મોટી અસર થઈ છે. હાલ ટ્રેડવૉરને ખતમ કરવાની મીટિંગ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ટ્રમ્પે ૨૦૦ ડૉલરની ચાઇનીઝ પ્રોડક્ટ પરની ઇમ્પોર્ટ ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરતાં ચાઇનીઝ ગવર્નમેન્ટ હરકતમાં આવી છે અને આ ટ્રેડવૉરનું ભાવિ નક્કી કરવાની કવાયત હાથ ધરી છે તેનું પરિણામ એકાદ સપ્તાહમાં આવવાની ધારણા છે. જો ટ્રેડવૉર ખતમ થશે તો અમેરિકન રૂની એક્સપોર્ટ વધવાની શક્યતાએ ન્યુ યૉર્ક રૂ વાયદામાં ભાવ વધશે. ન્યુ ર્યોક રૂ વાયદો વિશ્વના રૂના ભાવનું બેન્ચમાર્ક છે. છેલ્લાં ત્રણ સપ્તાહમાં ન્યુ યૉર્ક રૂ વાયદામાં ૧૦થી ૧૨ ટકાની મંદી આવી હતી. જો ટ્રેડવૉર ખતમ નહીં થાય તો આગામી દિવસોમાં ન્યુ યૉર્ક રૂ વાયદામાં મંદી વધુ વકરી શકે છે.

બીજી મોટી અસર અલ નીનોને કારણે ચોમાસાની પ્રગતિ કેવી રહે છે તેની અસર રૂ માર્કેટમાં જોવા મળશે. ભારતમાં જૂન મહિનાથી ચોમાસાનો પ્રારંભ થશે. રૂ-કપાસ ચોમાસું પાક હોવાથી જૂન-જુલાઈમાં તેનું વાવેતર શરૂ થશે. ચોમાસું નબળું રહેશે તો કપાસ-રૂના વાવેતરમાં વિલંબ થશે અથવા તો વાવેતરમાં ઘટાડો થશે. આ તમામ બાબતની રૂના ભાવ પર સીધી અસર પડશે. ચાલુ વર્ષે રૂના ભાવ ગત વર્ષથી ખાંડીદીઠ ૪૦૦૦થી ૫૦૦૦ રૂપિયા ઊંચા રહ્યા હોવાથી ખેડૂતોને કપાસ-રૂનું વાવેતર કરવાનું આકર્ષણ વધુ છે (ખાંડી-૩૫૬ કિલોની). ચોમાસાની પ્રગતિ અને વરસાદ સમયસર પડશે તો રૂના ભાવ ઘરઆંગણે અને વિશ્વ માર્કેટમાં ઘટી શકે છે.

ત્રીજી મોટી અસર કરન્સી મૂવમેન્ટની છે. ભારત રૂની એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બન્ને કરી રહ્યું હોવાથી કરન્સી માર્કેટની મૂવમેન્ટની રૂ માર્કેટ પર મોટી અસર પડશે. લોક્સભાની ચૂંટણીનાં પરિણામ તા. ૨૩મી મેના રોજ જાહેર થશે ત્યારે જો અસ્થિર સરકાર રચાશે તો રૂપિયો કરન્સી માર્કેટમાં ગબડીને ૭૨ કે ૭૩ થવાની ધારણા છે. આ સંજોગોમાં ભારતીય રૂની એક્સપોર્ટને મોટો ફાયદો થશે અને રૂની એક્સપોર્ટ સીએઆઇએ ૪૭ લાખ ગાંસડી ધારી છે તે કદાચ વધીને ૬૦ લાખ ગાંસડી સુધી પહોંચી શકે. ચૂંટણીનાં પરિણામ બાદ સ્થિર સરકાર આવશે તો રૂપિયો મજબૂત બનશે અને રૂની ઇમ્પોર્ટ માટેની શક્યતા વધશે. સીએઆઇએ ૩૧ લાખ ગાંસડી રૂની ઇમ્પોર્ટનો અંદાજ મૂક્યો છે. રૂપિયો મજબૂત બનશે તો તેટલી જ ઇમ્પોર્ટ થવાની શક્યતા વધશે. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની શક્યતાને આધારે રૂ માર્કેટમાં મોટી અફરાતફરી સર્જા‍શે.

આ તમામ સ્થિતિ વચ્ચે રૂના માર્કેટના અગ્રણીઓનાં અનુમાનો મહત્વનાં છે તે અહીં પ્રસ્તૃત છે.

દેશમાં નવા રૂની આવક માટે ઓછામાં ઓછા ૧૨૦ દિવસ સામે હાલમાં ૯૩ દિવસ ચાલે એટલો જ રૂનો સ્ટૉક

સીએઆઇના પ્રેસિડન્ટ અને રૂના અગ્રણી ટ્રેડર અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું કે ન્યુ યૉર્ક રૂ વાયદામાં ભારતીય ભાવની ગણતરી પ્રમાણે ખાંડીએ ૩૫૦૦થી ૪૦૦૦ રૂપિયા ઘટી ગયા તેના પ્રમાણમાં ભારતમાં રૂના ભાવ માત્ર ખાંડીએ ૫૦૦થી ૭૦૦ રૂપિયા જ ઘટ્યા છે, કારણ કે અહીં રૂનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં ૫૦ લાખ ગાંસડી ઓછું થતાં રૂની બૅલૅન્સશીટ ટાઇટ બની છે. દેશમાં રૂનું ૩.૧૫ કરોડ ગાંસડી ઉત્પાદન સામે ૩.૧૫ કરોડ ગાંસડીનો રૂનો વપરાશ થતો હોવાથી ભાવ હવે વધુ ઘટવા અતિમુશ્કેલ છે. વળી દેશમાં રૂનું ઉત્પાદન ઘટતાં હાલ રોજિંદી આવક ઘટીને ૨૦ હજાર ગાંસડી જ રહી હોવાથી હાલ રૂમાં વેચાણ કરનારાઓ અટકી ગયા છે.

રૂની એક્સપોર્ટ-ઇમ્પોર્ટ વિશે તેમણે જણાવ્યું હતું કે ચાલુ સીઝન દરમ્યાન ઑક્ટોબર-૨૦૧૮થી એપ્રિલ-૨૦૧૯ દરમ્યાન ભારતીય રૂની ૪૨.૫૦ લાખ ગાંસડી એક્સપોર્ટ થઈ ચૂકી છે જ્યારે રૂની ઇમ્પોર્ટ ચાલુ સીઝનમાં એપ્રિલ સુધીમાં ૭.૨૭ લાખ ગાંસડી થઈ છે. દેશમાં સ્પિનિંગ મિલો, જીનર્સો, મલ્ટિનૅશનલ કંપનીઓ, મલ્ટિ-કૉમોડિટી એક્સચેન્જનાં વેરહાઉસ અને સીસીઆઇ (કૉટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા) પાસે તા. ૩૦ એપ્રિલે ૮૭.૭૫ લાખ ગાંસડી સ્ટૉક પડ્યો છે, જે ૯૩થી ૯૪ દિવસ ચાલે તેટલો છે, જ્યારે કપાસ-રૂનું વાવેતર હજુ થયું ન હોવાથી નવી આવક આડે ઓછામાં ચાર મહિના એટલે કે ૧૨૦થી ૧૨૨ દિવસ બાકી છે, એમાંય જો અલ નીનોને કારણે જો ચોમાસું લંબાય તો આવક વધુ મોડી થવાની શક્યતાએ બૅલૅન્સશીટ વધુ ટાઇટ બની શકે છે.

- અતુલ ગણાત્રા, પ્રેસિડન્ટ-સીએઆઇ, અગ્રણી ટ્રેડર

રૂના ભાવ નવી સીઝન અગાઉ વધીને ખાંડીદીઠ ૫૦ હજાર રૂપિયા થશે

સીએઆઇના ડિરેક્ટર અને દેશના અગ્રણી એક્સપોર્ટર અરુણભાઈ શેખસરિયાએ જણાવ્યું હતું કે રૂનું ઉત્પાદન ચાલુ વર્ષે દેશમાં ૩.૦૫થી ૩.૧૦ કરોડ ગાંસડીથી વધુ થયું નથી. ભારતીય રૂના ભાવની સરખામણીમાં વર્લ્ડ માર્કેટમાં સસ્તું રૂ મળતું હોવાથી અહીંની મિલોએ ઇમ્પોર્ટના મોટા સોદા કર્યા છે, પણ અમેરિકા અને આફ્રિકન રૂની ક્વોલિટીના પ્રશ્નો ધારણા કરતાં વધુ જોવા મળી રહ્યા છે. ઉપરાંત આ બન્ને દેશોથી રૂનાં શીપમેન્ટ ધારણા પ્રમાણે થતાં ન હોવાથી દેશમાં સપ્ટેમ્બર સુધીમાં માત્ર ૧૨થી ૧૫ લાખ ગાંસડી જ રૂની ઇમ્પોર્ટ થઈ શકે છે. ભારતમાં રૂની એક્સપોર્ટ કરવા માટે પાંચ પોર્ટની ફૅસેલિટી ઉપલબ્ધ છે, પણ અમેરિકન રૂની એક્સપોર્ટ બે પોર્ટ પરથી થઈ શકે છે અને આફ્રિકન રૂનાં શિપમેન્ટ એક જ પોર્ટ પરથી થતાં હોવાથી ત્યાં રૂના શિપમેન્ટના અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આમ, રૂની ઇમ્પોર્ટના સોદા થયા હોવા છતાં અહીં સમયસર રૂની ઇમ્પોર્ટ થઇ શકશે કે કેમ? તે મોટો પ્રશ્નાર્થ છે. આ સંજોગોમાં અહીં રૂની ઇમ્પોર્ટ સમયસર નહીં થાય તો મિલોને ભારતીય રૂ ખરીદવા દોડવું પડશે અને અહીં ભાવ એકાએક ઊછળશે.

આ પણ વાંચો : જેટને બે અનસૉલિસિટેડ બિડ મળી, એકની હજી અપેક્ષા : એસબીઆઇ

એક્સપોર્ટની શક્યતા વિશે અરુણભાઈએ જણાવ્યું હતું કે બંગલાદેશ, પાકિસ્તાન, વિયેટનામ, ઇન્ડોનેશિયા વગેરે દેશોનો લૉજિસ્ટિકલી ભારતીય રૂની પડતર બેસે તેમ છે. અમેરિકન રૂની કવોલિટી બગડેલી હોવાથી હાલ વર્લ્ડ માર્કેટમાં ભારત અને બ્રાઝિલ, આ બે દેશો સિવાય કોઈ દેશોમાંથી રૂ મળવું મુશ્કેલ છે. એશિયન દેશોને બ્રાઝિલથી રૂ મંગાવવું મોંઘું પડી શકે છે. આ સંજોગોમાં ભારતીય રૂની એક્સપોર્ટ આવતાં ત્રણ મહિનામાં ધારણા કરતાં વધી જવાની શક્યતા છે. હાલ ભારતમાં રૂના ભાવ છેલ્લા ત્રણેક સપ્તાહમાં ૭૦૦ થી ૧૦૦૦ રૂપિયા ઘટી જતાં હવે એક્સપોર્ટ કરવા માટેની પડતર લાગી હોવાથી એક્સપોર્ટનાં કામ આગામી દિવસોમાં વધશે. ઓવરઑલ હાલના રૂના ભાવ એ બૉટમના ભાવ હોવાથી હવે વધુ ઘટવાની શક્યતા નથી અને નવી સીઝન અગાઉ રૂના ભાવ ખાંડીદીઠ કોઈ પણ સંજોગોમોં ૫૦ હજાર રૂપિયાની સપાટીને ઓળંગશે તે નક્કી છે.

- અરુણ શેખસરિયા, ડિરેક્ટર-સીએઆઇ, અગ્રણી એક્સપોર્ટર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK